Abtak Media Google News

કોર્પોરેટ ગણાતી એવી પીજીવીસીએલ કંપની પણ હવે શુદ્ધ સરકારી કચેરી માફક લાગવગથી પૈસાની લ્હાય કરવાના વિવાદો સર્જી રહી છે. પીજીવીસીએલે એક નિવૃત ઈજનેરને ત્રણ મહિના માટે કામે રાખી લઈને તેને રૂ. 2 લાખની લ્હાણી પણ કરી છે. અધૂરામાં પૂરું આ નિવૃત ઈજનેરને એક કાર પણ આપી છે.

તાઉતે વાવાઝોડાએ વિનાશ વેરતા પીજીવીસીએલને ભારે નુકસાન સર્જાયું હતું. વીજ પુરવઠો પૂર્વવત કરવા વીજકર્મચારીઓએ દિવસ રાત એક કરી તનતોડ મહેનત કરી હતી.જેના પગલે વીજ કંપની પ્રત્યે લોકોમાં આદરભાવ જન્મ્યો હતો. વીજ કંપનીના કામની દરેકે નોંધ લીધી હતી. પણ કહેવાય છે ને કે વખાણેલી ખીચડી દાઢે ચોંટે,  તેવુ જ વીજ કંપનીએ કર્યું છે. વીજકર્મચારીઓની મહેમત ઉપર મેનેજમેન્ટે પાણી ફેરવી દીધું છે. એક તરફ મહેનત કરી કંપનીને ગૌરવ અપાવતા કર્મચારીઓ અને બીજી તરફ લાગવગથી પૈસાની લ્હાણી કરતા અધિકારીઓ. આ અધિકારીઓએ વીજ કંપનીની આબરૂને ધૂળધાણી કરવામાં કઈ કચાશ છોડી નથી.

તાઉતેએ વિનાશ વેર્યાના પખવાડિયા બાદ પીજીવીસીએલના એચઆર મેનેજર એ.આર. કટારા જે અગાઉથી જ વિવાદોમાં રહ્યા છે. તેઓએ એક ખાસ ઓર્ડર કરીને નિવૃત ઇજનેરને ત્રણ મહિના માટે ફરજ ઉપર લીધા છે. આ નિવૃત ઈજનેરનું નામ કે.એમ. ભુવા છે. જેને વીજ કંપનીએ ત્રણ મહિના માટે કામ ઉપર રાખીને રૂ. 2 લાખના પગારની લ્હાણી પણ કરી છે. સાથોસાથ એક કાર પણ આપી છે.

હવે મુખ્ય વાત તો એ છે કે જો પીજીવીસીએલને ખરેખર કોઈ નિવૃત અધિકારીને ફરજ જ સોંપવી હતી. તો કોઈ સારા નિવૃત અધિકારીને ફરજ સોપાઈ હોત તો વિવાદ ન સર્જાયો હોત. પીજીવીસીએલે જેનો ભૂતકાળ અત્યંત વિવાદી રહ્યો છે તેવા નિવૃત્ત ઈજનેર કે.એમ. ભુવાને ફરજ સોંપી છે. ભૂતકાળમાં તેઓએ પોતાના ઘરે  ચેન્જ ઓવરની સવલત મેળવીને અનેક ઇજનેરો તેમજ સ્ટાફને નોટિસો ખવડાવી હતી. તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન અનેકવિધ ગોટાળાઓ સર્જ્યા છે. આ નિવૃત અધિકારીને તેની લાગવગના જોરે પીજીવીસીએલે પૈસા અને પાવરની લ્હાણી કરી છે.

પીજીવીસીએલ પાસે ઇજનેરોની ફૌજ, તેમાંથી કોઈ સક્ષમ નથી ? ઇજનેરોમાં રોષ 

કે.એમ. ભુવાને પીજીવીસીએલે ખાસ ફરજ સોંપી છે. નિવૃત ઇજનેરને ફરજ સોંપવામાં આવી છે. તે પણ બધું સમારકામ પૂર્ણ થવા આવ્યું ત્યારે ફરજનો ઓર્ડર કરાયો છે. આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. મેનેજમેન્ટ સામે ઇજનેરોમાં અંદરખાને રોષ પ્રવર્તી રહ્યો છે. ઇજનેરોમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે નિવૃત અધિકારીને ફરજ સોંપવામાં આવે છે તો શું અત્યારે જે સેવા આપે છે તે ઇજનેરો સક્ષમ નથી ? પીજીવીસીએલ ચાલુ નોકરીએ રહેલા કોઈ પણ ઇજનેરનો ચાર્જ અન્યને સોંપીને તેને આ ખાસ ફરજ સોંપી શકતું હતું. પણ જાણે પીજીવીસીએલે કે.એમ. ભુવાને નોકરી બાદ પણ પૈસા અને પાવરની સવલત આપી તેઓની ભરણપોષણની જાણે જવાબદારી લીધી હોય તેવો ઘાટ સર્જાયો છે.

ભુવાને ફરજ અસરગ્રસ્ત વિસ્તારની અને હેડ ક્વાર્ટર રાજકોટ અપાયું !! 

પીજીવીસીએલે ભુવાને જે ખાસ ફરજ સોંપતો ઓર્ડર કર્યો છે તેમાં ફરજ અસરગ્રસ્ત વિસ્તારોની સોંપવામાં આવી છે. પણ તેઓનું હેડક્વાર્ટર રાજકોટ રાખવામાં આવ્યું છે. એટલે આ ઓર્ડરનો મતલબ એવો જ થાય છે કે ભુવાને રાજકોટ ખાતેની કોર્પોરેટ ઓફિસમાં એસી ઓફિસમાં બેસીને મફતનો મસમોટો પગાર લેવાનો છે. ખરેખર પીજીવીસીએલને જો ભુવા પાસે કામ લેવાનું હોત તો તેઓને હેડક્વાર્ટર અમરેલી આપવામાં આવ્યું હોત.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.