Abtak Media Google News

ત્રિપલ તલાક એક સંવેદનશીલ મામલો: જેના પર સરકારે નિર્ણય ન લેવો જોઈએ: જનતાદળ

ત્રિપલ તલાક બીલને કાયદામાં રૂપાંતરિત કરવા મોદી સરકારે વટહુકમ લાવવાનો નિર્ણય લીધો છે જેને સંસદની મંજુરી પણ મળી ગઈ છે પરંતુ એનડીએના જ સાથી પક્ષ જેડીયુએ જ વિરોધ નોંધાવ્યો છે. ભાજપની જ સહયોગી પાર્ટી જનતાદળ તરફથી રાજયસભામાં સંસદીય દળના નેતા આરસીપી સિંહે મોદી સરકારના વટહુકમ પર અસહમતી દાખવી હતી અને કહ્યું કે, ત્રિપલ તલાક એક સંવેદનશીલ મામલો છે જેના પર સરકારે નિર્ણય લેવો જોઈએ નહીં.

આરસીપી સિંહે કહ્યું કે, જનતાદળનું સ્પષ્ટ માનવું છે કે, ત્રિપલ તલાકના મુદ્દે નિર્ણય કરવાનો હકક માત્ર મુસ્લિમ સમાજનો જ છે. કેન્દ્ર સરકારે નિર્ણય લેવાને બદલે તેને મુસ્લિમ સમાજ પર છોડી દેવું જોઈએ જેડીયુના નેતાએ વધુમાં જણાવતા કહ્યું કે, વટહુકમને માત્ર સંસદની મંજુરી મળી છે તે હજુ કાયદો બન્યો નથી અને જયારે કાયદો બનશે ત્યારે જેડીયુ પોતાનો મત જાહેરમાં રાખશે. બિહારના સીએમ નિતીશકુમાર પણ ત્રિપલ તલાકના વટહુકમના વિરોધમાં હોય તેવું જણાઈ રહ્યું છે. કારણકે આરસીપીના નિવેદન પાછળ નિતીશકુમારની ભાવના જ મનાઈ રહી છે.

જણાવી દઈએ કે, ૨૦૧૭માં ત્રિપલ તલાકને ગુનો ગણાવતા બીલને લોકસભામાં પસાર કરાયું હતું. જયાં પાસ થઈ ગયા બાદ બીલ રાજયસભામાં અટવાયું હતું અને વિપક્ષોના વિરોધના કારણે પસાર થઈ શકયુ ન હતું પરંતુ આ બીલને કાયદો બનાવવા મોદી સરકારે વટહુકમ બહાર પાડયો છે. આગામી ૬ માસમાં કાયદો બની જશે જે અનુસાર ત્રિપલ તલાક લેનાર પતિને ત્રણ વર્ષ સુધીની જેલની સજા થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.