Abtak Media Google News

ઊગતિ પેઢીના ભાવિની સરિયામ ઉપેક્ષા ભારે પડવાનું ઉપસતું ચિત્ર: નવી ચૂંટણીમાં રાજકારણીઓને જાકારો આપવા ઉમદા નાગરિકોનું સંગઠન ઊભું થાય અને સક્રિય બને તે અનિવાર્ય!

આપણો દેશ આઝાદી માટેના સંગ્રામમાં રચ્યો પચ્યો હતો તે વખતે એવું મનાતું હતું, વિચારાતું હતું અને સરેઆમ કહેવાતું હતું કે આપણા દેશના નરનારીઓ સ્વરાજયનું સાચું સુખ પામશે અને ‘રામ રાજય’ સર્જવાના લક્ષ્ય ભણી આગેકદમ માંડશે… સહુ એક સંપે સાથે મળીને ઉદ્યમ પરિશ્રમ કરશે અને નાના મોટા બધા જ હળી મળીને પરમ સુખનો ભોગવટો કરશે.

પ્રજાના પ્રતિનિધિઓ તરીકે નેતાઓ, આગેવાનો ખેતીને સમૃઘ્ધ કરવાના ઉપાયો કરશે, પ્રત્યેક ગામ ગૃહઉદ્યોગો, કુટિર ઉદ્યોગો અને નાના નાનાં ઉદ્યોગોથી ધમધમશે અને શહેરનાં સ્વરુપ પામશે, અને શહેરો  મોટા મોટા ઉદ્યોગો, કારખાનાઓ, તકનીકી, યાંત્રિક મશીનરીઓ, રાષ્ટ્રના યુગલક્ષી નિર્માણની પ્રવૃતિઓથી ધમધમતા મહાનગરો બરીને વિશ્ર્વના સુવિકસિત મહાનગરોની હરોળમાં ઊભા રહેશે.

મહાત્મા ગાંધી આપણા દેશને અને તમામ દેશવાસીઓને સ્વાવલંબી બનાવવાના પ્રખર હિમાવતી હતા. આપણા દેશમાં મજબુત અને પ્રબળ લોકતંત્ર પ્રસ્થાપવાની તેમની તથા તેમના ગાંધીવાદી સાથીઓની નેમ હતી. દેશની માનવસંપતિ, માનવ સંસાધનનો ઉપયોગ કરવાનો એમનો ઇરાદો હતો. ચરખો અને ગ્રામોદ્યોગ દ્વારા રાષ્ટ્રના નવ નિર્માણની એમની સંકલ્પના હતી.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 3

પરંતુ, આઝાદી સાંપડયા પછીની રાજકીય ગતિવિધિઓ એમાં અવરોધરુપ બની. ભાષાવાર પ્રાન્તો રચવાની નીનિરીતીએ આ દેશને બૂરી રીતે  વિભાજીત કર્યો. જળ અને સ્થળ, એમ બન્ને રીતે ખેંચતાણ અને તકરારો થયા. સાંપ્રદાયિક માનસિકતાએ પણ એમાં હીન સ્તરની બૂરી ભૂમિકા ભજવી… ભારતીય સંસ્કૃતિ ભારતીય સભ્યતા અને ભારતીય સંસ્કાર ઉપર વજ્રઘાત થતા રહ્યાં.

શૈક્ષણિક ક્ષેત્રે કેળવણી ક્ષેત્ર વિપરીત પ્રહારોથી બાકાત રહી શકયા નહિ…. સમગ્ર માનવ સંસાધન ક્ષેત્ર રોળાઇ-ટોળાઇ ગયું.

ભારતમાં રહેતા તમામ લોકોનું સાચા અર્થમાં ભારતીયકરણ (ઇન્ડીઅનાઇઝેશન) થવું જોઇતું હતું તે ન થયું અને છિન્ન વિછિન્નતા વધતાં વધતાં આજે છે એમ ચરમસીમાએ પહોંચી ગઇ…

આ બધાં વચ્ચે આપણા દેશને સૌથી જીવલેણ માર તો રાજકારણનાં અપરાધિકરણ અને લોકશાહી પ્રજાતંત્ર ઉપર રાજગાદીની લાલસામાં થતા રહેલા આંધળુ ક્રિયા પ્રહારોનો જ પડયો… એને કારણે જ આ દેશના આત્માસમી સંસ્કૃતિ નામશેષ થઇ અને વેદવાણીઓ હાંસ થયો…

