Abtak Media Google News

કમ્પાઉન્ડનો નવો નિયમ ટેકસ ચોરોનાં હાજા ગગડાવી નાખશે!

કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ દ્વારા અનેકવિધ નવા નિયમો અને નવા કાયદાઓનું નિર્માણ કરી રહ્યું છે. જેનાથી ટેકસ ચોરોને કઈ રીતે ડામી શકાય તે માટે તમામ યોગ્ય પગલાઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે સીબીડીટી અને કેન્દ્ર સરકાર દ્વારા કમ્પાઉન્ડ રૂલ્સનો નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. પહેલાનાં સમયમાં ટેકસચોરો કોઈપણ રીતે ટેકસ ચોરીમાંથી બાકાત થઈ જતા હતા પરંતુ હવે તમામ ચીજ-વસ્તુઓને સીબીડીટી ભેગું કરી રહ્યું છે. જેનાં કારણે કોઈપણ કરદાતા બચી શકશે નહીં. ઉદાહરણ તરીકે કોઈ કરદાતાની બેનામી સંપતિ ભારતમાં હોય અને જો તેની વિદેશમાં રહેલી સંપતિને જાહેર ન કરી હોય તો તે પ્રકારનાં કરદાતાને નિમ્ન સજા એટલે કે ટેકસ વસુલાતની સજા મળતી હતી પરંતુ કમ્પાઉન્ડનાં નવા નિયમો અનુસાર આ પ્રકારનાં કરદાતાઓને જેલની પણ સજા થઈ શકશે. આ નવાં નિયમથી હવે આવકવેરાની ચોરી માત્ર દંડાત્મક નહીં રહે પણ સજાને પાત્ર બની રહેશે.

સીબીડીટી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા કમ્પાઉન્ડીંગ નિયમને લઈ 32 પાનાની એક ગાઈડલાઈન રજુ કરવામાં આવી છે જેને આવકવેરા વિભાગ દ્વારા જાહેર પણ કરી દેવાઈ છે. કમ્પાઉન્ડીંગ નિયમ અનુસાર આવકવેરા વિભાગ જુજ કેસોમાં જ કરદાતાઓને સજામાંથી મુકિત આપી શકશે જેમાં કરદાતાનો વ્યવહાર તેનો સ્વભાવ સહિતની અનેકવિધ ચીજ-વસ્તુઓને જોવામાં આવશે. જે કરદાતા કોઈ રાષ્ટ્રવિરોધી કે આતંકી ગતિવિધિમાં તેની પુછપરછ ચાલુ હોય અથવા તો તેની પુછપરછ એનફોર્સમેન્ટ ડિરેકટરેટ અથવા તો લોકપાલ, લોકાયુકત અથવા તો કોઈ સ્ટેટ એજન્સી કે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હોય તે કમ્પાઉન્ડનાં નિયમોમાં સમાવવામાં આવે એટલે કહી શકાય કે પહેલા જે રીતે કરદાતાઓ કરની ચોરી કરતા હતા તેને માત્ર દંડાત્મક પગલાઓનાં આધારે તેઓને સકંજામાં લેવામાં આવતા હતા પરંતુ હવે માત્ર દંડાત્મક નહીં પરંતુ સજાને પાત્રરૂપ બની રહેશે. સાથો સાથ જે કોઈ કરદાતા પોતાનાં બોગસ ઈનવોઈસ કે પછી કોઈ મની લોન્ડ્રીંગ કેસોમાં સપડાયેલા હશે તેઓ પણ આ નવા નિયમને આધીન રહી તેમનાં પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

આવકવેરા વિભાગનાં ઉચ્ચ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવકવેરા વિભાગની નવી ગાઈડલાઈન જે બ્લેકમની અને ક્રિમીનલ ટેકસ ઈવેશનમાં કાર્યરત રહી હતી તેમની સામેનો આ એક જડબાતોડ જવાબ છે. કોઈપણ ગુનો જો 275-એ અથવા 275-બી અને 276ની કલમ હેઠળ જો નોંધાયેલો હશે તે કમ્પાઉન્ડ નિયમને આધીન નહીં રહે. જેથી કહી શકાય કે, કેન્દ્ર સરકાર અને સીબીડીટી દ્વારા જાહેર કરવામાં આવેલો કમ્પાઉન્ડનો નવો કાયદો ટેકસ ચોરોનાં હાજા ગગડાવી દેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.