રાજકોટ સહિત 8 મહાપાલિકાઓમાં 25મી સુધી રાત્રી કરફયુ યથાવત

ગણેશ મહોત્સવ અંતર્ગત 19મી સુધી રાત્રીના 12 થી સવારના 6 વાગ્યા સુધી અને ત્યારબાદ રાત્રીના 11 થી સવારના 6 સુધી કરફયુ રહેશે

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છતાં મહાપાલિકા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને રાત્રી કરફયુમાંથી હજુ સુધી મુક્તિ મળી નથી. લોકડાઉન બાદ છેલ્લા એક વર્ષથી રાત્રી કરફયુ સહન કરી રહેલા શહેરીજનોએ હજુ આગામી 25મી સપ્ટેમ્બર સુધી રાત્રી કરફયુ વેઠવો પડશે. રાજ્યની 8 મહાપાલિકા વિસ્તારમાં રાત્રી કરફયુની મુદત એક સપ્તાહ સુધી વધારવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

હાલ ગણેશ મહોત્સવની ઉજવણી નીમીતે રાજ્ય સરકાર દ્વારા 19મી સપ્ટેમ્બર સુધી રાત્રી કરફયુમાં કેટલીક છુટછાટ આપવામાં આવી છે. હાલ મહાપાલિકા વિસ્તારમાં રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 સુધી કરફયુ અમલમાં છે. દરમિયાન ગણેશ મહોત્સવ પૂર્ણ થતાંની સાથે જ 20મીથી રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢમાં 25મી સપ્ટેમ્બર સુધી રાત્રીના 11 થી સવારના 6 સુધી રાત્રી કરફયુ યથાવત રહેશે.

કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું હોવાથી સરકાર કોઈપણ જાતનું જોખમ ઉઠાવવા માંગતી ન હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી મહાપાલિકા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકો પર રાત્રી કરફયુ લાદવામાં આવ્યો છે. જેમાં સમયાંતરે કલાકોમાં વધારો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. 25મી સપ્ટેમ્બર બાદ પણ શહેરીજનોને રાત્રી કરફયુમાંથી મુક્તિ મળે તેવું હાલ દેખાતુ નથી.