Abtak Media Google News

શું પથ્થરમાંથી લોહી નીકળે..?! આપણો પહેલો પાડોશી અર્થાત પાકિસ્તાન એવો જ દેશ છે. પુલવામામાં ભારતના ૪૦ જવાનો શહીદ થયા બાદ પણ એને વૈશ્વીક સ્તરે બદનામી જેવું કાંઇ નથી, જો ભારતીય સેના સર્જીકલ સ્ટ્રાઇક કરીને ૫૦ આતંકીનો ખાત્મો બોલાવશે તો પણ પાકિસ્તાનનું નુકસાન શુ? અત્રે એવું કહેવાનો અમારો હેતુ નથી કે બદલો ન લેવો..! પણ આ એક એવું પાકેલું જખમ છે જેને મૂળમાંથી દૂર કરવું પડશે. એક સાથે મલ્ટીપલ એકશન સાથે..! જેમાનું પહેલુ પગલું સરકારે લીધું છે, તેનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો દૂર કરીને.

પાકિસ્તાનની બજેટ ખાધ જીડીપીનાં સાત ટકા સુધી જવાની ગણતરી મુકાઇ ચુકી છે. વિશ્વમાં ૨૧૬ દેશોની યાદીમાં જીડીપીના મામલે પાકિસ્તાન ૧૭૩મા ક્રમે છે. હાલમાં ઇમરાન ખાનની સરકારને વિકાસનાં ભંડોળ પર કાપ મુકીને કરવેરામાં વધારા કરીને બોજ હળવો કરવાના પ્રયાસ કરવા પડ્યા હતા. હવે સમજી શકાશે કે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો દુર કરવાથી પાકિસ્તાનને શું ફરક પડી શકે.

મોસ્ટફેવર્ડનેશન (MFN) એ World Trade Organization (WTO)દ્વારા રજૂ કરાયેલા General Agreement on Tariffs and Trade (GATT)ની પ્રથમ જોગવાઇ છે. જે વ્યવસાયિક ભેદભાવ નહી રાખવાની બાહેંધરી આપે છે. આમ તો આ બાંહેધરી WTOના તમામ સભ્ય દેશો માટે હોય છે, પણ MFNને અમુક ટેરિફ તથા કસ્ટમમાં પણ લાભ મળતા હોય છે. યાદ રહે  કે ૧૯૯૬ની સાલમાં WTO કરાર સમયે જ ભારતે પાકિસ્તાનને MFNનો દરજ્જો આપ્યો હતો. ત્યારે પાકિસ્તાને પણ ભારતને આવો દરજ્જો આપવાનું કબુલ્યુ હતુ. પણ હજુ સુધી આ દરજ્જો ભારતને આપ્યો નથી. શું તાલી એક હાથે પડે?

ભારતની આ જાહેરાતથી હવે પાકિસ્તાનથી ભારતમાં આયાત થતી ચીજવસ્તુઓ ઉપર ૨૦૦ ટકા જેટલી ઉંચી કસ્ટમ ડ્યુટી લાગશે. આ ઉપરાંત વૈશ્વીક બજારમાં જ્યાં પણ ભારતના સંબંધો મજબુત હશે ત્યાં પાકિસ્તાન સાથે વ્યવસાયિક સંબંધો નહી રાખવા દબાણ કરવામાં આવશે. જેમાં મસુર અહેમદને સંયુક્ત રાષ્ટ્રો દ્વારા આતંકવાદી જાહેર કરવાથી માંડીને ફાઇનાન્શયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએ) માં પાકિસ્તાનને સંપૂર્ણ બ્લેક લિસ્ટ કરવાની રણનીતિ પણ હશે.આમેય તે હાલમાં પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં છે જ. એકવાર બ્લેક લિસ્ટ થાય તો વેશ્વીક સમુદાય પાકિસ્તાનને વ્યવસાયિક સહકાર આપવાનું બંધ કરે. આ ઉપરાંત આઈએમએફ, વર્લ્ડબેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક તથા યુરોપિયન યુનિયન તરફથી મળતી આર્થિક મદદ પણ બંધ થઇ શકે છે.

આમ તો સાલ ૨૦૧૭-૧૮માં પાકિસ્તાને ૫૦ કરોડ ડોલરની નિકાસ ભારતમાં કરી છે. જે તેની કુલ નિકાસના ૧.૫ ટકા જેટલી કહી શકાય.જો કે અન્ય દેશ મારફતે થયેલી નિકાસ ત્રણ થી ચાર ગણી હોઇ શકે છે. બન્ને દેશો વચ્ચે કુલ ૨.૪ અબજ ડોલરના વિદેશ વેપાર થયા છે જેમાં પણ ભારત બેલેન્સમાં છે. જ્યારે અન્ય દેશ મારફતે થયેલા વેપાર ૧૦ અબજ ડોલર સુધીનો હોવાની ધારણા છે એમાં પણ ભારત બેલેન્સમાં છે. ખાસ કરીને ભારત આવતી પ્રોડક્ટસમાં ફ્રુટ, સિમેન્ટ, પેટ્રોલિયમ પ્રોડક્ટસ, મિનરલ તથા લેધરનો સમાવેશ થાય છે. જ્યારે ભારતમાંથી નિકાસ થતી ચિજોમાં કપાસ, યાર્ન, કેમિકલ, પ્લાસ્ટિક તથા રંગોનો સમાવેશ થાય છે.

છેલ્લા થોડા સમયમાં પાકિસ્તાનથી સિમેન્ટની આયાતમાં માસિકએકાદ લાખ ટનનો ઉછાળો જોવા મળ્યો હતો. જેહવે બંધ થઇ જશે. આ ઉપરાંત ડામરની નિકાસને પણ વિપરીત અસર પડશે.  કારણ આ બન્ને વસ્તુ ત્રીજા દેશ મારફતે મોકલવાની ખર્ચ બહુ વધી જતો હોય છે.

ભારતે આર્થિક મોરચે ભિડવવાની રણનીતિ તો બનાવી છે પણ યાદ રહે કે આ પાકિસ્તાન છે, આતંકીઓનો દેશ છે, ગરીબી, ધર્મ ઝનુન, નિરક્ષરતા જેવા દુષણો અહીં દરેક ખુણે જોવા મળે છે. ગામડાનો લબરમુછિયા યુવાન છ માસ સુધી ગુમ થઇ જાય તો પિતાને જાણ પણ નથી હોતી. આ દેશ હવે વધારે ગરીબ થશે તેથી માગી ખાવું અને મસીદે સૂવું વાળી માનસિકતાવાળો થશે. તેથી તેની ફાઇનાન્શ્યલ ઉપરાંત ડિફેન્સ તાકાત પણ નબળી પડવી અનિવાર્ય છે. આ વાત સરકારને જાણ હોય જ અને સરકાર આ અંગેના પગલાં લેશે જ કદાચ ચૂંટણી પહેલા .. કદાચ ચૂંટણી પછી….!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.