Abtak Media Google News

સાણંદ જીઆઇડીસી ખાતે ગ્રીનઝો એનર્જી ઈન્ડિયા લિમિટેડ ઈલેક્ટ્રોલાઈઝર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 3,500 કરોડનું રોકાણ કરવા તૈયાર છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ  પ્લાન્ટના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.

ગ્રીનઝો એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ અગ્રવાલના જણાવ્યા અનુસાર, કંપની ગ્રીન હાઇડ્રોજન સેક્ટરમાં ઉપયોગમાં લેવાતા 1, 2 અને 5 મેગાવોટ આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન કરશે.

ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનને મળશે બુસ્ટ, તેમાં વપરાતા ઈલેક્ટ્રોલાઈઝરનું ઘરઆંગણે જ ઉત્પાદન શરૂ થશે

પ્રથમ તબક્કામાં રૂ. 350 કરોડના પ્રારંભિક રોકાણ સાથે આ રોકાણ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કરવામાં આવશે. દર બે વર્ષે મેન્યુફેક્ચરિંગ ક્ષમતા બમણી કરવાની યોજના સાથે પ્લાન્ટ તેના પ્રથમ તબક્કામાં 125 મેગાવોટની ક્ષમતા ધરાવશે તેવી ધારણા છે.

આખરે ચારથી પાંચ વર્ષમાં 1 ગીગાવોટ ક્ષમતા સુધી પહોંચવામાં આવશે. કંપની સાત મહિનામાં પ્લાન્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે અને તેની પાસે રૂ. 1,100 કરોડની ઓર્ડર બુક પહેલેથી જ છે, એમ અગ્રવાલે જણાવ્યું હતું. ગ્રીનઝો એનર્જીને આ પ્રોજેક્ટ માટે સાણંદ જીઆઇડીસી ખાતે 13,777 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાત તેના આગવા સ્થાનના લીધે રોકાણનું મહત્વનું કેન્દ્ર છે. ગુજરાતમાંથી દરિયાઈ નિકાસ ઝડપથી કરી શકાય છે. આ ઉપરાંત ગુજરાત સરકારની ઉદ્યોગલક્ષી નીતિના લીધે કોઈપણ ઉદ્યોગકાર રાજ્યમાં ઝડપથી ઉદ્યોગ સ્થાપી શકે છે. તેના લીધે બીજા રાજ્યોના ઉદ્યોગો પણ ગુજરાતમાં રોકામ કરવા આકર્ષાય છે. તેની સાથે ગુજરાતમાં ગામડાથી લઇને શહેર સુધી 24 કલાક વીજળી મળે છે. ગુજરાત પાવર સરપ્લસ સ્ટેટ છે. આવું બીજા રાજ્યોમાં ભાગ્યે જ જોવા મળે છે. બીજા રાજ્યોમાં હજી પણ લોડશેડિંગની સમસ્ય છે. તેના લીધે ગુજરાતમાં રોકાણ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.