Abtak Media Google News

પ્રથમ દિવસની રમતના અંતે ભારતનો સ્કોર ૨૧૫/૨: ટેસ્ટમાં પદાર્પણ કરનાર મયંક અગ્રવાલે આકર્ષક ૭૬ રન ફટકાર્યા: ચેતેશ્વર પુજારા ૬૮ અને સુકાની વિરાટ કોહલી ૪૭ રન સાથે રમતમાં

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી મેલબોર્નમાં શરૂ થયેલા ત્રીજા ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે ધીમી પરંતુ મકકમ બેટીંગ કરી હતી. પ્રથમ દિવસની રમતના અંતે ભારતે ૮૯ ઓવરમાં ૨ વિકેટના ભોગે ૨૧૫ રન બનાવી લીધા છે. ટેસ્ટમાં પદાર્પણ કરનાર ઓપનર મયંક અગ્રવાલે આકર્ષક ૭૬ રન ફટકાર્યા હતા. પ્રથમદિવસની રમતના અંતે ચેતેશ્વર પુજારા ૬૮ અને શુકાની વિરાટ કોહલી ૪૭ રન સાથે દાવમાં છે. ત્રીજા ટેસ્ટમાં ભારત જંગી જુમલા ભણી આગળ વધી રહ્યું છે. કાલે આક્રમક બેટીંગ કરી ભારત ૪૫૦થી વધુ રનનો જંગી જુમલો ખડકશે તો વિરાટ સેના ઓસ્ટ્રેલિયાને આસાનીથી ભીંસમાં લઈ શકશે.

Advertisement

બોકસીંગ ડે ટેસ્ટમાં ભારતના શુકાની વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. અગાઉ બે ટેસ્ટમાં સરેઆમ નિષ્ફળ ગયેલી ઓપનીંગ જોડીને આજે બહાર બેસાડી દેવામાં આવી હતી અને ભારતે ત્રીજા ટેસ્ટમાં નવી ઓપનીંગ જોડી તરીકે હનુમાન વિહારી અને મયંક અગ્રવાલને મેદાનમાં ઉતાર્યા હતા. બંને ઓપનરોએ ભારતને સારી શરૂઆત અપાવી હતી. વિહારી ૬૬ બોલમાં ૮ રન બનાવી આઉટ થયો હતો. પ્રથમ વિકેટ માટે ભારતે ૪૦ રન જોડયા હતા. પોતાની ક્રિકેટ કારકિર્દીનો પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા મયંક અગ્રવાલે ઓસ્ટ્રેલિયન બોલરોનો મકકમતાપૂર્વક સામનો કર્યો હતો અને ૧૬૧ બોલમાં આકર્ષક ૭૬ રન ફટકાર્યા હતા. અગ્રવાલ અને પુજારા વચ્ચે બીજી વિકેટ માટે ૮૩ રનની ભાગીદારી નોંધાઈ હતી. ૧૨૩ રનના સ્કોરે ભારતની બીજી વિકેટ મયંક અગ્રવાલના રૂપમાં પડયા બાદ ચેતેશ્વર પુજારા અને શુકાની વિરાટ કોહલીએ ભારતને વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. આ દરમિયાન ભારતની દિવાલ ગણાતા સૌરાષ્ટ્રના રન મશીન ચેતેશ્વરે પોતાની ટેસ્ટ કારકિર્દીની વધુ એક અડધી સદી ફટકારી હતી. મેલબોર્ન ટેસ્ટના પ્રથમ દિવસની રમતના અંતે ભારતે ૮૯ ઓવરમાં ૨ વિકેટ ભોગે ૨૧૫ રન બનાવી લીધા છે. ચેતેશ્વ ર પુજારા અને વિરાટ કોહલી વચ્ચે ત્રીજી વિકેટ માટે અણનમ ૯૨ રનની ભાગીદારી નોંધાઈ છે. પુજારા ૬૮ અને કોહલી ૪૭ રન સાથે દાવમાં છે. ત્રીજા ટેસ્ટમાં ભારતે ધીમી પરંતુ મકકમ બેટીંગ કરી પ્રથમ દિવસે મજબુતી હાંસલ કરી લીધી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.