Abtak Media Google News

કાનપુરમાં કાલે ત્રીજો અને અંતિમ વન-ડે: કિવીઝને પછાડવા વિરાટ સેના સજ્જ: બંને ટીમોના સુકાનીને શ્રેણી વિજયનો વિશ્ર્વાસ

ત્રણ વનડેની શ્રેણીમાં ફતેહ હાંસલ કરવાના મુલદ ઈરાદા સાથે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ આવતીકાલે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં મેદાને પડશે. ત્રણ વન-ડેની શ્રેણી હાલ એક-એકની બરોબરી પર ચાલી રહી હોય. કાલની અંતિમ વન-ડે ફાઈનલ મુકાબલો બની રહેશે. ત્યારબાદ ૧લી નવેમ્બરથી ૨૦-૨૦ શ્રેણીનો આરંભ થશે.યજમાન ભારત અને મહેમાન ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વન-ડેની શ્રેણીમાં પ્રથમ વન-ડે મુંબઈ ખાતે રમાયો હતો. સુકાની વિરાટ કોહલીની શાનદાર અને રેકોર્ડબ્રેક સદીની મદદથી ભારતે ૨૮૦ રનનો વિશાળ જુમલો ખડકયો હોવા છતાં ન્યુઝીલેન્ડની ટીમે મકકમતા સાથે ભારતીય બોલરોનો સામનો કરી પ્રથમ વન-ડેમાં ૬ વિકેટે શાનદાર જીત હાંસલ કરી હતી. જોકે પૂણે ખાતે રમાયેલા બીજા વન-ડેમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરી હતી. પ્રથમ દાવ લેતા ન્યુઝીલેન્ડની ટીમે માત્ર ૨૩૦ રનનો જુમલો ખડકયો હતો. ભારતીય બોલરોની શિસ્તબઘ્ધ બોલિંગ સામે કિવીઝ બેટસમેનો ખુલ્લા હાથે રમવામાં નિષ્ફળ રહ્યા હતા. ઓપનર શિખર ધવન અને મીડલ ઓર્ડર બેટસમેન દિનેશ કાર્તિકની શાનદાર અડધી સદીની મદદથી ભારે પૂણે ખાતે રમાયેલા બીજા વન-ડેમાં ૬ વિકેટે શાનદાર જીત હાંસલ કરી હતી. આવતીકાલે કાનપુર ખાતે રમાનારા ત્રીજા વન-ડે મેચ બંને ટીમો માટે ફાઈનલસમી બની રહેશે. આ વન-ડેમાં જીત સાથે ટીમનો શ્રેણીમાં પણ વિજય થશે. ન્યુઝીલેન્ડની ટીમ ભારતને ઘરઆંગણે વન-ડે શ્રેણી હરાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે તો બીજી તરફ વિરાટ સેના પણ ન્યુઝીલેન્ડને કચડી નાખવાના બુલંદ ઈરાદા સાથે કાલે મેદાને પડશે. કાલે રમાનારી ત્રીજી વન-ડે ખુબ જ રોમાચક બની રહેશે. ૧લી નવેમ્બરથી ૨૦-૨૦ શ્રેણીનો પ્રારંભ થશે. જે અંતર્ગત ૪જી નવેમ્બરે રાજકોટ ખાતે બીજી મેચ રમાશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.