Abtak Media Google News

દોઢ મહિના સુધી ચાલનારા મેળામાં ટાવર રાઇડ, મિક્સર રાઇડ, ડેસિંગ કાર સહિતની રાઇડનો શહેરીજનો માણશે આનંદ

જામનગર શહેરમાં સૌપ્રથમ વખત દુબઈ ની થીમ પાર્ક સાથેના ભવ્ય મનોરંજન મેળાનો પ્રારંભ કરાયો છે. સતત દોઢ મહિના સુધી ચાલનારા મનોરંજન મેળાને જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપના પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા સહિતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી મનોરંજન મેળો ખુલ્લો મુક્યો હતો. શહેરના ઉત્સવ પ્રેમી નગરજનોની પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી.

જામનગર ના પ્રદર્શન મેદાનમાં દુબઈની થીમ પાર્ક સાથેના મનોરંજન મેળાનો પ્રારંભ થયો છે, અને લોકોનો પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત જામનગરના 78- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, 79- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા તથા વિજયસિંહ જેઠવા સહિતના મહાનુભાવોના હસ્તે મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

નગરના મેયર બીનાબેન કોઠારી, શાસક જૂથ ના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપના મહામંત્રી મેરામણભાઇ ભાટુ, શહેર ભાજપના અગ્રણી જીતુભાઈ લાલ સહિતના મહાનુભાવો એ શુભેચ્છા પાઠવી હતી. દુબઈના પ્રખ્યાત બુર્જ -અલ- ખલીફા તથા અન્ય વિવિધ ઇમારતો તેમજ લંડન બ્રિજ, મલેશિયાના ટ્વીન ટાવર સહિતના અલગ અલગ બિલ્ડીંગ ના સ્ટેચ્યુ ઊભા કરાયા છે, જેની સાથે શહેરીજનોએ સેલ્ફી પડાવી મેળા નો આનંદ માણ્યો હતો.

આ ઉપરાંત મશીન મનોરંજનની વિવિધ રાઇડ જેમાં મારુતિ મોતનો કૂવો, ઓક્ટોપસ, જોઈન્ટ વ્હીલ, ક્રોસ વ્હીલ, ટોરા ટોરા, બ્રેકડાન્સ સહિતની રાઈડો તેમજ જામનગરમાં સૌ પ્રથમ વખત આવેલી ટાવર રાઈડ, મિક્સર રાઈડ, ડેસિંગ કાર સહિતની નિત નવી રાઈડ નો પણ શહેરિજનો આનંદ માણી રહ્યા છે. દેશ ભરના અલગ અલગ રાજ્યોની પ્રખ્યાત એવી ચીજ વસ્તુઓ, રમકડા ના સ્ટોલ વગેરે પણ ઉભા કરાયા છે. જેની ખરીદી માટે પણ શહેરીજનોમાં ઉત્સાહ જણાય છે.  રાજકોટના ‘રોયલ મેલા’ ના મુખ્ય સંચાલક હરીશભાઈ તુરખીયા, નિલેશભાઈ તુરખીયા અને અને તેમની ટીમના ચિરાગભાઈ, પરાગભાઈ વગેરે દ્વારા સમગ્ર આયોજન કરાયેલું છે, અને જામનગરના ઓર્ગેનાઈઝર સંજયભાઈ જાની, શબીરભાઈ અખાણી સહિતની ટીમ દ્વારા મેળાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.