Abtak Media Google News

રાષ્ટ્રીય શાળામાં સજીવન થશે ગાંધી વિચારધારા-ગાંધી યુગની સંવેદના

મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતીની પૂર્વ-સંધ્યા તથા ગાંધી-સર્વોદય મૂલ્યો-વિચારોને વરેલાં પીઢ ગાંધીવાદી, ખાદી-રચનાત્મક ક્ષેત્રનાં આગેવાન, આજીવન સમાજ-સેવિકા અને પૂર્વ-સાંસદ સ્વ. જયાબેન વજુભાઈ શાહની જન્મ શતાબ્દી અવસરે 01 ઑકટોબર-2022ને શનિવાર સાંજે 04 કલાકે રાજકોટ સ્થિત ઐતિહાસિક રાષ્ટ્રીયશાળા ખાતે ગાંધી વંદના – સ્વરાંજલિ તથા જેણે જીવી જાણ્યું – સ્મરણાંજલિ કાર્યક્ર્મ યોજાશે.

ગુજરાત રાજ્ય તેમજ કમિશ્રર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. 9825021279) સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરાયું છે. અગ્રગણ્ય ગાંધી-ખાદી-રચનાત્મક-સર્વોદય સંસ્થાઓ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, રાષ્ટ્રીયશાળા અને ગ્રામ સ્વરાજ મંડળનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. 03થી 07 માર્ચ 1939 દરમિયાન મહાત્મા ગાંધીએ રાષ્ટ્રીયશાળાની તપોભૂમિમાં ઉપવાસ કર્યા હતા. તેથી આ આયોજનનું સવિશેષ મહત્વ છે. મહાત્મા ગાંધીની જન્મ શતાબ્દીની ઊજવણી માટે ભારત સરકારે ત્યારે ગઠન કરેલી ઉચ્ચસ્તરીય કમિટીમાં સ્વ. જયાબેન શાહની નિયુક્તિ થઈ હતી જે ખાસ ઉલ્લેખનીય છે.

Untitled 24 Recovered

ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા, ગંગારામ વાઘેલા અને પંકજ ભટ્ટ (સંગીતકાર) રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતોની રમઝટ બોલાવશે. પ્રવીણભાઈ કનુભાઈ (પી. કે.) લહેરી આઈએએસ (ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ, સમાજ-સેવક, લેખક), દેવેન્દ્રકુમાર દેસાઈ (ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના પૂર્વ અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ), ડો. અનામિકભાઈ શાહ (ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક, વૈજ્ઞાનિક, શિક્ષણવિદ્) અને ડો. જયેન્દ્રસિંહ જાદવ (ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર, શિક્ષણવિદ્, લેખક) પ્રેરક વક્તવ્ય આપશે.

સવારે 10.30 કલાકથી રાષ્ટ્રીયશાળા ખાતે ગ્રંથાલય નિયામકની કચેરી, ગાંધીનગર અને મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરી, રાજકોટ દ્વારા સમગ્ર ગાંધી-મેઘાણી-સાહિત્યનું પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વ. જયાબેન અને સ્વ. વજુભાઈ શાહ દ્વારા લિખિત 11 જેટલાં પ્રેરક પુસ્તકોની ઈ-બુક સ્વરૂપે ડીજીટલ આવૃતિનું લોકાર્પણ કરવામાં આવશે. સ્વ. જયાબેન શાહ દ્વારા 1987માં લિખિત સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સૈનિકો અને લડતો પુસ્તકની નવીન આવૃત્તિ સહિત રૂ. 1370 મૂલ્યનો કુલ સાત પ્રેરક પુસ્તકોનો સેટ ગુજરાત રાજ્યની તમામ સરકારી પુસ્તકાલયોને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ (રાજકોટ) દ્વારા ભેટ આપવામાં આવશે.

સ્વરાંજલિ – સ્મરણાંજલિ કાર્યક્ર્મમાં સહુ ભાવિકોને પધારવા જાહેર નિમંત્રણ છે. ઈન્ટરનેટ પર જીવંત પ્રસારણ પણ માણી શકાશે.  ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લાગણીસભર ભાવાંજલિ આપતા લખે છે : પ્રેરણાત્મક જીવન અને ગાંધી-મૂલ્યો-વિચારોનાં એકનિષ્ઠ ભેખધારી સન્નારી, સમાજ-સેવિકા અને પૂર્વ સાંસદ સ્વ. જયાબેન શાહને અંતરતમ્ આદરાંજલિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.