Abtak Media Google News

સાત વાર ટોની એવોર્ડ વિજેતા શો માટે દર્શકોમાં ભારે ઉત્સાહ

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં બ્રોડવેના સૌથી વધુ સફળ અને લોકપ્રિય સંગીતમઢ્યા નાટક – ’ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ની રજૂઆત થવાની તૈયારીઓ થઈ રહી છે.

Advertisement

આ શોને સાત વખત ટોની ઍવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. એની પ્રસ્તુતિ દ્વારા ભારતમાં સંગીતમઢ્યા નાટકની સાથે સાથે ઇન્ટરનેશનલ બ્રોડવેનો પણ પ્રારંભ થવાનો છે.

1930ના દાયકાના ઑસ્ટ્રિયા દેશની પાર્શ્વભૂમાં આ શો તૈયાર કરવામાં આવ્યો છે. એમાં સંઘર્ષની સ્થિતિ સામે લડીને મનુષ્યે મેળવેલા વિજયની ભાવનાનું નિરૂપણ સંગીત દ્વારા તથા પ્રેમ અને સુખની લાગણી સાથે કરવામાં આવ્યું છે. આ નીવડેલી કૃતિમાં 26 સુપ્રસિદ્ધ ગાયનો છે, જેમાં ’માય ફેવરિટ થિંગ્સ’, ’ડુ રી મી’, ’ધ હિલ્સ આર અલાઇવ’ અને ’સિક્સટીન ગોઇંગ ઓન સેવન્ટીન’નો સમાવેશ થાય છે. આ મહત્ત્વપૂર્ણ પ્રસંગ નિમિત્તે એનએમએસીસીના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા મુકેશ અંબાણીએ કહ્યું હતું, “ભારતમાં પ્રથમવાર એનએમએસીસી ખાતે ઇન્ટરનેશનલ બ્રોડવેની રચના – ’ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ની રજૂઆત કરતા અમને ઘણો હર્ષ થઈ રહ્યો છે. અમે ’ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ’ મારફતે ભારતની શ્રેષ્ઠ કૃતિ અગાઉ દર્શાવી ચૂક્યા છીએ અને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ ખ્યાતિ અને કળારસિકોનો સ્નેહ પામી ચૂકેલી કૃતિ ભારતમાં રજૂ કરવાનો રોમાંચ અનુભવી રહ્યા છીએ.

“કળા દ્વારા મનુષ્યોમાં આશાનો સંચાર થાય છે અને સુખની લાગણી પ્રસરે છે એવું હું પહેલેથી માનતી આવી છું. ’ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ આનંદપૂર્ણ અને કદી જૂની નહીં થનારી કૃતિ છે. મને આશા છે કે મુંબઈ અને ભારતના લોકો પોતપોતાના પરિવારજનો સાથે આવીને આ સંગીતસભર રચનાનો આનંદ લેશે.”

ધ ગ્રેન્ડ થિયેટરમાં 2,000 દર્શકો બેસી શકે એટલી ક્ષમતા છે. આવા સંગીતમય નાટકની રજૂઆત માટેના આ ઉત્તમ સ્થળે દર્શકો 1930ના દાયકાના ઑસ્ટ્રિયાના પરિવેશમાં પહોંચી જશે.

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ’ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ને માણવા માટે  www.nmacc.com   અથવા www. bookmyshow.comપર ત્વરિત ટિકિટ બુક કરાવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.