Abtak Media Google News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ માટે સજ્જ થઈ રહ્યું છે. 10થી 12 જાન્યુઆરી,2024 દરમિયાન યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે રાજ્યમાં 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ’વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે. આ કાર્યક્રમો દરમિયાન યોજાનારા 2-3 દિવસીય એક્ઝિબિશનમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ દરેક જિલ્લામાંથી પસંદ કરાયેલ પ્રોડક્ટને અગ્રતા આપવામાં આવશે.

વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ મોરબી જિલ્લામાંથી સિરામિક ટાઇલ્સ અને સેનિટરી વેરની પસંદગી

મોરબીનો સિરામિક ઉદ્યોગ અંદાજે 4 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર પૂરો પાડે છે

9 ઓક્ટોબર, ના રોજ મોરબી ખાતે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ’વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ આયોજિત થશે. મોરબી જિલ્લામાંથી ઘઉઘઙ હેઠળ સિરામિક ટાઇલ્સ અને સેનિટરી વેરની પસંદગી કરવામાં આવી છે. સિરામિક ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતનો મોરબી જિલ્લો શિરમોર છે. આજે ગુજરાતનો મોરબી જિલ્લો ભારતનું સિરામિક હબ બન્યો છે. સિરામિક ટાઇલ્સ, સેનિટરી વેર, ઔદ્યોગિક અને તકનીકી સિરામિક્સના એક હાજરથી વધુ ઉત્પાદન એકમો સાથે ગુજરાતનું મોરબી એકલું જ ભારતમાં સિરામિક ઉત્પાદનોના બજાર હિસ્સામાં લગભગ 90% હિસ્સો ધરાવે છે.મોરબી જિલ્લાનું સિરામિક ક્લસ્ટર વિશ્વનું બીજા નંબરનુ સૌથી મોટું સિરામિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતું ક્લસ્ટર છે. મોરબી જિલ્લામાં અંદાજિત એક હાજર સિરામિક એકમો આવેલા છે, જેનું કુલ વાર્ષિક ટર્ન ઓવર અંદાજીત 60000/ કરોડનું છે. આ એકમો અંદાજિત 4 લાખ લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે.

નાણાકીય વર્ષ 2022-23માં ગુજરાતમાંથી સિરામિક સેક્ટરમાં વીસ હજાર કરોડથી વધુ રકમની નિકાસ થઈ છે, જે ભારતની કુલ સિરામિક નિકાસના 80% છે અને તેમાં મોરબી જિલ્લાના સિરામિક ક્લસ્ટરમાંથી ₹15000/ કરોડથી પણ વધુ રકમની નિકાસ કરવામાં આવી છે. સિરામિક ક્ષેત્રની જેમ પોલીપેક ઉદ્યોગ ક્ષેત્રે પણ ગુજરાતનો મોરબી જિલ્લો નજીકના ભવિષ્યમાં અગ્રણી જિલ્લા તરીકે સ્થાન મેળવી શકે છે. હાલ મોરબી જિલ્લામાં પી પી વુવન પ્રોડક્ટના કુલ 150 એકમો કાર્યરત છે. મોરબીનો પોલીપેક ઉદ્યોગ હાલમાં આશરે વાર્ષિક 5 લાખ મેટ્રિક ટન  પી પી વુવન ફેબ્રીકનું ઉત્પાદન કરે છે, જેનું કુલ વાર્ષિક ટર્ન ઓવર અંદાજીત ₹5500 કરોડનું છે. પોલીપેક ઉદ્યોગ હાલ મોરબીના અંદાજિત 15000 થી 20000 લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારી પૂરી પાડે છે. મોરબી જિલ્લામાં પેપર મીલ ઉદ્યોગના 60થી વધારે એકમો કાર્યરત છે. તેના દ્વારા આશરે 10000/ લોકોને રોજગારી પીરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, મોરબીમાં 30 થી વધુ એકમોમાં કામ કરતા અગરિયાઓ મીઠાના ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે. મોરબી જિલ્લો માટીકામના કારીગરો માટે પણ પ્રખ્યાત છે.સિરામીક તેમજ પોલીપેકની જેમ જ વોલ કલોક અને ગીફ્ટ આર્ટિકલ ઉદ્યોગ પણ મોરબીમાં ખૂબ જ મોટા પાયે વિકસ્યો છે. મોરબી જિલ્લાનો વોલ કલોક તેમજ ગિફ્ટ આર્ટિકલ ઉદ્યોગ ભારતના વોલ ક્લોક ઉત્પાદનનો 75% હિસ્સો ધરાવે છે. મોરબી જિલ્લામાં વોલ કલોકના આશરે 80 થી 90 એકમો આવેલા છે. આ ઉદ્યોગ અંદાજિત 18000 લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગાર પૂરો પાડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.