Abtak Media Google News

સર્વોચ્ચ અદાલતે સોમવારે તમામ રાજ્યોમાં જુવેનાઇલ જસ્ટિસ (જેજે) એક્ટના અમલ માટે જવાબદાર નોડલ વિભાગોના પ્રભારી સચિવને અનાથ, ત્યજી દેવાયેલા બાળકોની ઓળખ કરવા માટે દ્વિ-માસિક ઓળખ અભિયાન હાથ ધરવા નિર્દેશ આપ્યો છે જેથી તે બાળકોનો દત્તક લેવાની યાદીમાં સમાવેશ કરી શકાય. જેની પ્રથમ ડ્રાઈવ 7 ડિસેમ્બર, 2023 ના રોજ હાથ ધરવામાં આવે તેવો પણ આદેશ આપવામાં આવ્યો છે.

હાલ કુલ 760 જિલ્લાઓ પૈકી 370 જિલ્લાઓમાં દત્તક એજન્સીનું અસ્તિત્વ જ નથી

ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 31 જાન્યુઆરી 2024 સુધીમાં દરેક જિલ્લામાં વિશિષ્ટ દત્તક એજન્સીઓ (એસએએ – વિશેષ દત્તક અધિગ્રહણ એજન્સી)ની સ્થાપના સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો હતો. બેન્ચે નોડલ વિભાગને નિર્દેશ આપ્યો હતો કે, 31 જાન્યુઆરી, 2024 સુધીમાં નિયામક અથવા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી(કારા) અને મહિલા-બાળ વિકાસ મંત્રાલયના સચિવને પણ કોર્ટના આદેશના પાલનની અમલીકરણનો આદેશ આપવામાં આવ્યો છે.

ચેરિટેબલ ટ્રસ્ટ “ધ ટેમ્પલ ઓફ હીલીંગ” દ્વારા દાખલ કરવામાં આવેલી દેશમાં દત્તક લેવાની પ્રક્રિયાને સરળ બનાવવાની માંગ કરતી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન આ આદેશ આપવામાં આવ્યો હતો. આ મામલામાં અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે દત્તક લેવાની પ્રક્રિયામાં વિલંબ અને પ્રેમાળ ઘરની જરૂરિયાત ધરાવતા માતા-પિતા અને બાળકો બંને પર સંભવિત અસર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ ​​બેન્ચને ભારતમાં દત્તક લેવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે કેટલાક સૂચનો આપ્યા હતા. તેણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં દત્તક લેવાની પ્રક્રિયામાં ત્રણ મુદ્દાઓનો સામનો કરવો પડ્યો હતો જેનો ઉકેલ લાવવાનો હતો.

  1. અનાથ, ત્યજી દેવાયેલા અથવા આત્મસમર્પણ તરીકે બાળકોની ઓળખ કરવી અને ત્યારબાદ આ બાળકોને સિસ્ટમમાં લાવવા.
  2. સ્ટેટ એડોપ્શન રિસોર્સ એજન્સીઓ, સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સીઓ અને ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ્સમાં સ્ટાફની ઘટ પુરી કરવી.
  3. પર્યાપ્ત ડેટાનું સંકલન કરવું જેથી દત્તક લેવા માટે બાળકોને ચેનલાઇઝ કરી શકાય.

સોલિસિટર જનરલે હાઇલાઇટ કર્યું કે ચાઇલ્ડ એડોપ્શન રિસોર્સ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ સિસ્ટમ પોર્ટલ પર 33967 સંભવિત દત્તક માતાપિતા નોંધાયેલા છે. જો કે, તેનાથી તદ્દન વિપરીત દત્તક લેવા માટે ઉપલબ્ધ બાળકોની સંખ્યા માત્ર 7107 હતી, જેમાં 5656 કોઈ ખાસ જરૂરિયાતો વગરના બાળકો અને 1451 વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકોનો સમાવેશ થાય છે. તેણીએ ઉમેર્યું હતું કે દત્તક લેવા ઝંખતા માતા પિતાને સિસ્ટમમાંથી તંદુરસ્ત યુવાન બાળક દત્તક લેવા માટે 3 થી 4 વર્ષ સુધી રાહ જોવી પડી છે.

