Abtak Media Google News

લાખો રૂપિયાનો વેરો ભરે છે છતાં સુવિધાનો અભાવ

રાજય સરકાર દ્વારા વર્ષ- ૨૦૧૪ માં ઓગષ્ટ મહિનામાં જામનગર મહાનગરપાલિકાની હદ વધારવામાં આવી હતી અને નવા આશરે ૧૩૬ ચો.કીમી. વિસ્તારમાં બાંધકામ રજાચિઠ્ઠીની કામગીરી શરૂ કરવામાં આવી હતી.પરંતુ નવા ભળેલા જે વિસ્તારોમાં રસ્તા,ભૂગર્ભ ગટર,પાણીની લાઇન,સ્ટ્રીટ લાઇટની પ્રાથમિક સુવિધા ન હોય કે અધૂરી હોય તે વિસ્તારમાં ડિસેમ્બર-૨૦૧૮થી એટલે કે સાત મહિનાથી બાંધકામ પરવાનગી મનપા દ્વારા બંધ કરવામાં આવી હતી.આથી આ મુદે જામનગર ફેડરેશન ઓફ આર્કીટેકટ એન્ડ એન્જીનીયર્સ એસો.એ નવા ભળેલા વિસ્તારોના પ્લોટધારકોની મુશ્કેલીને અનુલક્ષીને જામ્યુકોમાં રજૂઆત કરી હતી.

જેના અનુસંધાને જામ્યુકોએ નવા ભળેલા જે વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા નથી કે અધૂરી છે તે કિસ્સામાં દરેક પ્લોટ ધારક પાસેથી પ્રતિ ચો.મી.રૂ.૬૦૮ લેખે વધારાનો દંડ એટલે કે સમાન ચાર્જીસ વસૂલી રજાચિઠ્ઠી આપવાનું ઠરાવ્યું છે.આટલું જ નહીં દંડ ભરવાની સાથે દરેક પ્લોટ ધારકે વર્તમાન કે ભવિષ્યમાં કયારેય પણ મહાપાલિકા પાસે પ્રાથમિક સુવિધાઓની માંગણી કરી શકાશે નહીં તેવું સોગંદનામું રજૂ કરવું પડશે તેમ ફેડરેશન ઓફ આર્કીટેકટ એન્ડ એન્જીનીયર્સ એસો.ને નિવેદનમાં જણાવ્યું છે.મનપાની આ મનસ્વી જોગવાઇ સામે ફેડરેશનના પ્રમુખ હિમાંશુ જાની અને અન્ય હોદેદારોએ વિરોધ વ્યકત કરી જણાવ્યું છે કે,ખરેખર જમીન માલીકોએ પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની હોય છે. પરંતુ મનપાની જોગવાઇથી પ્લોટ ધારકોને સહન કરવાનો વારો આવ્યો છે.આટલું જ નહીં ૧૦૦૦ થી ૧૫૦૦ ચોરસ ફુટનું બાંધકામ કરવું હોય તો રૂ.૧૨૫૦૦૦ ચાર્જ ભરવો પડશે છતાં મનપા પાસે પ્રાથમિક સુવિધાઓની માંગણી કરી નહીં શકાય. માટે આ અંગે પુન:વિચારણા કરી દંડ રદ કરવા માંગણી કરી છે.

જામનગર મહાનગર પાલિકામાં નવા ભળેલા વિસ્તારોની ૧૦૦થી વધુ સોસાયટીઓને આકરો દંડ સહન કરવાનો છે ત્યારે આક્રોશ વ્યક્ત કરતા ફેડરેશનના હોદેદારોએ નિવેદનમાં જણાવ્યું છે કે,જામ્યુકોના નવા ભળેલા વિસ્તારોમાં બંધ થયેલી બાંધકામ પરવાનગી પુન: શરૂ કરવા કમિશ્નર, ટીપીઓ, સીટી એન્જીનીયરને રજૂઆત કરતા બાંધકામ મંજૂરી પુન: ચાલુ તો થઇ પરંતુ અતિશય મોંઘા વિકાસ દર ભર્યા બાદ બાંધકામ થઇ શકે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.આમ પણ રાજયમાં સૌથી વધારે વિકાસદર જામ્યુકો દ્વારા લેવામાં આવે છે.

મૂળ જમીન માલિકે પ્રાથમિક સુવિધા આપી નથી કે પૂર્ણ કરી નથી તેનો દંડ સામાન્ય નાગરિક, પ્લોટધારકે ભોગવવો પડશે

ફેડરેશનના હોદેદારોએ જણાવ્યું છે કે,મનપામાં નવા ભળેલા વિસ્તારોમાં બિનખેતી કરાવનાર મૂળ જમીન માલીકે પ્રાથમિક સુવિધા આપી નથી કે પૂર્ણ કરી નથી તેનો દંડ સામાન્ય નાગરિક,પ્લોટધારકે ભોગવવો પડશે.ખરેખર બિનખેતીની પ્રક્રિયા સમયે જમીન માલીકે પ્રાથમિક સુવિધા પૂર્ણ કરવાની હોય છે ત્યારબાદ મનપા પાસે સુવિધા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર મેળવવામાં આવતું હોય છે.આવું પ્રમાણપત્ર મેળવેલ ન હોય તેવા કિસ્સામાં મનપા દ્વારા બાંધકામ પરવાનગી આપવામાં આવતી નથી.પરંતુ ડીસે.-૨૦૧૮માં આ કિસ્સામાં રાબેતા મુજબ બાંધકામ રજાચિઠ્ઠી આપવામાં આવતી હતી.પરંતુ અચાનક મંજૂરી બંધ કરવામાં આવતા પ્લોટધારકો મુશ્કેલીમાં મૂકાયા હતાં.

જામ્યુકોમાં નવા ભળેલા વિસ્તારોમાં ૧૦૦ થી વધુ સોસાયટીનો સમાવેશ થાય છે.જેમાં ગ્રીનસીટી,વૃંદાવન,યુવા પાર્ક, સેટેલાઇટ, શીતવન, શાંતિવન,માણેકનગર,વ્રજભૂમિ,વ્રજવિહાર,પટેલનગર,ગોકુલદર્શન,જડેશ્વર,મયુરપાર્ક સહિતની સોસાયટી મુખ્ય છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.