દ્વારિકાધીશને હાલારી અને ઝાલાવાડી પાઘ અર્પણ

વાઘેલા વંશના પરાક્રમી સંઘજી દાદાની યાદમાં

યુવા અને સાંસ્કૃતિ વિભાગના સહાયક નિયામક ધર્મરાજસિંહ વાઘેલા દ્વારા પૂર્વજોની યાદમાં પાઘ ધરાવી

યદુવંશ દિવાકર ભગવાન કૃષ્ણચંદ્ર દ્વારિકાનાથને પાઘ, પાઘડી અર્પણ કરવાનો દિવ્ય અવસર પ્રાપ્ત થયો.  ખૂબ ઘણા સમયથી દ્વારિકાધીશને પાઘડી બાંધવાની મહેચ્છા હતી. તે માં કુળદેવી વાઘેશ્વરીના દિવ્યાશિષ અને ભગવાન શ્રીકૃષ્ણની ઈચ્છાથી સહ પરિવાર દ્વારિકા જઈને પાઘ, પાઘડી અર્પણ કરી ધન્યતા અનુભવી.  પ્રથમ પાઘ હાલારી/બરડાઈ પ્રકારની  અને બીજી આંટીયાળી પાઘડી ભાલ/ઝાલાવાડના દરબારો બાંધતા, બાંધે છે એ પ્રકારની છે, જે વાઘેલા વંશના પરાક્રમી શૂરવીર સંઘજી દાદા(સંઘજી કાવેઠીયા)ની યાદમાં અર્પણ કરી.

આ પાઘડી બાંધી ત્યારે મંદિરના પૂજારી  મહેશ્વરભાઈએ પૂર્ણ રાજપુતી પોશાકથી ક્ષત્રિયકુળ ગૌરવ શ્રી કૃષ્ણચંદ્રને શણગાર કર્યો, માથે છોગાળી આંટીયાળી પાઘડી, કલગી જેમાં મયુરપંખ,  અંગે અંગરખું, ભેટ, ઉપવસ્ત્ર, કંઠો, બાજુબંધ સહિત પૂર્ણ ક્ષત્રિયપોશાકથી શણગાર કર્યો.   મહાવીર સંઘજી દાદાએ 98 વર્ષની વયે દ્વારકાધીશ પાસે તલવાર માંગી સાણંદ અને ગાંગડ રાજ્યના સરખા ભાગ કરાવ્યા આ બહારવટા દરમિયાન ત્રાહિમામ વર્તાવ્યુ છતાં પાછાં દ્વારકા જઈ ને દ્વારકાધીશને દંડવત કરી પ્રભુએ આપેલ તલવાર પાછી આપી કહ્યું કે ” હે શ્યામ જો આમાં મારો રતીભાર સ્વાર્થ ન હોય તો હું દંડવત કરું પછી ઉભો ન થાઉં મારી આત્માને તમારાંમાં વિલીન કરી મને યોગ્ય ગતિ આપો”. ત્યારે એ જ મુજબ બન્યું અને સંઘજી દ્વારકાધીશની મૂર્તિમાં વિલીન થઈ ગયા હતા. અમારા પૂર્વજો કહેતા કે દ્વારકા જગતમંદિરના પ્રાંગણમાં સંઘજી દાદાનો પાળિયો પણ હતો.  દાદાના જીવન પર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રાસધારમાં ’સંઘજી કાવેઠીઓ’ રૂપે આ ભવ્ય ઈતિહાસને લોકવાર્તા રૂપે આલેખ્યો છે.  ભવ્યાતિભવ્ય પરાક્રમી ચરિત્ર દાદાનું હતું.  આ ગૌરવને દાદાના વંશજ તરીકે એમની સ્મરણાંજલિ રૂપે દ્વારિકાધીશને યુવા સાંસ્કૃતિક વિભાગના સહાયક  નિયામક ધર્મરાજસિંહ વાઘેલા દ્વારા પાઘ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી