Abtak Media Google News
  • મંદિરનું સંચાલન સરકારની કમિટી હસ્તક લઈ લેવા સામે વિરોધ વંટોળ ઉઠતા કલેકટરની સ્પષ્ટતા
  • પૌરાણિક મંદિરના વિકાસ માટે તેનું સંચાલન કમિટીને સોંપાયું : યાત્રિકોની સંખ્યા વધે તે માટે અનેક સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ કરાશે: મંદિર સાથે જેનું અંગત હિત જોડાયેલ છે તેવા લોકો અન્ય લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે: જિલ્લા કલેકટર પ્રભવ જોશી

સુપેડીના પૌરાણિક મંદિરનું સંચાલન સરકારની કમિટી હસ્તક લઈ લેવા સામે વિરોધ વંટોળ ઉઠતા કલેકટરે સ્પષ્ટતા કરી છે કે સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે. હાલ અમુક લોકો દ્વારા ખોટો દુષ્પ્રચાર થઈ રહ્યો છે જે બંધ થવો જોઈએ.

રાજકોટના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં ઉતાવળી નદીના કિનારે એક પૌરાણિક મંદિર આવેલું છે. મંદિરની કોતરણી તેનું બાંધકામ તેમજ તેના મંડપ જોઈને જ સૈકા જૂના સ્મારકો યાદ આવી જાય. આવા મંદિરો જોવા માટે લોકો દૂર દૂર જાય છે પણ સુપેડીની આ ઐતિહાસિક ધરોહર સમા મુરલી મનોહર મંદિરથી સૌરાષ્ટ્રના લોકો જ અજાણ છે. ત્યારે આ પૌરાણિક મંદિર એક પ્રવાસન સ્થળ બને તે માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ કમર કસી છે.

આ પ્રૌરાણીક મંદિરનો વિકાસ કરવા માટે સરકારી કમિટી બનાવવામાં આવી છે.  આ મંદિરના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેકટર, ઉપાધ્યક્ષ તરીકે પ્રાંત અધિકારી, સભ્ય સચિવ તરીકે મામલતદાર આ ઉપરાંત પુરાતત્વ વિભાગના અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ અને સુપેડી ગામના સભ્યને કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

જેમાં આ મંદિરના પરિસરમાં ભોજનશાળા, રૂમ, વિસામો, યજ્ઞ શાળા તેમજ શૌચાલય સહિતની સુવિધાઓ ઉભી કરાશે. જો કે સરકારમાંથી રૂ.28 લાખની ગ્રાન્ટ આવી પણ ગઈ છે. જેમાંથી મંદિરના અંદરના ભાગે કેમિકલ ટ્રીટમેન્ટ થઈ રહી છે.

વધુમાં જિલ્લા કલેકટર દ્વારા જણાવાયુ છે કે મંદિરનો વિકાસ થાય વધુમાં વધુ યાત્રિકો અહીં આવતા થાય તેવા ઉદ્દેશ સાથે જ મંદિરનું સંચાલન સરકારી કમિટીને સોંપવામાં આવ્યું છે. પણ અમુક લોકો જે મંદિર સાથે અંગત હીત ધરાવે છે તેઓ આ નિર્ણયને લઈને બીજા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાઈ તેવા કોઈ પગલામાં લેવામાં આવ્યા નથી. અહીં તમામ ધાર્મિક વીધીઓ ઉપર કોઈ બાધ મુકવામાં આવ્યો નથી. અહીં વર્ષોથી મંદિરમાં જે લોકો અડિંગો જમાવીને બેઠા છે તેવા લોકો ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.