• રઘુવંશી સમાજ દ્વારા ઠેર-ઠેર આવેદન પત્ર અપાયા: ફતેસિંહ વિરપુર આવી બાપાના ચરણોમાં માફી માંગે તેવી માંગ

કલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે સંત શિરોમણી જલારામ બાપા વિશે કરેલી ટિપ્પણીથી રાજ્યભરમાં રઘુવંશી સમાજ અને જલારામ બાપાના ભક્તોમાં વ્યાપક વિરોધ વંટોળ ફાટી નિકળ્યો છે. રાજુલા અને સાવરકુંડલામાં રઘુવંશી સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યા હતા. ધારાસભ્ય ફતેસિંહ વિરપુર આવી જલારામ બાપાના ચરણોમાં બેસી બાપા પાસે માફી માંગે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.

સોશિયલ મીડિયા પર તાજેતરમાં વાયરલ થયેલા એક વિડિયોમાં કલોલ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ વખતસિંહ ચૌહાણ એવું નિવેદન આપતા નજરે પડે છે કે જલારામ બાપાને આપણે ભગવાન બનાવી દીધા. તેઓના આ બોલથી રાજ્યભરમાં રઘુવંશી સમાજ અને જલારામ બાપાના ભક્તોમાં ભારે વિરોધ ફાટી નિકળ્યો છે. માત્ર ગુજરાત જ નહીં દેશ-વિદેશમાં કરોડો લોકો જલારામ બાપામાં ઉંડી આસ્થા ધરાવે છે. જલારામ બાપાને ભગવાન માની તેની પુજા કરવામાં આવે છે. વિરપુરમાં આવેલું જલારામ બાપાનું મંદિર વિશ્ર્વનું એકમાત્ર એવું ધાર્મિક સ્થળ છે. જ્યાં ભાવિકો પાસેથી એકપણ રૂપિયો સ્વીકારવામાં આવતો નથી. છતા તમામને ભરપેટ ભોજનરૂપી પ્રસાદ આપવામાં આવે છે.

ભાજપના કેટલાક ધારાસભ્યો અને અનેક નેતાઓ જલારામ બાપામાં અનન્ય શ્રધ્ધા ધરાવે છે ત્યારે કલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે તાજેતરમાં જલારામ બાપા અંગે કરેલી ટીપ્પણીથી ભારે રોષ ફાટી નિકળ્યો છે. ગઇકાલે સાવરકુંડલા અને રાજુલામાં રઘુવંશી સમાજ દ્વારા એક વિશાળ રેલી યોજી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યા હતા.

ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પોતાની ભૂલ સ્વીકારી વિરપુર ધામ ખાતે આવે અને જલારામ બાપાના ચરણોમાં બેસી માફી માંગે તેવી માંગ ઉઠી રહી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આ મામલે વિરોધ પ્રદર્શન યોજવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. લોકસભાની ચૂંટણી સમયે જ ભાજપના ધારાસભ્યની જીભ લપસતા કોંગ્રેસને મુદ્ો મળી ગયો છે. જ્યારે ભાજપની સ્થિતિ સાથે છંછુદર ગળ્યા જેવી બની જવા પામી છે. આગામી દિવસોમાં આ ઘટનાના ઘેરા પડઘા પડે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.