સ્ટોર્મ વોટર ડ્રેઈનનો સર્વે-વોંકળા પરના દબાણો દૂર કરવા આદેશ

સ્ટોર્મ વોટર ડ્રેઈનનો સર્વે ત્રણ દિવસમાં પુરો કરી વિગતો રજૂ કરવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની સુચના નવી ટીપી સ્કીમ બનાવતી વખતે વોંકળાના કુદરતી વહેણના ભાગમાં રસ્તાઓ ન મુકવા તાકીદ

ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ વરસે ત્યારે સ્માર્ટ સિટી રાજકોટ જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જવા પામે છે. વરસાદી પાણીનો ત્વરીત નિકાલ થાય તે માટે હયાત સ્ટોર્મ વોટર ડ્રેઈન અને ભવિષ્યની જરૂરીયાતને ચકાસવા માટે સર્વે કરવા સંબંધીત વિભાગને સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. સાથે સાથે વોંકળા પર ખડકાયેલા દબાણો હટાવી દેવા સુચના આપી દેવામાં આવી છે. નવી ટીપી સ્કીમ બનાવતી વેળાએ વોંકળાના કુદરતી વહેણના ભાગમાં રસ્તા ન મુકાય તેની તાકીદ કરવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં શહેરમાં ભારે વરસાદથી રસ્તામાં પાણી ભરાવાના કારણે ઉભી થયેલી સમસ્યા અને ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા ન ઉદ્ભવે તે માટે ત્રણેય ઝોનમાં ઈજનેરોને જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા એક વર્ષમાં ક્યાં-ક્યાં વિસ્તારોમાં સ્ટોર્મ વોટર ડ્રેઈનની કામગીરીમાં આવી છે અને હાલ ક્યાં વિસ્તારમાં ક્યાં કામગીરી ચાલુ છે અને ભવિષ્યમાં સ્ટોર્મ વોટર ડ્રેઈન બનાવવાની જરૂર છે તેનો સર્વે કરવાની સુચના આપી દેવામાં આવી છે.

આટલું જ નહીં સર્વેની વિગતો ત્રણ દિવસમાં રજૂ કરવા તાકીદ કરાઈ છે. તેઓએ ઉમેર્યું હતું કે, ભારે વરસાદમાં મહાપાલિકા દ્વારા જ્યાં સ્ટોર્મ વોટર ડ્રેઈન ફીટ કરવામાં આવી છે ત્યાં વરસાદી પાણીનો ઝડપી નિકાલ થતો હોવાનું માલુમ પડ્યું છે. ભવિષ્યને ધ્યાનમાં રાખી હવે તમામ વિસ્તારોમાં જ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વધુ છે ત્યાં સ્ટોર્મ વોટર ડ્રેઈન નાખવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ટાઉન પ્લાનીંગ ઓફિસરને તાકીદ કરવામાં આવી છે કે શહેરમાં આવેલ તમામ વોકળાની પહોળાઈ કેટલી છે અને વોકળા પરના દબાણો દૂર કરી વોટર વે ક્લીયર કરાવવો જેથી વોકળામાં વરસાદી પાણીના નિકાલમાં કોઈ સમસ્યા ઉભી ન થાય. તમામ દબાણો દૂર થયા બાદ વોંકળાઓને પાકા કરવાની કામગીરી પણ હાથ પર લેવામાં આવશે. સાથે સાથે હવે ભવિષ્યમાં કોર્પોરેશન દ્વારા નવી કોઈ ટીપી સ્કીમ બનાવવામાં આવે તો વોંકળા કે વરસાદી પાણીના કુદરતી વહેણના ભાગમાં રસ્તાઓ ન મુકાય તેની પણ તકેદારી રાખવામાં તાકીદ કરવામાં આવી છે. સ્ટોર્મ વોટર ડ્રેઈનનો સર્વે કરી શનિવાર સુધીમાં રીપોર્ટ આપી દેવા જણાવવામાં આવ્યું છે.