Abtak Media Google News

ફ્રૂટના ધંધાર્થીએ ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા બે શખ્સોએ માર માર્યો

શહેરમાં જાણે પોલીસનો ડર જ ના રહ્યો હોય તેમ મારામારીના બનાવોમાં બેફામ વધારો જોવા મળી રહ્યો છે.જેનો વધુ એક યુવાન ભોગ બન્યો છે. જેમાં રેલનગર વિસ્તારમાં અન્ય વ્યક્તિને મારવા હથિયાર સાથે ધસી આવેલા અજાણ્યા શખ્સોને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ફ્રુટના ધંધાર્થી ઉપર બે શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતા અને ફ્રુટનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા મહેશ સુદામાભાઈ નાવાણી નામનો 26 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો. ત્યારે પોપટપરામાં રહેતો સુરો કોળી અને અજાણ્યા શખ્સોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર શખ્સો મહેશ નાવાણીની શેરીમાં રહેતા અન્ય વ્યક્તિને મારવા માટે હથિયાર સાથે ધસી આવ્યા હતા અને હુમલાખોર શખ્સો બેફામ ગાળો બોલતા હતા. ત્યારે મહેશ નાવાણીએ ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ યુવાન પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.