Abtak Media Google News

ખર્ચ ઘટાડવા પાલિકાના કર્મચારીઓને બે મહિનાનું અલ્ટીમેટમ, પાણીચું પકડાવી દેવાની પણ ચિમકી

 

મોરબી નગરપાલિકા ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ચર્ચામાં છે ત્યારે વધુ એક મુદ્દે નગરપાલિકા ચર્ચામાં આવી છે.ભાજપના મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની ઓચિંતી રીવ્યુ મિટિંગમાં આવા અનેક ધડાકા થયા હતા.

જેમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષ સ્થાને અને મોરબી નગરપાલિકા વહીવટદાર એન.કે.મુછાર તેમજ મોરબી નગરપાલિકાના 39 સભ્યો ચેરમેન તેમજ અલગ અલગ વિભાગનાં કર્મચારી સાથે રીવ્યુ મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં મોરબી નગરપાલિકા પાસે સ્વભંડોળ નામે મીંડું હોવાનું તે રીતે તંત્ર ચાલી રહ્યું છે તેમજ નગરપાલિકાનુ લાઈટ કનેક્શન પણ કટ થઈ જવાની તૈયારીમાં છે કેમ કે ચાર કરોડ જેટલું લાઈટ બિલ ભરવાનુ બાકી છે ત્યારે તમામ વિભાગના કર્મચારીઓ પાસે ખર્ચના આંકડાની વિગતો જાણી તેમાં ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય તે બાબતે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા સૂચન કરાયું હતું વધુમાં મોરબીમાં 6000 જેટલી એલઈડી લાઈટ્સ લગાવવામાં આવી હતી જેને લગાવી દેવાઈ છે પરંતુ જૂની લાઈટ્સ કયા છે તે રોશની વિભાગના કર્મચારીને ખબર જ નથી અને એક બીજા પર દોષના ટોપલા ઢોળી દેવાનું શરૂ કર્યું હતું.ત્યાર બાદ સફાઇ કર્મચારી બાબતે પણ મોટો ઘપલો બહાર આવ્યો હતો.જેમાં 31 જેટલા સફાઈ કામદારોના ખોટા નામ ચડાવી પગાર મેળવાતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે ગેરેજ વિભાગ, ગટર વ્યવસ્થા તેમજ રોડ રસ્તાને ઓછા ખર્ચે અને વધુ સારા કેમ બનાવી શકાય તે માટે પણ ધારાસભ્યએ જરૂરી સૂચનો આપ્યા હતા.

વધુમાં આ ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓને બે મહિનાનો સમય આપવામાં આવ્યો છે જો તે સમયગાળામાં ખર્ચ બાબતે ઘટાડો નહિ આવે તો પાણીચુ પકડાવી દેવાની ચેતવણી પણ આપવામાં આવી છે.જોકે હાલમાં મોરબી નગરપાલિકા પાસે કોઈ પણ પ્રકારનુ બેલેન્સ નથી તેમજ અગાઉ બે ત્રણ વર્ષોના લાઈટ બિલ, તેમજ અન્ય ખર્ચાઓ મળી કરોડો રૂપિયાનું દેવું પણ મોરબી નગરપાલિકા પર છે તો આગામી સમયમાં જો લાઇટ બિલ નહિ ભરાય તો મોરબી નગરપાલિકાનું વીજ કનેકશન કટ થઈ જવાની અને અનેક કર્મચારીઓના પગાર ચુકવવામાં પણ વાંધા પડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.