Abtak Media Google News

રહેણાંક હેતુની મિલકતને હાલ ૧૦ ટકા વળતર છે તે યથાવત રહેશે: કોમર્શિયલ મિલકતને ૨૦ ટકા વળતર આપવાનું બે-ચાર દિવસમાં શરૂ કરાશે

કોરોનાનાં કારણે દેશમાં બે માસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેના કારણે ઘણું આર્થિક નુકસાન લોકોએ વેઠવું પડયું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગત સપ્તાહે આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત ૧૪ હજાર કરોડનું પેેકેજ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં રહેણાંક હેતુની મિલકતને વેરામાં ૧૦ ટકા અને વાણિજય મિલકતનાં વેરામાં ૨૦ ટકા માફી આપવાની ઘોષણા કરવામાં આવી હતી પરંતુ રાજકોટમાં સીએમની વેરા માફી યોજનાનો લાભ માત્ર કોમર્શિયલ મિલકતોને મળશે. રહેણાંક હેતુની મિલકતોને વધારાનો એક પણ રૂપિયાનો લાભ મળશે નહીં.

કોર્પોરેશન દ્વારા દર વર્ષે એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓને નાણાકિય વર્ષના આરંભે જ વેરામાં ૧૦ ટકા વળતર આપવામાં આવે છે. મુખ્યમંત્રી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, ૩૧મી જુલાઈ સુધીમાં કરદાતા એડવાન્સ ટેકસ ભરી દેશે તો રહેણાંક હેતુની મિલકતને ૧૦ ટકા મુકિત અને વાણિજય હેતુની મિલકતને ૨૦ ટકા મુકિત આપવામાં આવશે. મહાપાલિકા દ્વારા ૧૦ ટકા મુકિત આપવામાં આવી રહી છે ત્યારે કોમર્શિયલ હેતુની મિલકતને વધારાની ૧૦ ટકાની માફી ચોકકસ મળશે પરંતુ આ યોજનાનો લાભ રાજકોટમાં રહેણાંક હેતુની મિલકતધારકોને મળશે નહીં. શહેરમાં આશરે ૩.૫૦ લાખ રહેણાંક હેતુની અને ૧ લાખ કોમર્શિયલ હેતુની મિલકતો આવેલી છે તેને દર વર્ષે વેરા વળતર યોજના અંતર્ગત આશરે ૨૫ કરોડનું વળતર આપવામાં આવે છે. હવે કોમર્શિયલ હેતુની મિલકતને વધારાનું ૧૦ ટકાનું વળતર આપવાનું થતું હોય કોર્પોરેશનની તિજોરી પર ૫ થી ૬ કરોડ રૂપિયાનો બોજ વધશે. વેરા વળતર યોજના બે માસથી ચાલી રહી છે જેમાં ૫૦ હજારથી વધુ કરદાતાઓએ વેરો ભરપાઈ પણ કરી દીધો છે.

આવા કિસ્સામાં વાણિજય હેતુની મિલકતોએ ૧૦ ટકા વળતરનો લાભ લીધો છે તેઓને વધારાનાં ૧૦ ટકા ક્રેડિટ આપી દેવામાં આવશે અને તેઓના ખાતામાં જમા કરી દેવામાં આવશે.

આગામી સપ્તાહે નવો સોફટવેર બનાવી મુખ્યમંત્રી વેરા માફી યોજનાનો લાભ આપવાનું શરૂ કરી દેવામાં આવશે. હાલ શહેરમાં આશરે ૧ લાખથી વધુ કરદાતાઓએ મહાપાલિકાની તિજોરીમાં રૂા.૫૨ કરોડ ઠાલવી દીધા છે. અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે, ૩૦મી જુન સુધીમાં વેરો ભરનારને ૧૦ ટકા અને મહિલાઓનાં નામે નોંધાયેલી મિલકતમાં ૧૫ ટકા રાહત આપવામાં આવશે. મુખ્યમંત્રીએ ૩૧મી જુલાઈ સુધીની મુદત આપી હોય કોર્પોરેશન દ્વારા એક મહિનો મુદત વધારવા અંગે પણ સતાવાર જાહેરાત કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.