Abtak Media Google News

ડસ્ટબીન સળગાવી દેવાની પ્રવૃત્તિની ગંભીરતાથી નોંધ લેતા મ્યુનિસિપલ કમિશનર પાની

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ માર્ગો પર રાખવામાં આવેલી બ્લુ અને ગ્રીન રંગની ડસ્ટબીનને નુકસાન પહોંચાડવાની કે તેને સળગાવી દેવાની પ્રવૃત્તિની ગંભીરતાથી નોંધ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ લીધી છે. હવે રસ્તા પરની ડસ્ટબીન સળગાવનાર સામે ગુનો દાખલ થશે તેવું મ્યુનિ. કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું.

તાજેતરમાં જ વોર્ડ નં. ૧૪માં આવેલ કેનાલ રોડ ઉપર મિલન જનરલ સ્ટોર્સની બાજુમાં ફુટપાથ ઉપર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુકા અને ભીના કચરા માટે બ્લુ અને ગ્રીન ડસ્ટબીન રાખવામાં આવી હતી. જે તા. ૮ એપ્રિલના સવારે આશરે ૭:૩૦ આસપાસ સળગેલી હાલતમાં જોવા મળી આવી હતી. કોઇ અજાણ્યા શખ્સો દ્વારા આ ડસ્ટબીન સળગાવી રાજકોટ મહાનગરપાલિકાને આર્થિક નુકસાન પહોંચાડયું હતું તેમજ જાહેર જનતાની સુવિધા માટે કરવામાં આવેલી ડસ્ટબીનની વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કર્યો હતો. આ અનુસંધાને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ સઘળી હકીકત રજૂ કરી આ મામલે એફઆઇઆર દાખલ કરાવવા કાર્યવાહી કરવામાં આવશે.

આ મામલે મ્યુનિ. કમિશનર પાનીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખાકારી માટે અને સુવિધાઓ માટે વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. જાહેર જનતા માટે શહેરમાં જાહેર માર્ગો પર તેમજ અન્ય જાહેર સ્થળોએ ઉભી કરવામાં આવતી વિવિધ સુવિધાઓ જાહેર જનતાની સંપતિ છે. સૌ નાગરિકોએ જાહેરહીતમાં પબ્લિક પ્રોપર્ટીની જાળવણી કરવી જરૂરી છે અને આ જાહેર સંપતિને નુકસાન કરવું ગુનો બને છે અને આવી પ્રવૃતિ ન થાય તે માટે જાહેરહીતમાં અત્યંત ઇચ્છનીય છે. આમ છતાં જો કોઇ વ્યક્તિ દ્વારા આવી સંપતિને નુકસાન કે હાની પહોંચાડવામાં આવશે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.