Abtak Media Google News

આપણા ઋષિમૂનિઓ અને વેદવાણી કહે છે કે, કૂદરત ત્રૂઠે છે ત્યારે અમૃતની પ્યાલીઓ પીરસે છે અને કુદરત રૂઠે છે ત્યારે ઝેરના કટોરા ઠાલવે છે; કોરોના એવો જ નિર્દેશ કરે છે કે, કુદરત રૂઠી છે અને તે કાળઝાળ સ્વરૂપે કોપાયમાન થઈ છે

અભ્યાસીઓ કહે છે કે હમણા હમણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પર્યાવરણ ગોટે ચડયા છે હવામાનની સ્થિતિ ગતિઓ અચાનક કથળ્યા છે. રાજકીય પ્રવાહોમાં પણ અત્યંત વરવી ઉથલપાથલ છે.. કાળમુખા કોરોનાને રૂઠેલી કુદરતે જ મોકલ્યો હોવાનું કહી શકાય તેમ છે ! એણે દાંત કચકચાવ્યા છે. હજારો લાશો ઢળી ચૂકી છે… હવે શું ? આ સવાલ સવા લાખનો બની જાય છે !

મીરાબાઈએ એમના જીવનની અતિ આકરી કસોટી વખતે એવા શબ્દો ઉચ્ચાર્યા હતા.કે, ‘રાણોજી રૂઠશે તો બહુમાં બહુ ‘મેવાડ’ છોડાવશે, પણ પ્રભુજી રૂઠશે તો કયાં જાશું ?…

Advertisement

આપણા દેશની સામે અત્યારે જાગેલા સવા લાખનો સવાલ મીરાબાઈની સામે આવી પડેલી આપત્તિ વખતે જાગેલી મુંઝવણનાં જેવી જ છે… કાંતો આપણા દેશને સંસ્કૃતિ વિહીન અને આંતરિક રીતે છિન્નભિન્ન થવા દેવો, અથવા તો રૂઠેલ કુદરતને ગમે તેમ કરીને મનાવવી!… ગોટે ચડાવેલા રાષ્ટ્રીય આંતર રાષ્ટ્રીય પર્યાવરણ પૂન: ઠીક ઠીક કરી લેવા કથળેલી હવામાન-આબોહવાની સ્થિતિગતિને પૂન: મૂળભૂત ચેતના બક્ષવાના પશ્ર્ચાતાપભીના ઉપાયો આપણા દેશની સાથે કૃષ્ણદિવાની તરીકે સદીઓથી સંકળાયેલા મીરાબાઈની તેમના દેશકાળમાં તે વખતની દુનિયાદારીએ આકરી કસોટી કરી હતી. મીરાબાઈની મુંઝવણ વખતે પણ સવાલાખનો સવાલ પેદા થયો હતો. એના જવાબમાં મીરાબાઈએ કહ્યું હતુ કે, જો રાણોજી રૂઠે તો બહુમાં બહુ મેવાડ છોડાવે, પણ જો પ્રભુજી રૂઠે તો કયાં જાવું?

આપણા દેશની સામે અત્યારે જાગેલા સવા લાખના સવાલનો જવાબ એવું જ સૂચવે છે કે, આપણે કાંતો આપણા દેશને સંસ્કૃતિવિહીન થવા દેવો, અથવા તો રૂઠેલી કુદરતને મનાવવી ! એનો અર્થ એજ કે, ગોટે ચડાવાયેલા રાષ્ટ્રીય -આંતરરાષ્ટ્રીય પર્યાવરણને પૂન: સમેસુતર કરી લેવા સંપૂર્ણ પ્રદુષણ મૂકત કરી નાખવા, કથળેલા હવામાનની સ્થિતિ ગતિને પૂન: મૂળભૂત ચેતના તથા તેજસ્તિવા બક્ષવા અને એને પશ્ર્ચાતાપભીની ખાતરી આપવી.

કુદરતને પાપાચાર કરી કયારેય નહિ આચરવાનો વિશ્ર્વાસ આપવો અને આ પૃથ્વીનાં સારાં તેમજ સાચાં સંતાન બની રહેવાની પ્રતિજ્ઞા કરવી.

કાળમૂખો કોરોનાએ તે આતંકીઓનાં કુળનો હોવાની અને નિર્દય તેમજ ક્રુરમાં ક્રુર પ્રકૃતિના દૈત્યસમો હોવાન પ્રતીતિ કરાવી છે.

દ્રોણપુત્ર અશ્ર્વત્થામાએ મહાભારતનાં રણક્ષેત્ર કુરૂક્ષેત્રમાં યુધ્ધનીતિના નિયમનો દ્રોહ કરીને નિરાંતે સૂતેલા અને યુધ્ધમાં હણાતાં બચી ગયેલા નિર્દોષ સંતાનોને, તેઓ ભરઉંઘમાં સૂતા હતા. ત્યારે છૂપી રીતે તેમની છાવણીમાં જઈને કત્લેઆમના સ્વરૂપે રહેસી નાખ્યા હતા એ રીતે કાળમૂખો કોરોના માનવજાત ઉપર ત્રાટકયો છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ જંગી રકમ ફાળવી છે. ભારતમાં એનો ‘માનવ ગંધાય, માણસ ખાઉં’ના રાક્ષસી હાકોટા ધરાવતો પગપેસારો થઈ ચૂકયો છે. અને ‘એલર્ટ’ આદેશો વચ્ચે સહુએ સલામત-સુરક્ષીત રહેવાનું છે.

