Abtak Media Google News

ભારતીય ટ્રેનોને ઈલેકટ્રીફાઈડ કરવા રેલવે મંત્રાલયનો રૂ. ૩૫,૦૦૦ કરોડનો પ્લાન

રેલવે સ્ટેશનોને આધુનિક કરવા અને મુસાફરો માટે અદ્યતન સેવાઓ ઉપલબ્ધ કરવા રેલવે મંત્રાલયે અનેક યોજના ઘડી કાઢી છે. ત્યારે આવતા ચાર વર્ષમાં હવે ભારતીય ટ્રેનો ઈલેકટ્રીસીટીથી દોડતી થઈ જશે. આ માટે રેલવે મંત્રાલયે રૂ.૩૫,૦૦૦ કરોડનો પ્લાન ઘડયો છે. રેલવેનો ડીઝલ એન્જિનો હવે, ભુતકાળ બની જશે તેમજ રેલવે એન્જિનો ઈલેકટ્રીસીટીથી ચાલશે. જેથી ઈંધણના ખર્ચમાં વર્ષે ૧૦,૫૦૦ કરોડ રૂપિયાની બચત થશે. દરેક ક્ષેત્રને આધુનિક કરવા અને ખર્ચ ઘટાડવા સરકાર ટેકનોલોજીનો મહતમ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરી રહી છે. રેલવે બોર્ડના સીનીયર અધિકારીએ આ વિશે જાણકારી આપતા કહ્યું કે, ૬૬૦૦૦ કિલોમીટરના રેલવે નેટવર્કને ઈલેકટ્રીસીટીથી જોડવા અંદાજે ૩૫,૦૦૦ કરોડનો ખર્ચ થશે. દર એક કિલોમીટરે ૧ કરોડથી પણ વધુ ખર્ચ થશે. આમ આવતા ચાર વર્ષના ગાળામાં અડધાથી વધુ રેલવે નેટવર્ક ઈલેકટ્રીફાઈડ થઈ જશે. રેલવે એન્જિનો ઈલેકટ્રીફાઈડ હોવાથી ઈંધણનો ખર્ચ ઘટશે. હાલ વર્ષે ઈંધણનો ખર્ચ ૨૬,૫૦૦ કરોડ રૂપિયા થાય છે. જે ૧૬૦૦૦ કરોડ સુધી ઘટશે. આ ઈલેકટ્રીસીટી પ્લાનના સરકાર આઈઆરસીઓએન, આરઆઈટીઈએસ અને પીજીસીઆઈએલ સહિતની અનેક ખાનગી કંપનીઓનું જોડાણ કરશે. ઈન્ડિયન રેલવેએ યોજેલી એક પત્રકાર પરિષદમાં રેલમંત્રીએ જણાવ્યું કે, આ ઈલેકટ્રીસીટી પ્લાનથી ઈંધણનો ખર્ચ તો ઘટશે જ પરંતુ આ સાથે એનર્જી બીલ પણ ઘટાડવા યોજના બનાવાઈ છે. જેમાં રેલવે ઈલેકટ્રીસીટી ડીસ્ટ્રીબ્યુશન કંપનીઓ પાસેથી નહી પરંતુ સીધી જ વિજળી ઉત્પાદનકર્તાઓ પાસેથી ખરીદશે.

ઈન્ડીયન રેલવે દર વર્ષે ૧૫.૬ બિલીયન યુનિટ ઈલેકટ્રીસીટીનો વપરાશ કરે તેવી શકયતા છે અને તેનું બીલ વર્ષે ૯૫૦૦ કરોડ રૂપિયા થશે. જયારે હાલ ડીઝલનો ખર્ચ ૨૬,૫૦૦ કરોડ રૂપિયા થાય છે. ટ્રેનોને ઈલેકટ્રીફાઈડ કરવા રેલવેને વધુ ૫૦૦૦ ઈલેકટ્રીક લોકોમેટીવ એન્જીનોની જરૂર પડશે. હાલ રેલવે પાસે ૪૪૦૦ ઈલેકટ્રીક લોકોમેટીવ એન્જીનો છે. પશ્ર્ચિમ બંગાળના વારાણસી અને ચીતરંજનમાં આ લોકોમેટીવ એન્જીનોનું ઉત્પાદન થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.