Abtak Media Google News

કાલે રાજ્યભરમાં વેક્સિનેશનની કામગીરી બંધ

મમતા દિવસે દર બુધવારે હવે કોરોના વેક્સિનેશનની કામગીરી બંધ રાખવામાં આવે તેવી પ્રબળ સંભાવના

અપુરતા ડોઝ હોવાના કારણે છેલ્લા એક પખવાડિયાથી રાજ્યભરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે. દરમિયાન આવતીકાલે મમતા દિવસ હોય રાજ્યભરમાં વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે તેવી સત્તાવાર જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. દર બુધવારે મમતા દિવસ અંતર્ગત બાળકો, ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓની વિવિધ પ્રકારની રસી આપવામાં આવે છે. હવેથી દર બુધવારે વેક્સિનેશનની કામગીરી બંધ રાખવા અંગે સત્તાવાર નિર્ણય લેવામાં આવે તેવી શકયતા પણ જણાય રહી છે.

છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને જરૂરિયાત મુજબ કોરોના વેક્સિનના ડોઝ ફાળવવામાં આવતા નથી જેના કારણે રાજ્યભરમાં વેક્સિનની ભારે અછત છે. રાજકોટ સહિત રાજ્યના તમામ મોટા શહેરો અને તાલુકાકક્ષાએ વેક્સિનેશન સેન્ટરો પર માથાકૂટની સમસ્યા રોજીંદી બની જવા પામી છે. અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે, વોક ઈન વેક્સિન અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન સાથે સ્થળ પર જનાર દરેક વ્યક્તિને વેક્સિન આપી દેવામાં આવશે પરંતુ પુરતા ડોઝના અભાવે ફરી ટોકન સીસ્ટમ અને રજિસ્ટ્રેશન પ્રથા અમલમાં આવી જવા પામી છે. અપુરતા ડોઝના કારણે મોટાભાગના શહેરોમાં બપોર બાદ વેક્સિનેશનની કામગીરી બંધ કરી દેવી પડે છેે. દરમિયાન આજે સવારે એવી જાહેરાત કરવામાં આવી છે કે, દર બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા મમતા દિવસ અંતર્ગત શુન્યથી લઈ 2 વર્ષ સુધીના બાળકને બીસીજી અને પોલીયો સહિતની વિવિધ બિમારીથી બચાવવા માટેની રસી આપવામાં આવે છે. આ ઉપરાંત ધાત્રી માતાઓનું પણ રસીકરણ કરવામાં આવે છે અને સગર્ભા મહિલાઓને પણ અલગ અલગ વેક્સિન આપવામાં આવતી હોવાના કારણે આવતીકાલે રાજ્યભરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

દર બુધવારે મમતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. હવે બુધવારે વેક્સિનેશનની કામગીરી બંધ રાખવા અંગેનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વેક્સિનના પુરતા ડોઝ ન હોવાના કારણે પણ બુધવારે વેક્સિનેશનની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. ઓન ધ સ્પોર્ટ રજિસ્ટ્રેશન અને વોક ઈન વેક્સિનેશન અભિયાન હેઠળ અલગ અલગ શહેરોને દૈનિક વેક્સિનેશન માટે જે ટાર્ગેટ આપવામાં આવ્યા હતા તેના 50 ટકા ડોઝ પણ સરકાર દ્વારા ફાળવવામાં આવતા નથી જેના કારણે વેક્સિનેશનની કામગીરી પર વ્યાપક અસર પડી રહી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર પૂર્વે રાજ્યભરમાં 100 ટકા વેક્સિનેશનના લક્ષ્યાંક સાથે સરકાર કામગીરી કરી રહી છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા પુરતા પ્રમાણમાં કોરોનાની વેક્સિન ફાળવવામાં આવતી ન હોવાના કારણે રસીકરણ અભિયાન પર અસર પડી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.