Abtak Media Google News

૪૩.૪ ડિગ્રી સાથે ગુરુવારે સુરેન્દ્રનગર રહ્યું રાજયનું સૌથી ગરમ શહેર: અમરેલી ૪૩.૩ ડિગ્રી, રાજકોટ અને ભુજ ૪૨.૮ ડિગ્રી સાથે અગનગોળામાં ફેરવાયા

રાજયભરમાં કાળઝાળ ગરમીએ હાહાકાર મચાવ્યો છે. એપ્રીલમાં જે રીતે આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે તેનાથી જનજીવન ત્રાહિમામ પોકારી ગયું છે. રાજકોટ સહિત રાજયના અનેક શહેરોમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે મહતમ તાપમાનનો પારો ૪૩ ડિગ્રીથી ઉપર રહેશે. બપોરના સમયે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળવા પણ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ હજી ગરમીથી રાહત મળે તેવા કોઈ જ સંકેત દેખાતા નથી. ગઈકાલે ૪૩.૪ ડિગ્રી સેલ્શીયસ તાપમાન સાથે સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર રાજયનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું તો રાજકોટમાં પણ તાપમાનનો પારો ૪૨.૮ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બુધવારે રાજકોટ ૪૩.૩ ડિગ્રી સેલ્શીયસ સાથે રાજયનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જેના પગલે ગુરુવારે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. આજે પણ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા શહેરમાં ઓરેન્જ એલર્ટ યથાવત હોવાનું જણાવવામાં આવ્યું છે. શહેરમાં ગઈકાલે મહતમ તાપમાન ૪૨.૮ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.

મહાપાલિકાએ અલગ-અલગ વિસ્તારોમાં મુકેલા સેન્સરમાં કાલે બપોરે ત્રિકોણબાગ અને ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર થઈ ગયો હોવાનું પણ નોંધાયું હતું. આજે પણ શહેરમાં ઓરેન્જ એલર્ટ યથાવત હોય બપોરના સુમારે પારો ૪૩ ડિગ્રીથી ઉપર રહે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. સામાન્ય રીતે જયારે તાપમાન ૪૧ થી ૪૩ ડિગ્રી વચ્ચે નોંધાતું હોય છે ત્યારે યેલો એલર્ટ, ૪૩ થી ૪૫ ડિગ્રી વચ્ચે રહેતું હોય છે ત્યારે ઓરેન્જ એલર્ટ અને ૪૫ ડિગ્રી ઉપર તાપમાનનો પારો જાય ત્યારે રેડ એલર્ટ આપવામાં આવતું હોય છે. ચાલુ સાલ ઉનાળાના આરંભે ગરમીનો પ્રકોપ શ‚ થયો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં રાજયભરમાં રેડ એલર્ટ આપવામાં આવશે.

શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય બપોરના સુમારે લોકોને અગત્યના કામ સિવાય ઘરની બહાર ન નિકળવા પણ તાકીદ કરવામાં આવી છે.

સનસ્ટોકથી બચવા માટે શકય તેટલું પાણી પીવાની પણ સલાહ આપવામાં આવી છે. ગઈકાલે ગુરુવારે સુરેન્દ્રનગરનું મહતમ તાપમાન ૪૩.૪ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. અમરેલીનું તાપમાન ૪૩.૨ ડિગ્રી, રાજકોટ તથા ભુજનું તાપમાન ૪૨.૮ ડિગ્રી, કંડલાનું તાપમાન ૪૩.૨ ડિગ્રી, ભાવનગરનું તાપમાન ૪૦.૧ ડિગ્રી અને જામનગરનું તાપમાન ૩૯ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. છેલ્લા બે સપ્તાહથી ગરમીના પ્રકોપના કારણે લોકો રીતસર આકુળ-વ્યાકુળ થઈ ગયા છે. કાળઝાળ ગરમીમાં ઝાડા-ઉલ્ટી અને બેભાન થવાના કેસોમાં પણ વધારો નોંધાયો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.