Abtak Media Google News
  • યુનિવર્સીટી પોલીસે પંચાયત ચોક ખાતે ચેકીંગ ઝુંબેશ હાથ ધરતા એક જ પોઇન્ટ પરથી 10 શખ્સો ઝડપાયા

ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ આપવામાં આવતા ઈ-ચલણથી બચવા ભેજાબાજોએ નવો કીમિયો અજમાવ્યાનું સામે આવ્યું છે. યુનિવર્સીટી પોલીસના ચેકીંગ દરમિયાન વાસ્તવિક વાહન નંબરથી તદ્દન જુદા નંબરવાળી નંબર પ્લેટ લગાવીને ફરતા 10 ભેજાબાજ ઝડપાયા છે. આ તમામ ભેજાબાજોને નોટીસ આપી યુનિવર્સીટી પોલીસે 10 વાહન કબ્જે કર્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે, આ તમામ શખ્સો એક જ પોઇન્ટ પર ચેકીંગ કરતા ઝડપાયા છે.

પ્રાપ્ત વિગત અનુસાર ટ્રાફીકના નિયમોના ઉલ્લંધન અંગે સી.સી.ટી.વી. કેમેરા દ્વારા ઇ ચલણના દંડથી બચવા માન્ય રજીસ્ટ્રેશન નંબર પ્લેટના બદલે પોતાના વાહનના આગળના ભાગે ખોટી નંબરવાળી નંબર પ્લેટ લગાડેલ કુલ 10 વાહનચાલકો વિરૂધ્ધ ગાંધીગ્રામ-2 (યુનિવર્સીટી) પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી કરી છે.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તથા અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરી દ્રારા રાજકોટ શહેરમાં વાહનચાલકો દ્રારા આર.ટી.ઓ. માન્ય નંબર પ્લેટમાં છેડછાડ કરી ગુન્હાઓ આચરવામાં આવતા હોય તેમજ નંબર વગરના વાહનો તથા ટ્રાફીક નિયમના ભંગ કરતા વાહનચાલકો વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા સારૂ ટ્રાફીક ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જેથી નાયબ પોલીસ કમિશ્નર સુધીરકુમાર દેસાઇ (ઝોન-ર) તથા ગાંધીગ્રામ-2 (યુનિ.) પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓ દ્રારા મેગા ટ્રાફીક ડ્રાઇવ અનુસંધાને યુની. રોડ પંચાયત ચોક ખાતે વાહનચેકીંગ હાથ ધરવામાં આવી હતી.

આ ટ્રાફીક ડ્રાઇવ દરમ્યાન રાજકોટ શહેરમાં ટ્રાફીકના નિયમોના ઉલ્લંધન અંગે સી.સી.ટી.વી. કેમેરા દ્રારા ઇ-ચલણ આપવાની પ્રક્રિયા ચાલુમાં હોય જેના દંડથી બચવા પોતાના વાહનના અસલ નંબર છુપાવાાન હેતુથી આર.ટી.ઓ. દ્વારા ફાળવવામાં આવેલ માન્ય રજીસ્ટ્રેશન નંબર પ્લેટના બદલે પોતાના વાહનના આગળના ભાગે ખોટી નંબરવાળી નંબર પ્લેટ મોટરસાઇકલમા લગાડી તેનો ઉપયોગ કરી હેલ્મેટ સિવાય મોટરસાયકલ ફેરવતા મળી આવતા કુલ 10 વાહનચાલકોને પકડી પાડી ઇ.પી.કો. કલમ – 465,471 તથા એમ.વી.એકટ કલમ 129, 177 મુજબના ગુન્હાઓ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે. યુનિવર્સીટી પોલીસે ખોટી નંબર પ્લેટ લગાવી ફરતા ભેજાબાજોમાં દુષ્યંત ગોવિંદભાઇ કાલરીયા, ભાવિન રસિકભાઈ વેગડ, વિશ્વજિતસિંહ સોલંકી, પ્રભાતભાઈ કાનજીભાઈ પરમાર, શૈલેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, હિરેનભાઈ ચંદુભાઈ પાથર, અભી જીતેન્દ્રભાઈ ડઢાણીયા, ઉત્સવ પિયુષભાઇ નિમાવત, રાજેશભાઈ બાલુભાઈ ચૌહાણ, હર્ષ નીતિનભાઈ વાછાણીના વાહન કબ્જે કરી નોટીસ ફટકારી છે.

પોલીસની જાહેર જનતાને અપીલ

ટ્રાફીક નિયમોનું પાલન કરવું તેમજ આર.ટી.ઓ. દ્રારા ફાળવવામાં આવેલ માન્ય રજીસ્ટ્રેશન નંબર પ્લેટ રાખવી તેમજ ટ્રાફીક દંડથી બચવા નંબર પ્લેટ તોડી તેની સાથે કોઇ છેડછાડ ન કરવી તેમજ નંબર ઉપર સ્ટીકર કે અન્ય કલર કરી છેડછાડ ન કરવી. આર.ટી.ઓ દ્વારા ફાળવવામાં આવેલ માન્ય રજીસ્ટ્રેશન નંબર પ્લેટ સાથે છેડછાડ કરનારાઓ વિરૂધ્ધ ડ્રાઇવ દરમ્યાન સખત કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ટ્રાફીક ડ્રાઇવ આગામી દિવસોમાં પણ સતત અને સખત ચાલુ રહેશે.

નંબર પ્લેટ સાથે છેડછાડ ભારે પડે શકે : 3 વર્ષ સુધીની જેલની જોગવાઈ

ખોટી નંબર પ્લેટ લગાવી ફરતા તમામ શખ્સો વિરુદ્ધ આઈપીસીની કલમ 465 અને 471 તેમજ મોટર વ્હીકળ એક્ટની કલમ 129,177 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય બાબત છે કે, આઈપીસીની ઉપરોક્ત કલમ હેઠળ મહતમ 3 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. જેથી નંબર પ્લેટ સાથે ચેડા કરવા બદલ ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.