Abtak Media Google News

સ્વચ્છ ભારત મીશન(ગ્રામીણ) અંતર્ગત સ્વચ્છતા દર્પણના ત્રીજા તબકકામાં સર્વેક્ષણમાં જામનગર જિલ્લાનો અગ્રતા ક્રમ આવે તે માટે જિલ્લાના ૪૧૪ ગામડામાં ૨૦ દિવસમાં પૂર્ણ થાય તે રીતે સામૂહીક શૌચાલયના નિર્માણનું આયોજન કરવા અને નિર્માણ બાદ જીઓટેગીંગ કરવા રાજયના ગ્રામ વિકાસ કમિશ્નરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને પાઠવેલા પરિપત્રથી ભારે આશ્ચર્ય સર્જાયું છે તો કર્મચારીઓમાં પણ ટૂંકી સમયમર્યાદામાં એક સાથે ત્રણ ત્રણ કામનો પરિપત્ર ચર્ચા સાથે ટીકાસ્પદ બન્યો છે. ૧ જુલાઇના પાઠવેલા પરિપત્રમાં જિલ્લાના દરેક ગામમાં ૮ દિવસમાં હાઉસ હોલ્ડ વેલ્થ સોકપીટ અને કમ્પોસ્ટ પીટ બનાવવાની પણ સૂચના આપી છે. ગ્રામ વિકાસ કમિશ્નરના પરિપત્રના પગલે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ઉંધા માથે કામગીરીમાં લાગી છે.આમ છતાં અત્યાર સુધીમાં મહામહેનતે અડધી કામગીરી પૂર્ણ થઇ છે.

સ્વચ્છતા દર્પણના ત્રીજા તબકકામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દરેક ગામ દીઠ એક હાઉસ હોલ્ડ શોકપીટ બનાવાનું પરિપત્રમાં જણાવાયું છે.ઘરના કપડા,વાસણ,ન્હાવાના પાણીના નિકાલ માટે હાઉસ હોલ્ડ શોકપીટ બનાવામાં આવે છે.જેમાં ત્રણ ચેમ્બર બનાવામાં આવશે.જેમાં પ્રથમ ચેમ્બરમાં પાણી ગયા બાદ બીજી ચેમ્બરમાં જશે.જેમાં રેતી,કપચી,માટી સહીતની વસ્તુ હોય પાણી ફીલ્ટર થઇ ત્રીજી ચેમ્બરમાં જશે.આ ફીલ્ટર પાણીનો ઉપયોગ કીચન ગાર્ડનમાં તથા અન્ય વૃક્ષોને પાણી આપવામાં થઇ શકશે.

જિલ્લાના દરેક ગામ દીઠ કમ્પોસ્ટ પીટ બનાવવાની સૂચના પણ ડીઆરડીએને આપવામાં આવી છે.જેના દ્વારા કાચ અને પ્લાસ્ટીક સિવાયનો કચરો જેવો કે છાણ,માટી,પાંદડા,કાગળનો નિકાલ કરવામાં આવશે.કમ્પોસ્ટ પીટમાં વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ કરવામાં આવતા તેમાંથી બનેલું ખાતર ખેડૂતોને આપવામાં આવે છે.એકથી વધુ ખેડૂત હોય તો ખાતર હરરાજીથી આપવામાં આવે છે.

રાજયના ગ્રામ વિકાસ કમિશ્નરે જામનગર જિલ્લાના દરેક ગામમાં ૨૦ દિવસમાં પૂર્ણ થાય તે રીતે સામૂહીક શૌચાલયનું આયોજન કરવા અને ૮ દિવસમાં કમ્પોસ્ટ પીટ અને શોકપીટ બનાવવા ૧ જુલાઇના પરિપત્ર પાઠવ્યો છે.જેની સામે ૨૭ જુલાઇ સુધીમાં જિલ્લામાં ૩૦૦ કમ્પોસ્ટ પીટ,૧૫૦ જેટલી શોકપીટના કામ પૂર્ણ થયાનું જયારે ૧૩૯ સામૂહીક શૌચાલયના કામ પ્રગતિમાં હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.