Abtak Media Google News
  • પાટીદાર અગ્રણી નરેશભાઇ પટેલના વેવાઇના બંગલામાં ચાર વર્ષથી સિક્યુરિટી તરીકે કામ કરતા નેપાળીની વૃધ્ધના ખૂનનો ભેદ ઉકેલવા પોલીસને મળી મહત્વની કડી
  • બંગલાની પાછળની દિવાલ કુદી ઘુસેલા 20 થી 25 વર્ષના શખ્સ મૃતકનો પરિચિત હોવા ખુલ્યું: એક માસ પહેલાં છુટા થયેલા ચોકીદારે હત્યા કરાવ્યાની શંકા

શહેરનો સમગ્ર પોલીસ સ્ટાફ ગઇકાલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીના બંદોબસ્તમાં વ્યસ્ત હતો ત્યારે અમીન માર્ગ પર આવેલી વિદ્યાકુંજ સોસાયટીમાં અગ્રણી ઉદ્યોગપતિના ચોકીદારની અજાણ્યા શખ્સે ડીસમીસના ઘા ઝીંકી કરપીણ હત્યા થયાનું પોલીસમાં નોંધાયું છે. રહસ્યમય રીતે થયેલી હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે સીસીટીવી ફુટેજ અને બાતમીદારોને કામે લગાડયા છે. મૃતક અને હત્યારા એક બીજાના પરિચીત હોવાનું અને નોકરી ગુમાવવા જેવી અંગત બાબતે હત્યા થયાની શંકા સાથે એક માસ પહેલાં સિકયુરીટીમાંથી છુટા કરેલા શખ્સની અટકાયત કરી પોલીસે પૂછપરછ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા સર્કલ પાસે યોગીનગર મેઇન રોડ પર અક્ષર પાર્કમાં રહેતા અને અમીન માર્ગ પર આવેલી વિદ્યાકુંજ સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિ પ્રવિણભાઇ વિઠ્ઠલભાઇ પટેલના ઇશાવાસ્યમ નામના બંગ્લામાં છેલ્લા ચાર વર્ષથી ચોકીદાર તરીકે નોકરી કરતા વિષ્ણુભાઇ ચકુભાઇ ઘુચલા નામના 68 વર્ષના નેપાળી વૃધ્ધની અજાણ્યા શખ્સે ડીસમીસના ઘા મારી હત્યા કર્યાની મૃતકના પુત્ર રૂપેશ ઘુચલાએ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.નેપાળી વૃધ્ધની રહસ્યરીતે મોડીરાતે હત્યા થતા ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-2 સુધિર દેસાઇ, પી.આઇ. વાય.બી.જાડેજા, પી.આઇ. જે.વી.ધોળા, માલવીયાનગર પી.આઇ. કે.એન.ભુકણ સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં ઇશાવાસ્યમ બંગલો પાટીદાર અગ્રણી નરેશભાઇ પટેલના વેવાઇ પ્રવિણભાઇ પટેલનો હોવાનું અને તેઓ પરિવાર સાથે વડોદરા હોવાનું બહાર આવ્યું છે. મુંબઇ-દિલ્હી હાઇ-વે ઝડપથી બનાવી વર્લ્ડ રેકર્ડ કરનાર પટેલ ઇન્ફ્રાટ્રકચરના નામથી જાણીતી પેઢીના સંચાલક પ્રવિણભાઇ પટેલ છે.

પ્રવિણભાઇ પટેલને ત્યાં છેલ્લા 37 વર્ષથી નોકરી કરતા અને ચાર વર્ષથી બંગ્લાની દેખભાળ સંભાળતા વિષ્ણુંભાઇ કુચલા અંગત વિશ્ર્વાસુ છે. ગતરાતે દસેક વાગે પ્રવિણભાઇ પટેલના બંગ્લાની દિવાલ કુદીને આશરે 20 થી 25 વર્ષનો અજાણ્યા શખ્સને આવતા પ્રવિણભાઇ પટેલના પાડોશી રવિભાઇ જોઇ જતા તેઓએ અજાણ્યા શખ્સને ટપારતા તેને વિષ્ણુંભાઇ નેપાળીનું કામ હોવાનું કહી પંદર મિનિટમાં પરત ભાગી ગયો હતો.

