Abtak Media Google News

જે લોકોએ રેગ્યુલર હપ્તા ભર્યા હોય તેમને પણ વ્યાજ વળતરની ભલામણ કરતું કેન્દ્ર

કહેવત છે કે, વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજને ઘોડા પણ ન આંબે… ભીડ અને જરૂરીયાતના સમયે દીધેલી લોનના છેલ્લા હપ્તા સુધી રહેતા તણાવ વચ્ચે જો માત્ર લોનના હપ્તાના વ્યાજમાં જ માફી મળી જાય તો અલૌકીક રાહતની અનુભૂતિ થાય છે. લોન અને જામીનની સ્થિતિ ખુબજ પીડાદાયી માનવામાં આવે છે. તેમાં પણ જો આર્થિક મંદી અને ધંધા-વ્યવહાર બંધ થઈ જાય તો લોન લેનાર અને જામીનને ધોળા દિવસે તારા દેખાઈ જાય છે. વર્તમાન લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે લોનધારકો માટે ખુબજ રાહતરૂપ નિર્ણયમાં સરકારે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી છે કે, લઘુ, મધ્યમ ઉદ્યોગો અને સ્વાયત કરજદારો અને નાની મોટી લોન લેનાર તમામને વ્યાજનું વ્યાજ માફ કરી દેવામાં આવશે.

સુપ્રીમ કોર્ટમાં સરકારે આપેલી માહિતીમાં સરકારે એવો નિર્ણય કર્યો છે કે, ૨ કરોડ રૂપિયા સુધીની મર્યાદાના વાહન, હોમલોન અને અન્ય જરૂરીયાત માટેની લોનના વ્યાજના વ્યાજમાં કોરોનાના સમયગાળાને ‘કુલીંગ પીરીયડ’ ગણીને વ્યાજના વ્યાજમાં માફી આપવાનું નક્કી કરાયું છે. છ મહિનાના આ કુલીંગ પીરીયડ દરમિયાન ચડત હપ્તાના વ્યાજના વ્યાજમાં માફીની આ જોગવાઈનો લાભ એવા લોન ધારકોને આપવામાં આવશે કે જેમણે આ સમયગાળા દરમિયાન માર્ચ થી ઓગષ્ટના કોરોના કટોકટીકાળ ‘કુલીંગ પીરીયડ’ દરમિયાન નિયમીત હપ્તા ભર્યા હોય.

સુપ્રીમ કોર્ટ સમક્ષ નાણા મંત્રાલયે રજૂ કરેલા એક સોગંદનામામાં જણાવાયું છે કે, સરકારે લોકોને રાહત થાય તે માટે ગ્રહસ્થો, નાના કરજદારો અને લોન લેનારાઓ માટે કુલીંગ પીરીયડ દરમિયાન વ્યાજના વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે.

સુક્ષ્મ, લઘુ, નાના લોન ઉપરાંત ૨ કરોડ સુધીની મર્યાદામાં એમએસએમઈ લોન, શૈક્ષણિક લોન, ગૃહ લોન, ચીજવસ્તુની ખરીદી માટેની લોન, ક્રેડીટ કાર્ડનું કરજ, ઓટો લોન, પર્સનલ લોન, વ્યવસાયીક લોન અને રાહત સહાયની લોન લેનારાઓને કુલીંગ પીરીયડ દરમિયાન વ્યાજના વ્યાજમાં રાહત આપવામાં આવશે.

આરબીઆઈએ લોન ધારકો માટે છ મહિનાનો કુલીંગ પીરીયડની રાહત માન્ય રાખી છે. પરંતુ બેંક અને ફાયનાન્સ કંપનીઓ આ સમયગાળા દરમિયાન પર વ્યાજ ચડાવી રહ્યાં છે. આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કુલીંગ પીરીયડ દરમિયાન વ્યાજ ન લેવાની તાકીદ કરી દેવામાં આવી છે. આ સાથે સાથે જે લોકોએ નિયમીત હપ્તા ભર્યા હોય તેમને પણ વ્યાજના વ્યાજની રાહતની યોજનામાં લાભાનવિધ કરવામાં આવશે. ૫૦૦૦ થી ૬૦૦૦ કરોડ અને ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ કરોડ વચ્ચેના ભંડોળથી સામાજિક કલ્યાણ જેવા આ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે ઓડિટર જનરલ રાજીવ મહર્ષીની અધ્યક્ષતાવાળા પંચની ભલામણથી આ નિર્ણય લીધો છે. ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, આર.એસ.રેડ્ડી, એમ.આર.શાહ સમક્ષ સરકારે સોગંદનામુ રજૂ કર્યું હતું.

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, તમામ પ્રકારના ધિરાણ ઉપર વ્યાજ માફી બોજ વધારનારૂ અને અશક્ય છે. ત્યારે કેટલાક નિશ્ર્ચિત માપદંડો સાથે વ્યાજની વ્યાજ માફી યોજના લાગુ કરવામાં આવી છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કુલીંગ પીરીયડ અંગે અગાઉથી જ ધારા-ધોરણો બનાવી રાખ્યા છે. મોટાભાગના લાભાર્થીઓને આ લાભ મળવો જોઈએ. સરકારે તમામ પ્રકારના કરજદારોને કુલીંગ પીરીયડમાં વ્યાજ માફી માટે ૬ લાખ કરોડથી વધુની જોગવાઈ કરી હોવાનું મંત્રાલયે જણાવ્યું હતું. જો બેંકો પર આ ભારણ નાખવામાં આવે તો મોટી અફરા-તફરી સર્જાય તેમ છે. એસબીઆઈ જેવી બેંકોને તેની સૌથી મોટી અસર થશે.

સરકાર દ્વારા કેટલાક પરિમાણોમાં ફેરફાર કરીને આ યોજના લાગુ કરવામાં આવશે. ૨ કરોડ સુધીની મર્યાદાની લોનમાં માર્ચ થી ઓગષ્ટ સુધી કુલીંગ પીરીયડ ગણવામાં આવ્યો છે. નાના ઉદ્યોગોની લોન, શૈક્ષણિક લોન, વાહન લોન, ક્રેડીટ કાર્ડનું કરજ, વ્યક્તિગત લોન ઉપરાંત જે લોકોએ નિયમીત હપ્તા ભર્યા હોય તેમને પણ વળતર આપવામાં આવશે. ૬ મહિના સુધીના કુલીંગ પીરીયડ દરમિયાન વ્યાજનું વ્યાજ અને ચક્રવૃતિ વ્યાજ માફ કરવામાં આવશે. જો કે હજુ આ હપ્તા કેવી રીતે સરભર કરવા તેની કોઈ સ્પષ્ટતા નથી. કેન્દ્ર સરકારે આ ભલામણોને રાજીવ મહર્ષી અધ્યક્ષતાવાળી બેઠકમાં આ અંગે મુસદો તૈયાર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.