Abtak Media Google News

ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનો હેતુ એ માત્ર અભ્યાસક્રમ પુરો કરવાનો નથી. પરંતુ યુવાનોને સારા નાગરિક બનાવવાનો છે. વિદ્યાર્થીઓ સમાજ અને ગ્રામીણ જીવનથી પરિચિત બને તે માટે સરકારની એનએસએસની યોજના કાર્યરત છે.

Advertisement

જે અંતર્ગત જે.જે.કુંડલિયા આર્ટસ એન્હ કોમર્સ બીબીએ કોલેજની એનએસએસ શિબિરનું ઉદ્ઘાટન ચીભડા ગામ ખાતે કરવામાં આવ્યું. જે આ કોલેજના વિદ્યાર્થીઓ એક અઠવાડિયા સુધી રહીને ગ્રામીણ જીવનને નજીકથી અનુભવશે તથા સફાઈ અભિયાન, શેરી નાટકો, મેડીકલ કેમ્પ, લોકડાયરો વગેરે જેવી પ્રવૃતિઓનું આયોજન કરી ગ્રામવાસીઓને લાભ આપ્યો.

આ કેમ્પની શરૂઆતમાં કોલેજના પ્રિન્સીપાલ ડો.યજ્ઞેશભાઈ જોષીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી એનએસએસ પ્રવૃતિનું મહત્વ સમજાવ્યું હતું.

આ પ્રસંગે સંસ્થાના આદ્ય સ્થાપક અને માર્ગદર્શન મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઈ જોષીએ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે.અબ્દુલ કલામને યાદ કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. જીવનમાં હંમેશા હકારાત્મક સોચ અને મુશ્કેલીનો હિંમતથી સામનો કરવાની શીખ આપી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિનિયર સિન્ડીકેટ સભ્ય ડો.ભાવિક કોઠારીએ બહુ જ હળવી શૈલીમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ખાસ કરીને બહેનોએ આગળ આવવાની હાકલ કરી હતી. આજે સમાજના દરેક ક્ષેત્રમાં બહેનો જયારે ઉચ્ચ પદ સુધી પહોંચ્યા છે ત્યારે સ્કૂલ અને કોલેજના દિકરીઓએ પણ તેનું ઉદાહરણ લઈ આગળ આવવું જોઈએ.

આ પ્રસંગે કોલેજના શુભચિંતક યુવાન સિન્ડીકેટ સભ્ય ડો.હરદેવસિંહ જાડેજાએ પણ અભિનંદન પાઠવી જે અવિકસિત વિસ્તારો છે તેમાં આ પ્રકારના કાર્યોની હિમાયત કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એનએસએસ વિભાગના કો-ઓર્ડીનેટર ડો.ડોબરીયાએ પણ અભિનંદન આપી જણાવ્યું હતું કે આ પ્રવૃતિ ખૂબ જ ઓછા ફંડથી ચાલે છે. છતાં કોલેજ આટલા મોટાપાયે એક અઠવાડિયા સુધી વિદ્યાર્થીઓને ગામડામાં રાખી ગ્રામ્ય વિસ્તારમાં સેવાકીય પ્રવૃતિઓ કરાવે તે સરાહનીય છે.

રાજયપાલે પણ એનએસએસની પ્રવૃતિ વખાણીને તથા સરકારની જુદી જુદી યોજનાઓનો પ્રચાર આ વિદ્યાર્થીઓની મદદથી ગામડામાં કરી શકાય તેવી ભલામણ પણ કરી હતી.ઉદ્ઘાટનના આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટી ડો.અલ્પનાબહેન ત્રિવેદી, કુંડલિયા કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડો.પ્રિતીબહેન ગણાત્રા, ચીભડા ગામના સરપંચ લાધાભાઈ મારકણા આગેવાનો સ્કુલના પ્રિન્સીલ નયનભાઈ ગોહેલ તથા સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો અને કોલેજને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.