Abtak Media Google News

અબતક, રાજકોટ

આજના ભાગદોડ ભર્યા જીવનમાં ર્હૃદય હુમલો, મગજ હુમલો સામાન્ય બની ગયા હોય તેમ કેસ નોંધાઈ રહ્યા છે. એમાં પણ મગજ હુમલો અથવા બ્રેઇન સ્ટ્રોકએ અપંગતાનું મુખ્ય કારણ છે અને ભારતમાં મૃત્યુનું આ બીજું સૌથી અગ્રણી કારણ છે. બ્રેઈન સ્ટ્રોક, તેના લક્ષણો અને તે જાણી હોસ્પિટલમાં દોડી જવું કેટલું મહત્વપૂર્ણ છે..?? તે વિશે સામાન્ય લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે ૨૯મી ઓક્ટોબરના દિવસને વિશ્વ સ્ટ્રોક દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષની ઉજવણીમાં મગજને બચાવવા માટે સમયસર સારવારના મહત્વ પર ભાર આપવામાં આવ્યું છે. તમને એ જાણીને જ આ બ્રેઇન સ્ટ્રોક ખતરનાક લાગશે કે આ મગજનો એક ઝટકો ૧૯ લાખ કોષો ખાય જાય છે અને એ પણ એક મિનિટની અંદરમાં..!!

સ્ટ્રોક ઘણીવાર શરીરની એક બાજુ નિષ્ક્રિયતા અથવા ઓચિંતી નબળાઈ અથવા જોવામાં-બોલવામાં અચાનક મુશ્કેલી અને શરીરનું સંતુલન ગુમાવવાનું શ‚ થાય છે. સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે મગજમાં રક્ત પુરવઠો અવરોધાય છે અથવા જ્યારે રક્ત વાહિનીઓ ફાટી જાય છે અને મગજમાં રક્તસ્રાવ થાય છે, જેના કારણે મગજના કોષો મરી જાય છે.

માત્ર એક મિનિટમાં લાખો કોષોને નિષ્ક્રિય કરી દર્દીને અપંગ બનાવી શકે છે બ્રેઈન સ્ટ્રોક

બ્રેઈન સ્ટ્રોકની સારવારમાં પ્રથમ ૯૦ મિનીટ ખૂબ અગત્યની…!!

૮૦% થી વધુ તમામ સ્ટ્રોક ધમનીના અવરોધથી પરિણમે છે.  ઇસ્કેમિક સ્ટ્રોક,  હેમોરહેજિક સ્ટ્રોક રક્તસ્રાવને કારણે થાય છે જે ૨૦% કરતા ઓછું હોય છે. તે હકીકત છે કે સ્ટ્રોકની શ‚આત સાથે, દરેક પસાર થતી મિનિટે ૧.૯ મિલિયન મગજના કોષો નષ્ટ થાય છે. સ્ટ્રોકની સારવાર જ્યારે ગોલ્ડન ૯૦ મિનિટમાં કરવામાં આવે તો તે દર્દીઓના જીવનને નોંધપાત્ર રીતે બચાવી શકે છે અને આટલા માટે જ મગજ હુમલો આવ્યા પછીની દોઢ કલાક ખૂબ મહત્વની ગણાય છે.

સ્ટ્રોક અપંગતા લાવી શકે છે. કોષો જ મરી જાય તો શરીરનું સંતુલન કઈ રીતે શક્ય બને..?? આમ તે અપંગતા નોતરી શકે છે. ધૂમ્રપાન,ડાયાબિટીસ, હાયપરટેન્શન, બેઠાડુ જીવનશૈલી, સ્થૂળતા અને કસરતનો અભાવ એ મહત્વના પરિબળો છે જે સ્ટ્રોક તરફ દોરી જાય છે. આમ શારીરિક કસરતો, હલન ચલન અતિ આવશ્યક છે. સ્ટ્રોકની સારવાર માટે ઉપલબ્ધ બે મહત્વપૂર્ણ સંવેદનશીલ સારવાર છે.

એક- ઇન્ટ્રાવેનસ થ્રોમ્બોલિસિસ અને બીજુ- મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી. નસમાં થ્રોમ્બોલિસિસ ત્યારે જ આપી શકાય છે જો દર્દી પ્રારંભિક લક્ષણોની નોંધ લીધાના ૪.૫ કલાકની અંદર હોસ્પિટલમાં પહોંચે. જ્યારે મિકેનિકલ થ્રોમ્બેક્ટોમીએ એ સ્ટ્રોકવાળા દર્દીઓમાં કરવામાં આવે છે જેમને મગજની અંદરની મુખ્ય ધમનીઓમાંની એક બ્લોક હોય. આને ગંભીર સ્ટ્રોક કહેવાય છે. જેમાં સ્ટ્રોકની શ‚આતથી ૨૪ કલાક સુધી સારવાર આપી શકાય છે. જો સારવાર સફળ નીવડે તો જ દર્દીને બચાવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.