Abtak Media Google News

શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીની મોટી-મોટી વાતો વચ્ચે શૈક્ષણિક સંકુલમાં ફાયર સેફટીની વ્યવસ્થાની જાળવણી જાણે પ્રવર્તમાન ખાળે રૂચા અને દરવાજા મોકળા જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. ખાટલે મોટી ખોટ હોય તેમ રાજકોટ જિલ્લાની હજુ 100થી વધુ શાળાઓ પાસે ફાયર એનઓસી નથી અને આ તમામ સ્કૂલોએ ફાયર એનઓસી માટે અરજી પણ કરી નથી. શાળાઓમાં જાણે સેફટીના સાધનોના ધજીયા ઉડતા હોય તેમ એનઓસી વિના જ શાળાઓ ધમધમી રહી છે.

રાજકોટ સહિત રાજ્યભરની અનેક શાળાઓની આવી હાલત છે જેને કારણે મોટાભાગની શાળાઓ ફાયર સેફટી વિના જ ચાલે છે અને મહત્વની વાત તો એ છે કે, ગ્રામ્ય વિસ્તારોના અનેક શાળા સંચાલકોને તો ખબર જ નથી કે, ફાયર સેફટીના સાધનો અને એનઓસી લેવું જોઈએ કે કેમ ?

મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લામાં કુલ 572 કોલેજો આવેલ છે જેમાં 275 શાળા એવી છે જેની હાઈટ 9 મીટર કરતા ઓછી છે તેને એનઓસી લેવાની જરૂર રહેતી નથી. જ્યારે અન્ય શાળાઓમાં 125 શાળાઓ એવી છે કે જેઓએ ફાયર સેફટીના સાધનો પણ વસાવ્યા છે અને એસઓસી પણ લઈ લીધું છે જ્યારે 100થી વધુ શાળાઓ એવી છે કે જેણે એનઓસી માટે અરજી પણ કરી નથી. રાજ્યભરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક 16000 શાળાઓ પૈકી 12000 શાળાઓ એવી છે કે જેમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળે છે.

જો કે શ્રેય અગ્નિકાંડ પછી હાઈકોર્ટના કડક વલણના કારણે સરકાર આખા રાજ્યમાં ફાયર સેફટી માટે કમરકસી રહી છે. જો કે, અગાઉ તો જાણે સ્કૂલોમાં ફાયર સેફટીનો મુદો વિસરાઈ ગયો હોય તેમ તંત્ર આડેધડ ચાલી રહ્યું હતું. જો કે ત્યારબાદ તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, 9 મીટરથી ઓછી હાઈટ ધરાવતી શાળાને ફાયર સેફટીની જરૂર નથી. જો કે હવે જે સ્કૂલોએ એનઓસી લેવાનું બાકી છે તેઓ તાકીદે એનઓસીની અરજી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

એનઓસી ન હોય તેવી શાળાઓને તાકીદે અરજી કરવા ડીઈઓનો આદેશ

રાજકોટ જિલ્લામાં કુલ 572 જેટલી શાળાઓ આવેલી છે. જેમાં 275 શાળાઓ એવી છે કે જેની ઉંચાઈ 9 મીટર કરતા ઓછી છે. બાકીની શાળાઓમાંથી 125 શાળાઓ એવી છે કે જેઓએ ફાયર સેફટીના સાધનો અને એનઓસી પણ વસાવી લીધુ છે. જ્યારે 100થી વધુ શાળાઓ એવી છે કે જેઓએ હજુ ફાયર સેફટીનું એનઓસી પણ મેળવવા અરજી કરી નથી. તો આવી તમામ રાજકોટ જિલ્લાની એનઓસી ન હોય તેવી શાળાઓને તાકીદે ફાયર વિભાગમાં એનઓસી માટેની અરજી કરવા રાજકોટના ડીઈઓ બી.એસ.કૈલાએ આદેશ કર્યો છે.

શાળાઓને ફાયર એનઓસી આપવા પ્રથમ પ્રાધાન્ય: ચીફ ફાયર ઓફિસર

રાજકોટ ચિફ ફાયર ઓફિસર ઈલેશ ખેરએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની મોટાભાગની શાળાઓ એવી છે કે, ફાયર એનઓસી વિના જ ધમધમી રહી છે ત્યારે અમે હાલ તો જે શાળાઓને ફાયર એનઓસી માટેની અરજી આવેલ છે તેઓને અમે એનઓસી આપવા માટેનું પ્રથમ પ્રાધાન્ય આપીએ છીએ. હોસ્પિટલમાં અગ્નિકાંડના મામલા બાદ અમે સૌથી પહેલા હોસ્પિટલ અને શાળાઓને જ એનઓસી માટેનું પ્રાધાન્ય આપીએ છીએ અને ફાયર સેફટીના સાધનો કઈ રીતે ચલાવવા તે માટેનું માર્ગદર્શન આપીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.