Abtak Media Google News

મેયર પદ અનામત હોય પસંદગીની તકો ખુબ જ મર્યાદિત: ડેપ્યુટી મેયર પદ પર સવર્ણ કોર્પોરેટર માટે ઉજળી તકો

સ્ટેન્ડીંગ કમિટીનું ચેરમેન પદ સૌથી આકર્ષક તેથી પ્રબળ હરિફાઇ: બાકીના પદો પર કેટલાંક લોકોને સાચવી લેવાશે શહેરમાં ભારે ચર્ચા અંદરો અંદર રસાકસી

જામનગર મહા નગર પાલિકામાં પદાધિકારીઓની આગામી ટર્મ માટે ઉમેદવારોની પસંદગીઓ તીવ્ર રસાકસીભરી બની ગઈ છે. જેની પાછળ બે મુખ્ય પરિબળો કામ કરતાં હોવાની ચર્ચાઓને કારણે આ પસંદગીઓ સંબંધે અનુમાનોને છૂટો દોર મળી રહ્યો છે. સૌ પોતપોતાની કલ્પનાઓનાં ઘોડા દોડાવી રહ્યા છે.

સૌ જાણે છે એમ, જામનગર મહાનગરપાલિકામાં પદાધિકારીઓની વર્તમાન ટર્મ 12 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ રહી છે. જો કે ઘણાં સમય પહેલાં જ એમ કહેવાય છે કે, બધાં નવા પદાધિકારીઓ માટેનાં નામો શહેર અને પ્રદેશ કક્ષાએ નકકી થઈ ચૂકયા હતાં. પરંતુ ગત 17 ઓગસ્ટનાં દિવસે જાહેરમાં જામનગરમાં મોટો બખેડો થયો હતો જેની ગૂંજ છેક ગાંધીનગર અને દિલ્હી પહોંચી હતી તેથી હવેની સ્થિતિમાં પક્ષ કોઈને પણ વધુ સ્વતંત્રતા આપવાનાં મૂડમાં ન હોય એ સમજી શકાય એમ છે. અને, પદાધિકારીઓની પસંદગીઓમાં જૂથવાદને કડક હાથે ડામી દેવામાં આવશે તેમ માનવામાં આવે છે પરંતુ તેની સાથે હકીકત એ પણ છે કે, આવતાં વર્ષે લોકસભા ચૂંટણીઓ હોય, પક્ષને બધાં જ સ્થાનિક આગેવાનોની ગરજ પણ રહેવાની. તેથી એમ પણ માનવામાં આવે છે કે, જૂથવાદને ખાનગીમાં ઓક્સિજન પૂરો પાડવામાં આવશે.

આગામી ટર્મમાં મેયરપદ તો અનુસૂચિત જાતિ માટે અનામત જ છે. તેથી વોર્ડ નંબર 10,15 અથવા 16 નાં ફાળે જશે આ પદ. કારણ કે, શાસકપક્ષ પાસે ઉમેદવારો મર્યાદિત એટલે કે ત્રણ જ છે. જે પૈકી જે ઉમેદવાર ઉપરવાળાને પ્રીતિપાત્ર હશે તેની જ પસંદગી થશે. આમેય મેયરપદ એક પ્રકારની શોભા જ હોય છે એવો અત્યાર સુધીનો સૌનો અનુભવ છે.

ડેપ્યુટી મેયરપદ એવું પણ બની શકે કે કોઈ સવર્ણને આપી સૌને સાચવી લેવામાં આવે. સૌથી મહત્વનું અને આકર્ષક પદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે. જેનાં માટે બાહુબલિઓ પુષ્કળ લોબિંગ કરી રહ્યા છે પરંતુ પક્ષ એ જોશે કે, ખાસ પ્રકારની આવડત અને આંખનો ઇશારો સમજી શકવાની વિશેષતા કોણ ધરાવે છે  ? અને, આ પદની પસંદગીમાં સ્થાનિક પરંતુ વજનદાર નેતાઓની લાગણીઓને પણ ધ્યાનમાં લેવી પડશે.

આ પદ પર પરચૂરણ પ્રતિનિધિને ન બેસાડી શકાય. અથવા, તે વ્યક્તિ એટલી હદે સામાન્ય હોવી જોઈએ કે- તેનાં માટે આકાઓની ઇચ્છા એ જ આદેશ અને એજન્ડા હોય  !

ગત 17 ઓગસ્ટનાં વિવાદે જામનગર શહેરમાં આ પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયાને ગૂંચવણભરી બનાવી દીધી હોવાનું અંતરંગ વર્તુળો જણાવે છે. પ્રદેશ નિરીક્ષકોનું આગમન થવામાં છે ત્યારે સૌ બાંયો પણ ચડાવી રહ્યા છે જે દર્શાવે છે કે પસંદગીઓ સહેલી નથી. સંભવિત અસંતોષ તીવ્ર પણ બની શકે છે.

જો કે કોર્પોરેશનમાં શાસકજૂથ નેતાનું પદ અને દંડકનાં પદ માટે કોઈ સ્પર્ધા જોવા મળી રહી નથી એટલે જૂથવાદને સંતોષવા અથવા ઠારવા આ બે પદોનો ઉપયોગ થશે એમ માનવામાં આવે છે.

મેયર, જિલ્લા પં.ના પ્રમુખ સહિતના હોદ્દેદારો માટે સેન્સ લેવાશે

જામનગર મા  જિલ્લા પંચાયત ના પ્રમુખ સહિત ના તથા  મહાનગરપાલિકા માં મેયર સહિત ના હોદ્દેદારો માટે નવી નિમણૂક આગામી માસે કરવામાં આવનાર છે.આ માટે ભાજપ નાં નિરીક્ષકો સેન્સ લેવા આવનાર છે.

જામનગર માં મહાનગપાલિકા માં મેયર સહિત ના પદાધિકારી ઓ માટે  સેન્સ લેવા માટે નિરીક્ષકો મહેન્દ્રભાઈ, અમોદ શાહ અને રક્ષાબેન બોરીયા જામનગર મા  આવશે.

જ્યારે જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો માટેની વરણી માટે નિરીક્ષક તરીકે બ્રીજેશભાઈ મેરજા, ગોવિંદભાઈ પટેલ અને વંદનાબેન મકવાણા  સેન્સ લેવા જામનગર આવશે.

તેમજ  જામનગર ના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હીંડોચા સહિત ના ત્રણ નિરીક્ષકો ને સેન્સ લેવા માટે અમરેલી જિલ્લામાં મોકલવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.