Abtak Media Google News

વનડે વર્લ્ડ કપ 2023માં મંગળવારે એક ખૂબ જ નીરસ મેચ રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 383 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની આખી ટીમ 233 રનમાં સમેટાઈ ગઈ હતી. આ હાર સાથે બાંગ્લાદેશી ટીમ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. આ રીતે આફ્રિકાની ટીમે 149 રનના માર્જિનથી મેચ જીતી લીધી હતી. તમને જણાવી દઈએ કે 383 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી બાંગ્લાદેશની ટીમ શરૂઆતથી જ સંઘર્ષ કરતી જોવા મળી હતી.તેણે 31 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ 81 રનમાં 6 વિકેટ પડી ગઈ હતી. આ પછી મહમુદુલ્લાએ ઇનિંગ સંભાળી અને નસુમ અહેમદ સાથે 41 રનની ભાગીદારી કરી.

બાંગ્લાદેશ સેમિફાઈનલની રેસમાંથી બહાર :  મહમુદુલ્લાહની સદી એડે ગઈ

બાંગ્લાદેશને 149 રને હરાવીને દક્ષિણ આફ્રિકાએ વનડે વર્લ્ડ કપમાં ચોથી જીત નોંધાવી છે. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચી છે. સારી નેટ રન રેટના કારણે દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને પાછળ છોડી દીધું છે. ન્યુઝીલેન્ડ પહેલા નંબર બે પર હતું પરંતુ હવે સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડને ત્રીજા નંબર પર ધકેલી દીધું છે. બાંગ્લાદેશની ટીમે 58ના સ્કોર પર પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ મહમુદુલ્લાએ એક છેડેથી ટીમ માટે રન બનાવવાનું ચાલુ રાખ્યું. મહમુદુલ્લાહના કારણે જ બાંગ્લાદેશની ટીમ સ્કોર 233 સુધી પહોંચાડવામાં સફળ રહી.

બાંગ્લાદેશ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યા પછી, ટીમે ક્વિન્ટન ડી કોકની 174 રનની શાનદાર ઇનિંગ અને હેનરી ક્લાસેનના 90 રનના કારણે 5 વિકેટે 382 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. મહમુદુલ્લાએ બાંગ્લાદેશ માટે ચોક્કસપણે સદી ફટકારી હતી પરંતુ તેનાથી મેચના પરિણામ પર કોઈ ફરક પડ્યો ન હતો. બાંગ્લાદેશ 46.3 ઓવરમાં 233 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. 149 રનની મોટી જીત સાથે દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને ધકેલી દીધું હતું.

ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટનો રેકોર્ડ તોડતો ડીકોક

ક્વિન્ટન ડી કોકે વિકેટકીપર તરીકે 50 ઓવરના વર્લ્ડ કપમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ બનાવ્યો છે.  ડી કોકે 174 રનની જોરદાર ઇનિંગ રમીને એડમ ગિલક્રિસ્ટનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.  ગિલક્રિસ્ટે 2007માં શ્રીલંકા સામે વર્લ્ડ કપમાં 149 રનની ઇનિંગ રમી હતી.  વિકેટકીપર બેટ્સમેને વિસ્ફોટક શૈલીમાં રમીને વર્લ્ડ કપ 2023માં પોતાની ત્રીજી સદી પૂરી કરી. સદી ફટકાર્યા પછી, ડી કોકે તેનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો.  ડી કોકે 140 બોલમાં 174 રનની યાદગાર ઇનિંગ રમી હતી.  ડી કોકે પોતાની ઇનિંગ દરમિયાન 15 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.