ગમે તેવા જીવતા બોમ્બને ખોટા કરી શકાય છે. બે અસર કરી શકાય છે, પણ ‘કોરોના’ને બેઅસર કરી દેવાના ઉપાયનું સચોટ સંશોધનો હજુ પ્રયોગોના જ તબકકામાં રહ્યા છે.

આપણા દેશની કમનશીબી છે કે, મતિભ્રષ્ટતાને કારણે અને લાંચરૂશ્ર્વત, ભ્રષ્ટાચાર, કૌભાંડો, પ્રપંચો, નિમકહરામી, પાખંડો, છેતરપીંડીઓ, ઠગાઈઓ, દગાબાજીઓ, અને લગીરે પ્રમાણિક પણે નહિ પળાતા કાયદાઓનાં વિકૃત દૂરૂપયોગ વડે જ આ બધા રાજકારણીઓ-રાજનેતાઓ દેશને બેફામ લૂંટે છે. નિજી સ્વાર્થને ખાતર બેફામ ખોટા ખર્ચાઓ કરે છે. આમાં તેઓ ધર્મની લાજ પણ રાખતા નથી. મતલક્ષી અને રાજગાદી લક્ષી રાજકારણ એમને ઈશ્ર્વરે સર્જેલા તથા ઈશ્ર્વરે ઈચ્છેલા માનવ જેવા માણસ રહેવા દીધા નથી…. આપણે આપણી સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રણાલીઓનું દેખાવ પૂરતું પાલન કરીએ ધર્મો સંપ્રદાયોની આમન્યા પાળીએ છીએ. સાધુ-સંતો અને ધર્મગૂરૂઓ-ધર્માચાર્યોની આજ્ઞા અને ઉપદેશોનું પાલન કરવાનું પસંદ કરીએ છીએ, પરંતુ સાચા અર્થમાં તેનું પાલન કરતા નથી. એને આપણો દેશ બેશક ધર્મપ્રધાન છે. એ ગીતાના બોધ મુજબ કર્મપ્રધાન હોવો જોઈતો હતો. પરંતુ હાલની રાજકીય-સામાજિક પરિસ્થિતિએ એને પૂર્ણપણે કર્મપ્રધાન રહેવા દીધો નથી. અમેરિકી પ્રમુખના એક જ પરિવારને રાજી કરવા કરોડો ડોલરનો ધૂમાડો કરતો આ દેશ કરોડો ડોલરથીયે અધીક મૂલ્યવાન એવી દેશની સંસ્કૃતિ, સંસ્કાર, સભ્યતાઅને વેદવાણીને છિન્નભિન્ન થતા રોકવા અને કરોડો ગરીબોનાં પરિવારોને રીબાંતા રોકવાની કર્મણ્યતા દાખવી શકતો નથી. એને કોઈ વખોડે નહિ તો શું કરો?

અત્રે એ યાદ રહે કે, કુદરત રૂઠવા પાછળના કારણો શોધવા જવા પડે તેમ નથી… કુદરત પ્રત્યેની, પર્યાવરણ પ્રત્યેની, હવામાન અને આબોહવા પ્રત્યેની પોતાની જવાબદારીઓ વહન કરવામાં તે જાગૃત નથી રહ્યા.

સહું કોઈએ પોતાના દેશને ચાહવો જોઈએ.

આપણે પણ આપણા દેશને ચાહવો જોઈએ. સમગ્ર દેશ બાંધવોને ચાહવા જોઈએ. આપણો દેશ આખા વિશ્ર્વનો કુટુંબવત્ ભાગ છે એમ સમજીને તેણે આખા જગતને ચાહવું જોઈએ.

આખી માનવજાતને ચાહવી જોઈએ, જેના આપણે એક અંગ છીએ. વિશ્ર્વ મહિલા દિનની રચના આ વિચારમાંથી ઉદભવી છે. આવા ઉત્સવ એકાત્મતાને દ્દઢ બનાવવાની ગરજ સારે છે. અને માનવ-ગૌરવની અસમાનતા અને ઉંચનીચતાને નકારીને એને સમાનતાના સિંહાસને કે એક સરખા પણાના ઝરૂખે બેસાડે છે.

જો વિશ્ર્વની અને રાષ્ટ્રની માનવજાત એકાત્મતાની માળાએ બંધાઈ જાય તો વિશ્ર્વમાંના ઝગડા લડાઈઓ તથા યુધ્ધોની સંભાવનાને કોઈ અવકાશ રહે નહિ.

કોરોનાઓને મ્હાત કરવાનો ઉપાય પણ આજ છે. એને ફકત માથું નહિ ઉંચકવા દેવાનું અને કલ્પનાતીત સંહારક નહિ બનવા દેવાનું શસ્ત્ર પણ આજ છે. ગાંધી વિચારધારામાં પણ આપણા દેશની તમામ સમસ્યાઓનું સમાધાન અને ઉકેલ છે એ નિ:સંદેહ છે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.