Abtak Media Google News

નામચીન શખ્સ અને તેના સાગરીતોએ ફૂલેકા વચ્ચેથી ગાડી કાઢવાનો પ્રયાસ કરી સરાજાહેર છરીના ઘા ઝીંક્યા: ચાર શખ્સો સામે નોંધાતો ગુનો

શહેરમાં ગુંડાગર્દી બેફામ વધી રહી છે જાણે સમયની સાથે હવે ગુંડાઓમાં ખાખીનો ખોફ વિસતરો જોવા મળી રહ્યો હોય તેમ રૈયા રોડ પર લગ્ન પ્રસંગમાં રહેલા બે પિતરાઈ ભાઈઓ પર નામચીન શખ્સ સહિત તેના સાગરીતોએ ફૂલેકા વચ્ચેથી ગાડી કાઢવાનો પ્રયાસ કરી માથાકૂટ કરી સરાજાહેર છરીથી ખૂની હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા રોડ પર બ્રહ્મસમાજ ચોક પાસે શિવપરા શેરી નંબર 3માં રહેતા મયુરસિંહ ભરતસિંહ ઝાલા નામનો 29 વર્ષનો યુવાન પોતાના ભત્રીજાના લગ્ન પ્રસંગમાં હતો. ત્યારે ગઇ કાલે સાંજે ફુલેકા દરમિયાન ફરિયાદી યુવાનના ભાઈ ભગીરથસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.22) ટ્રાફિક ક્લિયર કરાવતો હતો.

તે દરમિયાન ત્યાંથી નામચીન શખ્સ અંકિત શાહ અને તેના ત્રણ સાગરીતો ત્યાંથી ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અંકિત શાહ સહિતના શખ્સોએ પોતાની ગાડી ફૂલેકા વચ્ચેથી કાઢવા જતા બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા અંકિત શાહ સહિતના શખ્સોએ ભગીરથસિંહ ઝાલાને છરીનો ઘા મારી દેતા મયુરસિંહ ઝાલા વચ્ચે પડતા તેને પણ છરીનો ઘા ઝીંકી ચારેય શખસો ફરાર થઈ ગયા હતા.

આ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ થતાં પીઆઈ એમ. જી.વસાવા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યારે જીવલેણ હુમલામાં ઘવાયેલા બંને પિતરાઈ ભાઈઓને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી ચાર શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.