દોઢસો વર્ષની કારતી ગુલામી સહન કરી ચૂકેલી પ્રજાને જયારે  ‘લોકશાહી શાસન’ પ્રદાન કરવામાં આવ્યું તે વખતે આ દેશના ઘણા ખરા અબૂઝ નરનારીઓનેે જેમાં સાધુ-સંન્યાસીએની પણ નોંધ પાત્ર સંખ્યા હતી અને કરોડો નિરક્ષર તથા ભલાભોળા ગ્રામ્યજનોની સંખ્યા હતી તે બધાને સર્વ પ્રથમ લોકશાહી શાસનના પાઠ ભણાવવા જોઇતા હતા અને તેને લગતું શિક્ષણ આપવું જોઇતું હતું તે ચૂકાઇ ગયું, કદાચ એ કારણે જ અત્યારે આપણા દેશમાં લોકશાહી ચીંથરે હાલ અને કદરુપી બની ગઇ છે….

રાજકીય મતિભ્રષ્ટતા અને દેશભકિતના સ્થાને રાજગાદીની તથા નાણાના ભંડાર ખડકાવાની હીન ગપતિવિધિઓની સ્તુતિ થઇ રહી છે… હવે પરમેશ્ર્વરનો ઉપયોગ પૂજા-અર્ચના અને પ્રાર્થના માટે કરવાને બદલે એને વેચીને નીજી લાભ મેળવવા માટે થઇ રહ્યો છે.

ટોચના રાજનેતાઓ જે ભાગ્યે જ કોઇ મંદિર, ધર્માલય કે જ્ઞાતિ સંમેલનોમાં ડોકાતા  હતા તેમની લકઝુરિયર્સ મોટર ગાડીઓ એમના રસાલા સાથે પાટનગરથી આવા સ્થાનોએ દોડા દોડ કરતાં થાકતા નથી.

આ બધી રીતે ડહોળાયેલા અને શાપિત બનેલા રાજકારણને કારણે આપણા રાજનેતાઓનું તથા શાસનકર્તાઓનું લક્ષ્ય ભોળાભલા લોકોને ભરમાવવા તરફ જ રહે છે.

અભ્યાસીઓનું કહેવું છે કે અત્યારે આપણા નગરો અને શહેરો મોટા થતાં ગયા છે. પણ સંસ્કાર, સંસ્કૃતિ, સલામતિ અને આપણા ભારતની શોભા સમી સભ્યતામાં ખોટાં અને ખોખલાં થતાં રહ્યા છે.

તેઓ એટલે સુધી કહે છે કે, ‘અંધેરી નગરી, ગંડી રાજા’જેવો ઘાટ આવી પડે તો નવાઇ નહીં !

આપણા સમાજના અને આપણા દેશના વર્તમાન સ્થિતિ સંજોગોનું પૃથકરણ કરતાં એવું લાગે જ છે કે આપણે ત્યા ઊગતિ પેઢીના ભાવિ અંગે ગંભીર પણે અને બિનરાજકીય રીતે વિચારાતું જ નથી. એની સરિયામ ઉપેક્ષા  થઇ રહી છે, અને તે ભારે પડવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

નવી હવે પછીની ચૂંટણીઓમાં ખાસ કરીને સ્થાનીક સ્વરાજયની (મ્યુનિ. કોર્પોરેટનની) ચુંટણીમાં મતિભ્રષ્ટ અને માત્ર રાજકીય તથા નિજી લાભાલાભની રીતે જ વર્તેલા રાજકારણીઓને જાકારો આપવા ઉમદા અને ભદ્ર નગરજનો નાગરીકોનું શહેર વ્યાપી સંગઠન ઊભું થાય તેમજ સમયસર સક્રિય બને એ પોતાના સંતાનોનાં હિત માટે અનિવાર્ય ગણાશે. બિન રાજકીય અને વગદાર નાગરીક સમીતી રચીને પ્રજા સમક્ષ જવાનો પ્રયોગ રાજકોટ શહેરમાં થઇ ચૂકયો છે. શ્રી પુરાતન બુચે આવી સમિતિની રચના અને લડતના નગારે ઘા કર્યો હતો. તેઓ કોઇ પક્ષના નહોતા. તેમનો આવો પ્રયોગ સફળ બન્યો હતો. આખા ગુજરાતના શહેરો માટે પણ આવો પ્રયોગ ફળદાયી બની શકે, એવો આખા ગુજરાતનો મત હોઇ શકે, શ્રી પુરાતન બુચ જેવા આગેવાનો આગળ આવે એ આજનો તકાજો છે ક્રાંતિ અનિવાર્ય છે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.