Abtak Media Google News

પાકિસ્તાનના 4.5 કરોડ નાગરિકો ભારતની કોવિશિલ્ડ કોરોના વેકસીન લેશે

સતત નાપાક હરકત કરી ભારતની શાંતિ અને સુલેહને ભંગ કરવાનો બદઇરાદો ધરાવતા પાકિસ્તાનને હવે ભારત પાસે હાથ ફેલાવવાની ફરજ પડી છે. કોરોના મહામારીનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે તેનાથી પાકિસ્તાન પણ બચી શક્યું નથી. તેવા સમયે ચીનની પડખે ઊભેલું પાકિસ્તાનને ચીન પણ સહારો દેવા તૈયાર નથી. અગાઉ ચીને પાકિસ્તાનને ખાતરી આપી હતી કે, કોરોના વેક્સિન પાકિસ્તાનને આપશે પરંતુ સમય આવ્યે ચીને પણ હાથ ઉચા કરી દેતાં પાકિસ્તાન ભારત પાસેથી કોરોના વેક્સિન લેવા મજબૂર બન્યું છે. ત્યારે ભારતની વધુ એક જીત પાકિસ્તાન સામે નોંધાઈ છે તેવું કહી શકાય. પાકિસ્તાન ભારત પાસેથી 4.5 કરોડ કોવીશિલ્ડ કોરોનાનો વેકસીન લેશે તેવી સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.

Advertisement

ભારતે પાડોશી દેશ પાકિસ્તાનને કોરોના વાયરસની વેક્સીન આપવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનને 4.5 કરોડ  ડોઝ  દેવામાં આવશે. પાડોશી દેશ પાકિસ્તાનને વેક્સીન કરાર મુજબ આપવામાં આવશે. જે પાકિસ્તાન સાથે સપ્ટેમ્બર 2020માં કરાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનને સીરમ ઈન્સ્ટીટ્યૂટની વેક્સીન કોવિશીલ્ડ આપવામાં આવશે.

પાકિસ્તાનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા (એનએચએસ)ના સચિવ આમિર અશરફ ખ્વાજાએ લોક લેખા સમિતિ(પીએસી)ને જણાવ્યું કે દેશને ભારતમાં નિર્મિત કોરોનાની રસી આ જ મહિને મળશે. ખ્વાજાએ કહ્યું કે અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં 27.5 મિલિયન લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જેમાં ફ્રન્ટ લાઈન વર્કર અને વરિષ્ઠ નાગરિકો સામેલ છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને અત્યાર સુધીમાં ચાર રસી સિનોફ્રામ (ચીન), ઓક્સફોર્ડ- એસ્ટ્રાજેનેકા (બ્રિટન), સ્પૂતનિક-વી (રશિયા) અને કૈનસિનો બાયો (ચીન) ની નોંધણી કરાવી છે.

છેલ્લા કેટલાક દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં નરમાશ જોવા મળી છે. ભારત અને પાકિસ્તાને 25 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે, તેઓ જમ્મુ-કાશ્મીર અને અન્ય વિસ્તારોમાં નિયંત્રણ રેખા પરના તમામ યુદ્ધવિરામ કરારનું કડક પાલન કરવા માટે સહમત છે.

ઇસ્લામાબાદથી મળી રહેલા પાકિસ્તાની રિપોર્ટ મુજબ પાકિસ્તાને જાહેરાત કરી છે કે, ભારતમાં નિર્મિત ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકા કોરોના વેક્સિન ના 16 મિલિયન ડોઝ પાકિસ્તાન ભારત પાસેથી મફતમાં મેળવશે. જે પાકિસ્તાનની 20% પ્રજાને કોરોના સામે રક્ષણ આપવા માટે પૂરતી હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.