આ દરમિયાન રવિભાઇએ વડોદરા રહેતા પ્રવિણભાઇ પટેલને આ અંગેની જાણ કરતા તેઓએ રાજકોટ સ્થિત ઓફિસના સ્ટાફને તેમજ વિષ્ણુંભાઇ નેપાળીના પુત્ર રૂપેશને જાણ કરતા તેઓ ઇશાવાસ્યમ બંગ્લે દોડી ગયા હતા ત્યારે વિષ્ણુંભાઇ નેપાળીની લોહીથી ખરડાયેલી હાલતમાં લાશ જોતા પોલીસને જાણ કરી હતી.

પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરતા આશરે 20 થી 25 વર્ષના શખ્સને બંગ્લામાં આવતો જોવા મળ્યો હતો તેમજ ઘટના સ્થળેથી લોહીવાળી ડીસમીસ મળી આવતા બંગ્લાની પાછળની દિવાલ કુદીને આવેલા અજાણ્યા શખ્સે હત્યા કર્યાનું બહાર આવ્યું હતું. પ્રવિણભાઇ પટેલને ત્યાં નોકરી કરતા અન્ય એક ચોકીદારને તાજેતરમાં છુટો કરવામાં આવ્યો હતો. તેને વિષ્ણુભાઇ નેપાળીના કારણે નોકરી ગુમાવ્યાની શંકાએ ચોકીદારના પુત્ર પાસે હત્યા કરાવ્યાની આશંકા સાથે માલવીયાનગર પોલીસે વૃધ્ધ ચોકીદારની પૂછપરછ હાથધરી છે.

પોલીસ દ્વારા તપાસનો દોર ચાલુ છે: પ્રવીણભાઈ પટેલ (બંગલાના માલિક)

વિષ્ણુભાઇ છેલ્લા 35 વર્ષથી અમારી સાથે જોડાયેલા હતા અને છેલ્લા ચારથી પાચ વર્ષથી રાજકોટ બંગલા અને ઓફિસની દેખરેખ રાખતા હતા. ઘટના સમયે હું તો બહારગામ હતો. પરંતુ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકઠા કરીને તપાસ કરવામાં આવી રહી છે. દેખરેખ માટે એક સિક્યોરિટી રાખવામાં આવ્યો હતો પરંતુ તેને પણ છૂટો કરી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તમામ પુરાવા ભેગા કરી આગળની કામગીરી હાથધરવામાં આવી છે

હત્યારો હિન્દી ભાષી હોવાની શંકા: સુધીર દેસાઈ (ડીસીપી ઝોન – 2)

વિદ્યાકુંજ સોસાયટીમાં એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં છેલ્લા ચારથી પાચ વર્ષથી બંગલામાં કેરટેકર તરીકે કામ કરતા વિષ્ણુભાઇ ચકુભાઈ ગુચલા (ઉ.વ.61)ની સાંજે સાત વાગ્યાના અરસામાં હત્યા કરવામાં આવી છે. કેરટેકર વિષ્ણુભાઈ પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. લોકલ પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા તથા ડોગ સ્કોવડ સહિતની ટીમને તપાસ શોપવામાં આવી છે. ઘરની સ્થિતિ જોતા કોઈ લૂંટ કે ચોરી થયાનું હાલ બહાર નથી આવ્યું. પાડોશમાં રહેતા એક વ્યક્તિએ શંકાસ્પદ કામગીરી જોઈ હોવાથી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હત્યારો હિન્દીમાં વાત કરતો હોવાથી કોઈ નેપાળી અથવા પરપ્રાંતીય શખ્સ દ્વારા હત્યા કર્યાની પણ પ્રબળ આશંકા છે. સીસીટીવી કેમેરામાં કેદ શખ્સ હત્યાનો વિચાર કરીને જ આવ્યાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.