એવું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે દેશના 760 જિલ્લાઓમાંથી 370 જિલ્લાઓમાં કોઈ એડોપ્શન એજન્સીનું એકમ જ નથી અને તેની ગેરહાજરીમાં કારાના નિયમોનું પાલન થઈ શકતું નથી.

એએસજી ભાટી દ્વારા મોકલવામાં આવેલા સૂચનોને સ્વીકારીને કોર્ટે દ્વિ-માસિક ઓળખ ડ્રાઈવ અને તમામ જિલ્લાઓમાં એસએએની સ્થાપના માટે નિર્દેશ આપ્યો છે. બેન્ચે નોંધ્યું હતું કે જારી કરાયેલા નિર્દેશો બાળ સંભાળ સંસ્થાઓમાં તેમજ સમુદાયમાંથી દત્તક લેવા માટે સંભવિત બાળકોની ઓળખની પ્રક્રિયાને અનુસરશે.

ડો. પીયૂષ સક્સેના (અરજીકર્તા-વ્યક્તિ) ટેમ્પલ ઓફ હીલિંગ માટે હાજર થયા હતા. તેમણે હાઈલાઈટ કર્યું કે જેજે એક્ટની કલમ 56(3) મુજબ જેજે એક્ટ હિંદુ દત્તક અને જાળવણી અધિનિયમ (હામા),1956 હેઠળ લેવાયેલા દત્તક પર લાગુ પડતો નથી.

સરકારી ચોપડે 7107 બાળકો સામે 33967 દત્તક લેવા ઝંખતા માતા-પિતા!!

ચાઇલ્ડ એડોપ્શન રિસોર્સ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ સિસ્ટમ પોર્ટલ પર 33967 સંભવિત દત્તક માતાપિતા નોંધાયેલા છે. જો કે, તેનાથી તદ્દન વિપરીત દત્તક લેવા માટે ઉપલબ્ધ બાળકોની સંખ્યા માત્ર 7107 હતી, જેમાં 5656 કોઈ ખાસ જરૂરિયાતો વગરના બાળકો અને 1451 વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકોનો સમાવેશ થાય છે.

દત્તક લેવાની પ્રક્રિયામાં લાગે છે આશરે 4 વર્ષથી વધુનો સમય

એક અહેવાલ અનુસાર ભારતમાં દત્તક લેવાની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરતા આશરે 4 વર્ષથી વધુનો સમય લાગે છે. દત્તક લેવા ઝંખતા માતા પિતાને સિસ્ટમમાંથી તંદુરસ્ત યુવાન બાળક દત્તક લેવા માટે 3 થી 4 વર્ષ સુધી રાહ જોવી પડી છે. જે બાબતે અગાઉ સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરતા નારાજગી પણ જાહેર કરી હતી. અદાલતે આ પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા સૂચન કર્યું છે.

દેશભરમાં અનાથ, ત્યજી દેવાયેલા બાળકોની ઓળખ હાથ ધરવા વિશેષ ઝુંબેશ

સુપ્રીમ કોર્ટે દેશભરમાં અનાથ, ત્યજી દેવાયેલા બાળકોની ઓળખ કરવા માટે દ્વિ-માસિક ઓળખ અભિયાન હાથ ધરવા નિર્દેશ આપ્યો છે જેથી તે બાળકોનો દત્તક લેવાની યાદીમાં સમાવેશ કરી શકાય. જેની પ્રથમ ડ્રાઈવ 7 ડિસેમ્બર, 2023 ના રોજ હાથ ધરવામાં આવે તેવો પણ આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે, એક અહેવાલ અનુસાર દેશભરમાં આ પ્રકારના બાળકોની સંખ્યા 2 કરોડથી વધુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.