Abtak Media Google News

ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ હાથ ધરેલા મહત્વકાંક્ષી પ્રોજેકટ્સ આજે રાજય માટે સંજીવની સાબીત થઈ રહ્યાં છે

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૦મી સપ્ટેમ્બરના રોજ એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ રાજકોટની મુલાકાતે પણ આવનાર છે. તેઓના હસ્તે મહાપાલિકા દ્વારા ૨૪ કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિશ્વ કક્ષાના ગાંધી મ્યુઝીયમનું લોકાર્પણ કરવામાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નરેન્દ્રભાઈએ હાથ ધરેલા વિવિધ વિકાસકામો અને મહત્વપૂર્ણ પ્રોજેકટો આજે સાડા છ કરોડ ગુજરાતીઓ માટે ખરેખર સંજીવની સાબીત થઈ રહ્યાં છે. સૌરાષ્ટ્રની જળ સમસ્યાને કાયમી દેશવટો આપવા માટે વર્ષ ૨૦૧૨માં નરેન્દ્રભાઈએ દુરંદેશી સાથે સૌની યોજના શરૂ કરી હતી. આજે જયારે ગુજરાત અપુરતા વરસાદના કારણે દુષ્કાળની ગર્તામાં ધકેલાઈ રહ્યું છે ત્યારે સૌની યોજના સંજીવની બની સૌરાષ્ટ્રવાસીઓની તરસ છીપાવવા સક્ષમ બની ગઈ છે.

ભૌગોલીક દ્રષ્ટીએ ઉંધી રકાબી જેવો આકાર ધરાવતા અને કાયમી ધોરણે પાણીની કારમી કટોકટી ભોગવતા સૌરાષ્ટ્ર માટે નપાણીયાનું મેણુ ભાંગે તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની દુરંદેશી વાપરી સૌરાષ્ટ્રના ૧૧૫ નાના-મોટા ડેમોને નર્મદાના નીરથી ભરી દેવા માટે સૌની યોજનાનો આરંભ કરાવ્યો હતો.

ત્યારે વિરોધ પક્ષે આ યોજનાની ઘણી ઠેકડી ઉડાવી હતી અને આ યોજનાને ચૂંટણીલક્ષી જુમલો હોવાનું જણાવ્યું હતું પરંતુ આજે જયારે રાજયમાં જળ કટોકટીના એંધાણ સર્જાઈ રહ્યાં છે ત્યારે ખરેખર સૌની યોજના સંજીવની બની લોકોની પ્યાસ બુઝાવવા સક્ષમ બની છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટના આજી ડેમ સહિતના જળાશયોમાં સૌની યોજના અંતર્ગત હાલ નર્મદાના નીર ઠલવાઈ રહ્યાં છે. રાજયમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં વરસાદની ૨૪ ટકા જેટલી ઘટ વર્તાઈ રહી છે ત્યારે સૌની યોજના સૌરાષ્ટ્રને જળ કટોકટીમાંથી સુપેરે ઉગારી લે તેવું લાગી રહ્યું છે. નરેન્દ્રભાઈ મોદી હંમેશા માનતા હતા કે, આફતથી ડરી જવાને બદલે આફતને અવસરમાં પલટાવી નાખવાની વિચારસરણી સાથે કામ કરવામાં આવે તો કોઈ પણ આફત નડતર‚પ થતી નથી.

તેઓના આ વિચારોએ આજે ગુજરાતને કોઈપણ આફત સામે લડવા માટે સક્ષમ કરી દીધુ છે. રાજયમાં ૨૬ ટકા જેટલી વરસાદની ઘટ હોવા છતાં રાજયવાસીઓને હૈયે ધરપત છે કે, રાજયની પાણીદાર સરકાર કોઈપણ ભોગે તેઓને તરસ્યા રાખશે નહીં. આ ધરપત નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ૧૨ વર્ષના શાસન દરમિયાન હાથ ધરેલા વિકાસ કામોને આભારી છે.

માત્ર સૌરાષ્ટ્ર નહીં પરંતુ ગુજરાતને કયારેય પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદે આ‚ઢ થયાના ૧૭માં દિવસે જ નર્મદા ડેમ પર દરવાજા મુકવાની મંજૂરી આપી દીધી હતી. રાજય સરકારે પણ યુધ્ધના ધોરણે દરવાજા મુકવાની કામગીરી શરૂ કરી દીધી છે અને હાલ નર્મદા ડેમ પોતાની જૂની જળસંગ્રહ કરતા ૩ ગણો વધુ ભરાય તેવો માહોલ સર્જાયો છે.

નર્મદા ડેમની જૂની સપાટી ૧૨૧.૯૨ મીટરની હતી. હવેની સપાટી ૧૩૮ મીટર જેટલી થઈ જવા પામી છે. દરવાજા મુકાયા બાદ આ વર્ષે પ્રથમવાર ડેમ પૂર્ણ ક્ષમતાથી ભરાઈ તેવી મંજૂરી પણ આપી દેવામાં આવી છે અને હાલ ડેમ ૧૨૮ મીટર સુધી ભરાઈ ગયો છે. રાજયમાં અપુરતા વરસાદ હોવા છતાં નર્મદાના કારણે જળ કટોકટી ઉભી નહીં થાય તે વાત નિશ્ચીત છે. આ બધુ માત્રને માત્ર નરેન્દ્રભાઈ મોદીની દીર્ધદ્રષ્ટિને આભારી છે.

વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી આ‚ઢ થયા બાદ ગુજરાત માટે મોસાળે જમણ અને માં પીરસનાર જેવો અદ્ભૂત માહોલ રચાયો છે. બુલેટ ટ્રેન, રાજયના છ-છ શહેરોની સ્માર્ટ સિટી તરીકેની પસંદગી સહિતના અનેક પ્રોજેકટ ખાસ ગુજરાતને આપવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.