Abtak Media Google News

અગાઉ પણ છેતરપિંડીના ગુન્હામાં એક શખ્સને 250 વર્ષની સજા ફટકારાઈ’તી!!

ભારતીય ન્યાય પ્રણાલીમાં છેતરપિંડી જેવા ગુન્હામાં મહત્તમ સજા કદાચ આજીવન કેદ સુધીની હોઈ શકે છે પણ આ સજા સેંકડો વર્ષ સુધી લંબાવી શકાય તેવું કહેવામાં આવે તો ચોક્કસ આશ્ચર્ય થાય. આ વાત એકદમ હકીકત છે. છેતરપિંડીના ગુન્હામાં સેંકડો વર્ષની સજા ફટકારી શકાય છે અને આ પ્રકારની સજા અગાઉ થયેલી પણ છે. સીઆરપીસીની કલમ 31માં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જયારે આરોપી વિરુદ્ધનો દોષ સાબિત થાય ત્યારે તેને સમવર્તી અને સળંગ સજા ફટકારી શકાય છે.

ભારતમાં, ચોરી અને છેતરપિંડી જેવા ગુનાઓમાં મહત્તમ આજીવન કેદની સજા થઈ શકે છે. પરંતુ મધ્યપ્રદેશની એક કોર્ટે એક વ્યક્તિને 170 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે આરોપી પર 72 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ગુજરાતના તાપીના રહેવાસી 55 વર્ષીય નાસીર મોહમ્મદ ઉર્ફે નાસીર રાજપૂતને કોર્ટે 34 લોકોને છેતરવા બદલ સજા ફટકારી છે. આ મામલો મધ્યપ્રદેશના સાગર જિલ્લાનો છે.

મળતી માહિતી મુજબ આરોપીઓએ ગારમેન્ટ ફેક્ટરી લગાવવાના નામે 34 લોકો સાથે છેતરપિંડી કરી હતી. સાગર જિલ્લાના ભૈંસા અને સદર ગામના રહેવાસીઓએ વર્ષ 2019માં આરોપી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. મામલો કોર્ટમાં ગયો અને સુનાવણી થઈ.

સુનાવણીમાં, તેને કલમ 420 (છેતરપિંડી) હેઠળ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો, જેમાં મહત્તમ સાત વર્ષની સજા છે. આ કેસમાં તેને 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને દરેક પીડિતને 10,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. દરેક પીડિત માટે વ્યક્તિગત સજા હવે તમે વિચારતા હશો કે જ્યારે કોર્ટે તેને 5 વર્ષની જેલની સજા કરી છે તો પછી આપણે 170 વર્ષ કેમ કહી રહ્યા છીએ? વાસ્તવમાં આ બાબતમાં ટ્વિસ્ટ છે.

અપર સેશન્સ કોર્ટના જજ અબ્દુલ્લા અહેમદે પોતાના ચુકાદામાં કહ્યું કે દોષિતે 34 લોકોને છેતર્યા છે. દરેક પીડિતના સંદર્ભમાં અલગ-અલગ રીતે સજા થવી જરૂરી છે, કારણ કે દરેક પીડિતના સંદર્ભમાં આરોપીએ કરેલા ગુનાની જવાબદારી પણ અલગ-અલગ હોય છે. આનો અર્થ એ છે કે તે 34*5 અથવા 170 વર્ષ માટે જેલમાં રહેશે.

આવું પ્રથમવાર નથી બન્યું કે જયારે અદાલતે આટલી લાંબી અને સળંગ સજા ફટકારી છે. અગાઉ મધ્યપ્રદેશની જ સેશન્સ કોર્ટે છેતરપિંડીના ગુન્હામાં એક શખ્સને 250 વર્ષની સજા ફટકારી હતી. આ મામલામાં 35 લાખ લોકો સાથે અંદાજિત રૂ. 4 હજાર કરોડની આર્થિક છેતરપિંડી આચરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.