Abtak Media Google News

અબતક, રાજકોટ : નવલખી બંદર મોરબીના ઉદ્યોગ માટે ખૂબ ફાયદાકારક બની શકે તેમ છે. છતાં આજ સુધી બંદર ઉપર કોઈ વિશેસ ધ્યાન ન અપાતા આ ફાયદાનો લાભ ઉઠાવી શકાતો ન હતો. પણ હવે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ આ વાત બરાબર રીતે જાણી ગઈ હોય તેને પોર્ટના વિકાસના દ્વાર મોકળા કરી નાખ્યા છે. તેને પોર્ટના આધુનિકીકરણની પર્યાવરણીય મંજૂરી રદ કરવા મનાઈ ફરમાવી દીધી છે.

પોર્ટના આધુનિકીકરણની પર્યાવરણીય મંજૂરી રદ કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે મનાઈ ફરમાવી દીધી

પોર્ટનો વિકાસ થશે તો સિરામિક અને કોલસા ઉદ્યોગનો પરિવહન ખર્ચ 50 ટકા જેટલો ઘટી જશે

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ગુજરાતમાં નવલખી બંદરના આધુનિકીકરણ માટે પર્યાવરણીય મંજૂરીને રદ કરવા ઉપર મનાઈ ફરમાવી દીધી છે. એનજીટીના ચેરપર્સન જસ્ટિસ આદર્શકુમાર ગોયલની અધ્યક્ષતા વાળી બેચે કહ્યું કે ભૂતકાળમાં ભલે નિયમોનું ઉલ્લંઘન થયું છે. પણ પર્યાવરણીય મંજૂરી દેવાનો નિર્ણય તમામ પાસાઓ ધ્યાને લઈને લેવામાં આવ્યો છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે કહ્યું કે નવલખી બંદર 1939થી અસ્તિત્વમાં છે. તેને પ્રોજેક્ટના પ્રસ્તાવ પૂર્વે પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાના આધાર ઉપર પર્યાવરણીય મંજૂરીના આદેશ ઉપર દખલ દઈ શકાતું નથી. એનજીટીના પર્યાવરણ સુરક્ષાના ઉપાયોની જરૂરિયાત ઉપર નજર રાખવા દિલ્હી હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ બી.સી. પટેલની અધ્યક્ષતામાં છ સદસ્યની સમિતિની રચના કરવામાં આવી છે. એનજીટીએ કહ્યું કે આ સમિતિ બીજા કોઈ નિષ્ણાંતની મદદ લેવા સ્વતંત્ર છે. ઉલ્લેખનીય છે કે 20 મે નવેમ્બર 2020 ના રોજ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા નવલખી બંદરના આધુનિકરણ માટે પર્યાવરણીય મંજૂરી (ઇસી) આપવાના પર્યાવરણ અને વન મંત્રાલયના હુકમ વિરુદ્ધ ગુજરાત નિવાસી રોશની બી પટેલ દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણી ટ્રિબ્યુનલે કરી હતી.

નવલખી બંદર હંસ્થલ ક્રીકમાં કચ્છના અખાતના દક્ષિણ-પશ્ચિમ છેડે આવેલું છે, અને તે મોરબીથી લગભગ 45 કિમી અને ગુજરાતમાં કંડલાથી 160 કિમી દૂર છે.રેકોર્ડ મુજબ, બંદર 1939 થી કાર્યરત છે, જેની હાલની ક્ષમતા વાર્ષિક 4 મિલિયન મેટ્રિક ટન (એમએમટીપીએ) છે અને તે વધારીને 20 એમએમટીપીએ કરવાની દરખાસ્ત છે.

ઉલ્લેખનીય છે કે જો નવલખી બંદરને ડેવલોપ કરવામાં આવે તો મોરબીના સિરામિક ઉદ્યોગ તેમજ ત્યાંના કોલસા ઉદ્યોગને મોટો ફાયદો થઈ શકે તેમ છે. આ બન્ને ઉદ્યોગનો પરિવહન ખર્ચ ઘટીને 50 ટકા થઈ શકે તેમ છે. તેવું જાણવા મળ્યું છે.

Nilesh Jetparia E1623734857586 નવલખી બંદરનું ડેવલોપમેન્ટ થશે તો સિરામિક ઉદ્યોગ વૈશ્વિક કક્ષાએ વધુ પાવરફૂલ બનશે: નિલેશ જેતપરિયા

સિરામિક એસો.ના પ્રમુખ નિલેશ જેતપરિયાએ જણાવ્યું કે હાલ નવલખી પોર્ટ ખાતેથી કોલસાનું પરિવહન થાય છે. ત્યાંથી હાલ સિરામિક ટાઇલ્સનું પરિવહન થતું નથી. સિરામિક ટાઇલ્સના ક્ધટેઇનર કંડલા કે મુંદ્રા પોર્ટ સુધી પહોંચાડવા માટે રૂ. 18 હજારનો ખર્ચ થાય છે. નવલખી બંદરે દરિયાની ઊંડાઈ વધુ ન હોય જેના કારણે મોટા શિપ ત્યાં આવી શકતા નથી. જો કે માત્ર નવલખી બંદરથી મુંદ્રા કે કંડલા સુધી ક્ધટેઇનરનું પરિવહન શક્ય બને તો પણ ક્ધટેઇનરના પરિવહન ખર્ચમાં 50 ટકા જેટલો ઘટાડો થઈ શકે છે. નવળખું બંદર મોરબીથી ખૂબ નજીક થતું હોય જો તેનો યોગ્ય વિકાસ થાય તો સિરામિક ઉદ્યોગને ઘણો ફાયદો થઈ શકે તેમ છે. નવલખી બંદરનો જો વિકાસ થશે તો સિરામિક ઉદ્યોગ વૈશ્વિક કક્ષાએ ચીન સામે વધુ મજબૂતાઈથી હરીફાઈ કરી શકશે.

192 કરોડના ખર્ચે જેટીને ડેવલપ કરવાનું કામ હજુ અધ્ધરતાલ

મુખ્યમંત્રીએ 24 નવેમ્બર 2019ના રોજ નવલખી બંદરે જેટી નિર્માણની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.  485 મીટરની અદ્યતન જેટીના બાંધકામથી નવલખી બંદરની વાર્ષિક કાર્ગો હેન્ડલિંગ કેપેસિટીમાં 12 MMTAનો વધારો થાય તેવા ઉદેશથી આ મંજૂરી અપાઇ હતી. ઉપરાંત ભારત સરકારના સાગરમાલા પ્રોજેકટ અંતર્ગત રૂ. 40 કરોડની સહાય નવલખી બંદરને અપાઈ હતી.બે વર્ષમાં આ પ્રોજેકટ પૂર્ણ કરવાનું આયોજન હતું.  પ્રવર્તમાન 6 રેક -પ્રતિદિનની ક્ષમતા વધારી 9 રેક કરવાની ભલામણ પણ કરાઈ હતી. પરંતુ નવલખી પોર્ટનું આ કામ હજુ અધ્ધરતાલ રહ્યું છે. જેને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.