Abtak Media Google News

ધાર્મિક કટ્ટરપંથી ઝઝૂમી રહેલા શ્રીલંકા હવે બુર્કા પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં છે. મહિન્દા રાજપક્ષે સરકારના એક મંત્રીને શનિવારે એક જાહેરાત કરી હતી કે, શ્રીલંકા જલ્દી બુર્કા પહેરવા પર પ્રતિબંધ મૂકશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ સિવાય ઓછામાં ઓછા 1 હજાર ઇસ્લામી શાળાઓ પણ બંધ કરી દેવામાં આવશે. શ્રીલંકા સિવાય વિશ્વના ઘણા દેશોએ બુર્કા પર પ્રતિબંધ લાગાવી ચુક્યા છે. થોડા દિવસો પહેલા સ્વિટ્ઝરલેન્ડમાં પણ જનમત સંગ્રહ કરીને બુર્કા પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

કેબિનેટમાં બુર્કા પર પ્રતિબંધને લઈને બિલ રજૂ

શ્રીલંકાના સાર્વજનિક સુરક્ષા મંત્રી સરથ વેરાસેકેરાએ કહ્યું કે, તેમણે કેબિનેટની મંજૂરી માટેના બિલ પર હસ્તાક્ષર કર્યા છે. આ બીલમાં મુસ્લિમ મહિલાઓને રાષ્ટ્રીય સુરક્ષાના આધારે બુર્કા પહેરવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. જો આ બિલ કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવે તો શ્રીલંકાની સંસદ તેના પર કાયદો ઘડી શકે છે.

મદરેસાઓ પર પણ પ્રતિબંધ મુકવાની તૈયારીઓ

વેરાસેકેરાએ કહ્યું કે, સરકારે એક હજારથી વધુ મદરેસા ઇસ્લામિક સ્કૂલો પર પ્રતિબંધિત મુકવાની યોજના બનાવી છે. તેમણે એમ પણ કહ્યું કે,આ મદરેસાઓ શ્રીલંકાની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ધજાગરા ઉડી રહ્યાં છે. તેમણે શખ્ત સ્વરમાં કહ્યું કે, કોઈ પણ સ્કૂલો શરૂ કરી શકશે નહીં અને બાળકોને તમે જે ઈચ્છો છો તે શીખવી નહીં શકો.

સારથ વેરાસેકેરાએ જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં મુસ્લિમ મહિલાઓ અને છોકરીઓ બુર્કા પહેરતી નહોતી. આ તાજેતરના ધાર્મિક અતિવાદના સંકેત છે. અમે ચોક્કસપણે તેના પર પ્રતિબંધ લગાવીશું. માનવામાં આવે છે કે આ કાયદાથી શ્રીલંકામાં મુસ્લિમોનો ગુસ્સો વધી શકે છે.

શ્રીલંકાએ પહેલા પણ બુર્કા પર પ્રતિબંધ મૂક્યો હતો

બૌદ્ધ બહુસંખ્યક શ્રીલંકામાં, વર્ષ 2019માં ચર્ચ અને હોટલોમાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ પણ બુર્કા પહેરવા પર થોડા સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ હુમલામાં 250થી વધુ લોકોના મોત થયા હતાં. આ ઘટનાને લઈને શ્રીલંકાએ ઘણા આરોપીઓની ધરપકડ પણ કરી હતી.

મુસ્લિમોના મૃતદેહને દફન કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો

શ્રીલંકાએ કોરોના મહામારી દરમિયાન સંક્રમણથી મૃત્યુ પામેલા મુસ્લિમોના મૃતદેહને દફન કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે સરકારે દલીલ કરી હતી કે તેનાથી સંક્રમણ ફેલાવાની શક્યતા નહીં થાય. જોકે તે સમયે શ્રીલંકાના મુસ્લિમો દ્વારા આ નિર્ણયનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલો શ્રીલંકાની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. શ્રીલંકાની સરકારે અમેરિકા અને આંતરરાષ્ટ્રીય અધિકાર સમૂહની ટીકા બાદ આ વર્ષની શરૂઆતમાં આ પ્રતિબંધ હટાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.