Abtak Media Google News

રંગરેલીયા મનાવવાના બહાને તોડ કરતી ગેંગના ચાર શખસો ઝડપાયા

સ્ત્રી પાત્ર સાથે રંગરેલીયા મનાવવાનો શોખ ધરાવતાં યુવાનોને ફસાવી બાદમાં તોડ કરતી ટોળકીએ મોરબીના પટેલ યુવાનને ફસાવી રાજકોટ એકાંત માણવા બોલાવ્યા બાદ પોલીસના નામે મારકુટ કરી કેસ ન કરવો હોય તો ૧૫ લાખ દેવા પડશે તેમ કહી સ્કોર્પિયોમાં અપહરણ કરી રોકડ લૂંટી લીધા બાદ વધુ ૭ લાખ આપવા પડશે તેવી ધમકી આપ્યાનો કિસ્સો સામે આવતાં યુનિવર્સિટી પોલીસે સુત્રધાર મહિલા સહિત ત્રણને દબોચી લીધા છે.

Advertisement

મોરબીમાં આલાપ રોડ પર સત્તાધાર રહેતાં મનિષભાઇ ગોવિંદભાઇ ફેફર (ઉ.૪૦) નામના પટેલ યુવાનની ફરિયાદ નોંધી છે. મનિષભાઇ પટેલે જણાવ્યું હતું કે પોતે વાંકાનેર ટોલનાકા નજીક કયુટોન સિરામીકમાં કામ કરે છે, દોઢ-બે માસ પહેલા એક બહેનનો બપોરના સમયે મને ફોન આવ્યો હતો. તેણે કહેલ કે તમે રાજકોટ આવતા હોય ત્યારે તમારે કોઇ સ્ત્રી સાથે સંબંધ રાખવો હોય તો તમને એક છોકરીનો ફોટો મોકલુ છું અને એક મોબાઇલ નંબર આપુ છું તે હેતલ ઉર્ફ નંદની લાલજીભાઇ ઉમરાણીયાનો છે. આ વાત કરી તેણે એક ફોટો મોકલ્યો હતો. ત્યારબાદ ચારેક દિવસ પછી એ મહિલાનો ફરીથી ફોન આવ્યો હતો અને પુછેલ કે તમે રાજકોટ આવો છો કે નહિ? આથી મેં કહેલ કે આવીશ તો મળીશ. ત્યારબાદ મેં હેતલ ઉર્ફ નંદનીના મોબાઇલ નંબર પર મેસેજ કર્યા હતાં. જો કે પ્રથમ મેસેજ તેણીએ જ મોકલ્યો હતો.

દરમિયાન તારીખ૧૪/૯ના  મનીષ પોતાની ઇઓન કાર લઇ રાજકોટ આવેલ અને કેકેવી હોલથી હેતલ ઉર્ફ નંદનીને ફોન કરતાં તે બપોરે બે થી ત્રણ વચ્ચે મળવા આવી હતી. તેની ઉમર આશરે ૨૫-૩૦ વર્ષની હતી.

તેણીએ મને કહેલ કે તમે મારા ઘરે આવો ત્યાં બેસીની શાંતિથી વાત કરીએ. આથી હું તેના એકટીવામાં બેસી જતાં તે મને કાલાવડ રોડ કોસ્મોપ્લેકસ પાસેના એક ઘરે લઇ ગઇ હતી. મને નીચેના રૂમમાં બેસાડી તે હું ઉપરના રૂમમાં ચક્કર મારીને આવું તેમ કહીને ગઇ હતી. હું સેટી પર બેઠો ત્યાં જ રૂમના બાથરૂમાંથી એક છોકરી આવી હતી. તેની ઉમર ૨૫વર્ષ આસપાસ હતી. તેણીએ મારી સાથે વાત કરવાની શરૂઆત કરી ત્યાં જ ૨૫ થી ૩૦ વર્ષના બે શખ્સો બહારથી આવ્યા હતાં અને કહેવા માંડેલ કે ’તમે શું કરો છો? મારા ઘરના સાથે કેમ છેડછાડ કરો છો?’ મેં કહેલ કે હું કંઇ છેડછાડ નથી કરતો. હું તો નંદની સાથે આવ્યો છું. ત્યાં બીજા બે શખ્સો આવી ગયા હતાં અને મને ઢીકા-પાટુનો માર મારવાનું શરૂ કર્યુ હતું. આ બંનેએ પોતે પોલીસમાં હોવાનું કહી પોલીસ સ્ટેશને લઇ જવાની ધમકી આપી હતી. ત્યાં હેતલ ઉર્ફ નંદની આવી ગઇ હતી અને તેણીએ બે શખ્સોને કહેલ કે આ મારો સંબંધી છે અને મેં જ બોલાવ્યો છે. જે હોય તે પુરૂ કરો. બાદમાં આ શખ્સોએ મારી પાસે પૈસા માંગેલ અને મને બળજબરીથી બહાર લઇ ગયા હતાં. મને કાળા રંગની સ્કોર્પિયો કે જેના નંબર જીજે૩એચકે-૯૨૨૮ હતાં તેમાં બેસાડી દીધેલ અને ઢીકા-પાટુનો માર મારી પર્સમાંથી રૂ. ૩૫૦૦ લૂંટી લીધા હતાં. આ બધા વાતો કરતાં હતાં તેમાં એકનું નામ બળવંત આહિર હોવાની અને બીજો જયદિપ રજપૂત હોવાની ખબર પડી હતી. તેમજ બીજા બે શખ્સોમાં રાહુલ ઉર્ફ મેઘો હેરભા અને મુકેશ રજપૂત હતાં. બીજી છોકરીને તેઓ નેહા કહીને બોલાવતાં હતાં.

બાદમાં મારી પાસેથી ૩૫૦૦ પડાવ્યા હતાં અને રાજકોટમાં જુદા-જુદા રસ્તા પર મને ફેરવ્યો હતો અને મારકુટ કરી જો કેસમાં ફસાવું ન હોય તો ૧૫ લાખ દેવા પડશે તેમ કહી પૈસા ન આપું તો મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

ટોળકીએ એમ પણ કહેલ કે તું ઘરે ફોન કરીને  તારા મિત્રનું એકસીડન્ટ થયું છે અને તારે પૈસાની જરૂર છે તેમ કહી પૈસા મંગાવ. આ લોકોના ડરથી મેં મારા બનેવી જગદીશભાઇ પટેલને ફોન કરી પૈસા લઇ આવવાનું કહેતાં બનેવીએ કહેલ કે ચેક આપું. પણ આ લોકોએ ના પાડતાં મારા પિત્રાઇ ત્રંબકભાઇને ફોન કરેલ. તેની પાસે પણ પૈસા નહોતાં. બાદમાં મારા અન્ય સંબંધીને ફોન કરી પૈસા માંગતા તેણે કહેલ કે આવડી મોટી રકમ નથી. અંતે આ લોકોએ હવે ૧૫ નહિ પણ ૭ લાખ તું કાલે મોરબીથી લાવીને આપી જજે તેમ કહી ધમકાવી છોડી મુકયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.