Abtak Media Google News

સરકારે દડો સુપ્રીમ કોર્ટના મેદાનમાં નાખ્યો!

યે આગ કબ બુઝેગી… ભારતના અર્થતંત્રને ૫ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવા માટે કૃષિ અને કૃષિકારની આવક બમણી કરી કૃષિ ક્ષેત્રને સધ્ધર બનાવવાના મુખ્ય હેતુ સાથે સરકારે બનાવેલા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે સાત તબક્કાની બેઠકો કોઈપણ નિર્ણય વગર પૂરી થઈ ચૂકી છે ત્યારે આ કાયદો સરકાર અને ખેડૂતો માટે પ્રતિષ્ઠાનો વિષય બની રહી છે ત્યારે સરકારે કૃષિ કાયદાની મડાગાંઠનો દડો સુપ્રીમ કોર્ટના મેદાનમાં નાખી દીધો છે. કૃષિ કાયદો બદલી શકાય કે કેમ તે અંગે ચર્ચા-વિચારણા અંગે સરકારે કૃષિ કાયદાના વિરોધની પરિસ્થિતિ વચ્ચે આ કાયદો બદલાવીને જ આંદોલન સમેટવાની કિસાન સંગઠનોની હઠ સામે સરકારે સ્પષ્ટતા કરી દીધી છે કે, આ કાયદાઓ રદ્દ થાય તેમ જ નથી અને વાટાઘાટોમાં કોઈ નિર્ણય આવતો નથી તેને હવે પડતો મુકી દેવો જોઈએ.

લાંબા સમય સુધી ચાલેલા વિવાદ અને અનેક મંત્રણાઓ છતાં કાયદાના મુદ્દે કોઈ ઉકેલ આવ્યો નથી. સરકારે હવે આ મુદ્દો અને કૃષિ કાયદાનો દડો સુપ્રીમ કોર્ટના મેદાનમાં નાખવાનો વ્યુહ અપનાવ્યો હોય તેમ અદાલતને કૃષિ કાયદા અંગે પ્રતિભાવ આપવા માટે સરકારે વિનંતી કરી છે.

Meeting

કૃષિ કાયદાની મડાગાંઠ ઉકેલવા માટે બેઠકોનો દૌર ચાલી રહ્યો છે ત્યારે અદાલતની ભૂમિકાનો સરકારનો નિર્દેશ કૃષિ સંગઠનો માટે પણ આશ્ર્ચર્યની વિષય બન્યો છે. સરકારે એવી દલીલ કરી છે કે, કૃષિ કાયદામાં સુધારા અને વ્યાપક છુટછાટ સાથે મુસદ્દો તૈયાર છે પરંતુ આ કાયદો કોઈપણ સંજોગોમાં રદ નહીં થાય, તેનો સીધો અર્થ એ થાય કે હવે કિસાન સંગઠનોએ અંતિમ વિચારણા કરી લેવી જોઈએ કે તેઓ કેન્દ્ર સરકાર સાથે સમાધાનના મંચ પર આવશે કે સુપ્રીમ કોર્ટમાં જશે.

કૃષિ કાયદા મુદ્દે અગાઉ સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સમીતીની રચના કરવાનું સુચન કર્યું હતું. જેમાં પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાંથી જ નહીં પરંતુ દેશના અન્ય ભાગોના પ્રતિનિધિઓને પણ સમાવેશ કરવા જોઈએ. આ સમીતીમાં ૪૦ સંગઠનોની સંભાવના નથી પરંતુ તમામ વર્ગને આવરી લેવા જોઈએ. હવે પછી ૧૫મી જાન્યુઆરી બેઠક નક્કી કરવાનું નક્કી કર્યું છે.

મહિલા કિસાન અધિકાર મંચની કવિતા કુરુંગતિએ જણાવ્યું હતું કે, લોકશાહી માટે આ દુ:ખદ દિવસ છે. વાટાઘાટો વચ્ચે ચૂંટાયેલી સરકાર સુપ્રીમ કોર્ટનો આશરો લે અને કહે છે કે ચાલો આપણે કોર્ટમાં તેનો ઉકેલ લાવીએ. એક તરફ સંઘ સાથે કાયદા રદ્દ કરવાની વાતચીત થાય છે, બીજી તરફ આ મામલો અદાલતના શરણે લઈ જવામાં આવે છે. કાયદો બનાવવાનું કામ સરકારનું છે. સુપ્રીમ કોર્ટ તો માત્ર તેનું પાલન કરાવનારી સંસ્થા છે તેવા સંજોગોમાં સરકારે વિવાદનો આ દડો સુપ્રીમ કોર્ટના મેદાનમાં નાખી દીધો છે. બીજી તરફ સરકાર અને ખેડૂતો વચ્ચે શુક્રવારે આઠમાં તબક્કેની બેઠક પણ અનિર્ણાયક રહી છે. હવે નવી બેઠક પર તમામની મીટ મંડાયેલી છે. તેવા સંજોગોમાં સરકારે કોઈપણ સંજોગોમાં આ કાયદો રદ ન કરવા મન બનાવી લીધું છે ત્યારે કૃષિ કાયદાનો મુદ્દો જલ્દીથી ઉકેલાય તેવું દેખાતું નથી. સરકારે જો આ મામલો સમાધાનથી ન ઉકેલાય તો સુપ્રીમ કોર્ટની મધ્યસ્થિની વાત કરી છે પરંતુ મુદ્દાનો ઉકેલ આવવાનું જણાતું નથી. હવે આ મુદ્દાનો ઉકેલ ૧૫મી જાન્યુઆરીએ મળનારી બેઠક પર તમામની મીટ મંડાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.