Abtak Media Google News

દેશને આગળ લઈ જવવા માટે ‘ઈન્ટેલેકચ્યુલ પ્રોપર્ટી’ બૌઘ્ધિક કૌશલ્યનો સુનિયોજન રીતે ઉપયોગ કરવા સરકારની ક્રાંતિકારી પહેલ

મેરા દેશ બદલ રહા હૈ… ભારતના આર્થિક, સામાજીક, રાજકિય અને વહિવટી પરીમાણોને વૈશ્ર્વિક સ્તરના બનાવી ભારતને વિશ્ર્વગુરુ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોમાં વધુ એક ક્ષેત્રનો ઉમેરો થઈ રહ્યો છે. દેશમાં બાબુશાહીનો દૌર ખતમ કરવા અને બાબુશાહીના ભારણથી અટકી ગયેલા વિકાસને વેગવાન બનાવવા હવે જાહેર ક્ષેત્રમાં નિષ્ણાંત લોકોની નિમણુકો માટે માર્ગ ખુલ્લી રહ્યા છે. મોદી હૈ તો મુમકિન હૈ ની ફળશ્રુતી ખરાઅર્થમાં સાર્થક થાય તે માટે દેશના વહિવટી ક્ષેત્રના અનેક ક્ષેત્રોમાં બિનસરકારી નિષ્ણાંત વ્યકિતઓને વહિવટી સંચાલનમાં જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. બાબુઓની વહિવટી પ્રક્રિયાને કોર્પોરેટ ટચ આપવા માટે સરકારનો આ અભિગમ ક્રાંતિ સર્જશે.

કેન્દ્ર સરકાર દ્વારા વહિવટી સુધારણાના લેવાઈ રહેલા નિર્ણયોમાં એક મહત્વનું પગલું ઉમેરાઈ રહ્યું હોય તેમ સરકારે વિવિધ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રના નિષ્ણાંતોને સરકારી વિભાગોમાં મુકીને બાબુશાહીની બિબાઢાળ ઘરેરમાંથી વહિવટી તંત્રને બહાર લાવવી સરકારી વિભાગો પણ કોર્પોરેટ ક્ષેત્રની જેમ વિકસિત કરવા અને ઝડપી નિર્ણયથી વહિવટ સુધારવાનો રસ્તો અખત્યાર કરવાનું મન બનાવ્યું છે. સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ સરકારના વિવિધ ક્ષેત્રોમાં સંયુકત સચિવ મહાનિર્દેશક જેવી મહત્વની જગ્યાઓ પર ખાનગી નિષ્ણાંતોને નિમણુક કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશનું વહિવટી તંત્ર સુધારવા માટે અને વહિવટી પ્રતિભા ધરાવતા કોર્પોરેટ જગતના નિષ્ણાંતોનું કૌશલ્ય સરકાર સંચાલનમાં કામ આવે તે માટે સરકાર કોર્પોરેટ જગતના વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોને પેઈડ સર્વિસમેન તરીકે કામ પર લેવાનું નકકી કર્યું છે. સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયમાં વેપારી, ઉધોગ, મહેસુલ, આર્થિક કૃષિ, કિસાન કલ્યાણ અને માનવ સંશાધન મંત્રાલયના વિવિધ વિભાગોમાં આર્થિક નિષ્ણાંત ખાનગી અધિકારીઓની નિમણુક કરવામાં આવશે.

ખાનગી ક્ષેત્રના નિર્દેશક અને મહાનિર્દેશક કક્ષાના નિષ્ણાંતોને વિવિધ મંત્રાલયના વિવિધ વિભાગના ખાતાઓનો હવાલો સંભાળવા માટે પગાર આપીને નિમણુક કરવામાં આવશે જેમાં વેપાર, ઉધોગ, આર્થિક સેવાઓ, આર્થિક બાબતો, કૃષિ, કિસાન, વિકાસ, કાયદો, ન્યાયિક વિભાગ, સામાજીક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, ગરાક બાબતો, અન્ન અને જાહેર પુરવઠા, આરોગ્ય, પરીવાર કલ્યાણ, માર્ગ પરીવહન, ધોરી માર્ગ, નાગરીક ઉડ્ડયન અને સ્કિલ ડેવલોપમેનટ વિભાગમાં આવા ખાનગી ક્ષેત્રના નિષ્ણાંતોને નિયુકત કરવામાં આવશે.

સરકારના જાહેર સેવા આયોગની વેબસાઈટ પર સરકારના આ નવા પરીપત્રની જાહેરાત કરીને ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. છઠ્ઠી ફેબ્રુઆરીથી ૨૨મી માર્ચ સુધી રસ ધરાવનાર નિષ્ણાંતો સરકારી ખાતામાં જોડાવવા માટે અરજી કરી શકશે. આવી નિમણુકો પહેલા ઈન્ટરવ્યુ અને નિયુકિતની પ્રક્રિયા ટુંકા સમયમાં જ આટોપી લેવાશે.

