Abtak Media Google News

લોકસભાની સામાન્ય ચુંટણીના આડે હવે માંડ સાતેક મહિનાનો સમય બાકી રહ્યો છે. છેલ્લી બે ચુંટણીથી ગુજરાતની લોકસભાની તમાર ર6 બેઠકો જીતની સત્તાધારી પાર્ટી ભાજપે આ વખતે તમામ બેઠકો પાંચ લાખ કે તેથી વધુ મતોની લીડ સાથે જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ગત સપ્તાહે રાજકોટની ટુંકી મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે એવું નિવેદન આપ્યું હતું કે, લોકસભાની આગામી ચુંટણીમાં ભાજપ યુવાનો અને મહિલાઓને વધુ ટિકિટ આપશે. સૌરાષ્ટ્ર-કચ્છની લોકસભાની આઠ બેઠકો પૈકી ભાજપ 6 સિટીંગ સાંસદોની ટિકિટ પર કાતર ફેરવે તેવી પ્રબળ સંભાવના હાલ જણાય રહી છે. પુનમબેન માડમ અને ભારતીબેન શિયાળ ને રિપિટ કરવામાં આવે તેવું હાલ દેખાય રહ્યું છે.

Advertisement

પુનમબેન માડમ અને ભારતીબેન શીયાળને રિપીટ કરવામાં આવે તેવી સંભાવના: રાજકોટ, જુનાગઢ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છમાં ભાજપ નવા ચહેરાને મેદાનમાં ઉતારી તેવી પ્રબળ સંભાવના

વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ વિધેયકની અમલવારી ભલે લોકસભાની આગામી ચુંટણીથી ન થવાની હોય પરંતુ ભાજપ મહિલાઓને વધુ ટિકિટ આપે તેવું મનાય રહ્યું છે. એસ.સી. કેટેગરી માટેની અનામત એવી કચ્છ લોકસભા બેઠક પરથી વિનોદભાઇ ચાવડા છેલ્લી બે ટર્મથી ચૂંટાય રહ્યા છે તેઓ પ્રદેશ સંગઠનમાં પણ મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. વિધાનસભાની ગત ચુંટણીમાં તેઓની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા હતા. છેલ્લા ઘણા સમયથી તેમને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે.

લોકસભાની આગામી ચુંટણીમાં તેઓની ટિકિટ પર કાતર ફેરવી દેવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે.રાજકોટ બેઠક પર મોહનભાઇ કુંડારિયા લોકસભાની છેલ્લી બે ચુંટણીથી ચુંટાઇ રહ્યા છે. તેઓની કામગીરી સામે અસંતોષ નથી. અગાઉ પણ તેઓ સાતેક વાર ધારાસભ્ય પણ રહી ચુકયા છે. તેઓ લાંબી રાજકીય  કારર્કિદી ધરાવે છે. પરંતુ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ બેઠક પર યુવા ચહેરાને તક આપવા માટે મોહનભાઇની ટિકિટ કાંપવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. વિધાનસભાની ચુંટણીમાં પણ ભાજપનો એક જુથ સામે તેઓના ગજગ્રાહની પણ ગંભીર નોંધ લેવાય હતી.

સુરેન્દ્રનગરના સાંસદ અને હાલ મોદી સરકારમાં રાજયકક્ષાના મંત્રી તરીકે જવાબદારી નિભાવતા ડો. મહેન્દ્ર મુંજપરાની મંત્રી તરીકેની કામગીરી પણ ખાસ રહી નથી. વિધાનસભાની ચુંટણીમાં પણ તેમની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા તેમની ટિકીટ પર કાતર ફરે તેવું હાલ દેખાય રહ્યું છે. જુનાગઢના સાંસદ તરીકે રાજેશભાઇ ચુડાસમા છેલ્લી બે ટર્મથી ચુંટાય રહ્યા છે. વેરાવળના સેવાભાવિ તબિબ ડો. અતુલ ચગના આપઘાત પ્રકરણમાં તેઓની સામે છાંટા ઉઠયા છે. આ ઘટનાની ગંભીરતાને પારખી ભાજપ તેઓને લોકસભાની આગામી ચુંટણીમાં ટિકિટની ફાળવણી કરવામાં ન આવે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

અમરેલીના સાંસદ તરીકે નારણભાઇ કાછડીયા છેલ્લા ત્રણ ટર્મથી ચુંટાય રહ્યા છે. તેઓની કામગીરી એવરેજ છે કોઇ વિવાદમાં તેઓ સંડોવાયેલા નથી. પરંતુ વધતી જતી ઉમર અને ત્રણવાર રિપીટ કરવામાં આવ્યા હોય આ બન્ને પરિબળોને ઘ્યાનમાં રાખી તેમની ટિકિટ કાંપવામાં આવે તેવું લાગી રહ્યું ે. પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુકની પ્રથમ ટર્મ છે. પરંતુ રાજકારણમાં તેઓનો હરિરસ ખાટો થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષ ગુજરાત વિધાનસભાની  ચુંટણી સમયે જ તેઓ એવી ધોષણા કરી ચૂકયા છે કે હવે પછી તે લોકસભાની ચુંટણી લડવા ઇચ્છતા નથી. આવામાં પોરબંદર બેઠક પર પણ ભાજપ નવા ચહેરાને મેદાનમાં ઉતારશે તેવું મનાય રહ્યું છે.

લોકસભાની ચુંટણીમાં ભાજપ મહિલાઓ અને યુવાનોને વધુ ટિકીટ આપવાના તરફેણમાં છે. આવામાં જામનગરના સાંસદ પુનમબેન માડમ અને ભાવનગરના સાંસદ ભારતીબેન શીયાળને ત્રીજી વખત ટિકીટ આપવામાં આવે તેવું મનાય રહ્યું છે. જો કે હજી ચુંટણીના આડે સાત મહિનાનો સમય બાકી છે જે તે સમયના સમિકરણોને ઘ્યાનમાં રાખી કોની ટિકિટ કાંપવી અને કોને ટિકિટ આપવી તે અંગે નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.