કોર્પોરેટ જગતના સરકારી ખાતામાં સેવા આપવા ઈચ્છતા ઉમેદવારોને સરળતાથી નિમણુક આપવામાં આવશે અને તેમને તેમની સેવાનું વળતર આપવામાં આવશે. સરકાર દ્વારા ખાનગી નિષ્ણાંતોને સરકારી વિભાગોની સેવામાં સામેલ કરવા માટે સંયુકત સચિવ મહાનિર્દેશક જેવી ભરતીમાં સામેલ કરવામાં આવશે. જુન-૨૦૧૮માં આવી અરજીઓ મંગાવવામાં આવી હતી અને સરકારે પ્રાયોગિક ધોરણે ૧૦ જેટલા સંયુકત સચિવ કક્ષાની ભરતી કરવામાં આવી હતી જેના સારા પરિણામો આવતા સરકારે વ્યાપકપણે આ સુધારાનો અમલ કરવાનું મન બનાવ્યું છે. સરકારી વહિવટી પ્રક્રિયામાં બાબુશાહીની જુની બિબાઢાર અને ખુબ જ ધીમી વહિવટી પ્રક્રિયામાં અત્યારે દરેક વિભાગમાં વિલંબથી નિર્ણય લેવામાં મોટાભાગના વિભાગોમાં ફાઈલનાં ખડકલા થઈ જાય છે, કામ ન થતા હોવાનો વ્યાપક પ્રશ્ર્ન રહે છે ત્યારે સરકાર દ્વારા થીંક ટેન્કને વધુ અસરકારક બનાવવા માટે અને વહિવટી પ્રક્રિયામાં બાબુશાહી ખતમ કરવા માટે કોર્પોરેટ જગતના નિષ્ણાંતોને કામે લગાડવાના અભિગમથી સરકારના વિવિધ ખાતા પણ કોર્પોરેટ કલ્ચરની જેમ ત્વરીત નિર્ણય શકિત અને ક્રાંતિકારી અભિગમથી વધુ કાર્યક્ષમ બનશે.

રાજીવ ગાંધીએ સામ પિત્રોડાને ૮૦ના દાયકામાં આજ રીતે દેશના ટેલિકોમ ક્ષેત્રના વિકાસ માટે વિદેશથી બોલાવ્યા હતા. સામ પિત્રોડાના કારણે ભારતમાં આજની ટેલિકોમ ક્રાંતિ સંભવ બની છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ પોલીટીકસ બહારના વ્યકિત હતા. તેમની આર્થિક કુનેહને જોઈને રાજકારણમાં લાવવામાં આવ્યા હતા. ૯૦ના દાયકામાં વિશ્ર્વમાં જયારે આર્થિક મંદીના માહોલમાં દુનિયાભરની બજારો પડી ભાંગી હતી ત્યારે મનમોહનસિંહની કુનેહથી ભારતનું અર્થતંત્ર સ્થિર રહ્યું હતું. સરકારના જાહેર ક્ષેત્રમાં પડતર પ્રશ્ર્નોનો નિકાલ અને ત્વરીત નિર્ણય શકિતની બાબુશાહીનો યુગ હવે ખતમ થશે અને ભારતમાં વહિવટી ગતિવિધિ અમેરિકન જેવી થઈ જશે.

મનમોહનસિંહ સામ પિત્રોડાની જેમ હવે નવી પ્રતિભાઓ દેશ વિકાસમાં કામ આપશે

સરકારના ખાતાઓમાં બાબુશાહીની આગે ચે ચલી આતી હૈ જેવી ઘરેડના કારણે કામ ઝડપથી થતા નથી. ફાઈલના થપ્પા વર્ષો સુધી ઉકેલાતા નથી. વહિવટીકામ ધીમુ ચાલતુ હોવાથી અરજદારોનો અસંતોષ સરકારની કાર્યક્ષમતા સામે સવાલો ઉઠાવે છે તેવા સંજોગોમાં સરકારી વિભાગોમાં ખાનગી નિષ્ણાંતોની સેવાના સરકારના આ પ્રયોજનથી દેશમાં કોર્પોરેટ જગતના બુઘ્ધિ ધનનો વહિવટી ક્ષેત્ર ઉપયોગ થશે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને સામ પિત્રોડા જેવી પ્રતિભાઓની જેમ નરેન્દ્ર મોદીના આ અભિગમથી દેશને નવી પ્રતિભાઓ મળશે અને આ અભિગમથી વહિવટી તંત્રમાં નવા રૂપરંગથી કામ કરવાનો અવસર આવશે.

અમેરિકાની જેમ ભારતમાં પણ ‘બૌઘ્ધિક ધન’નું મહત્વ વધશે

મોદી હૈ તો મુમકિન હૈ વહિવટી પ્રક્રિયાને નવા પરીવર્તન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હિંમતભર્યા પગલામાં વધુ એકનો ઉમેરો કરતા ખાનગી નિષ્ણાંતોને સરકારી સેવામાં જોડવાથી દેશની વહિવટી ગતિવિધિઓને નવો વેગ મળશે. અત્યાર સુધી ભારતના બુઘ્ધિજીવીઓને અમેરિકા, બ્રિટન જેવા દેશ પોતાના દેશમાં વસાવી મબલખ લાભ લેતા હતા. રઘુરામ રાજન જેવા નિષ્ણાંતોની દુનિયામાં જરૂર છે. ભારતમાં પણ હવે સરકારી કામકાજમાં બિનસરકારી બુઘ્ધિધનનાં પ્રયોગનો આ માહોલ દેશની વહિવટી દિશા અને દશા બદલી નાખશે. બાબુશાહી ખતમ કરવા માટે સરકારને આ નવી પઘ્ધતિ આશીર્વાદરૂપ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.