Abtak Media Google News

અબતક, લિડ્સ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ સમાપ્ત થયો હતો. વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પરંતુ ભારતીય ઈનીંગ પુરા 2 સેશન પણ ચાલી શકી નહોતી. એન્ડરસન અને ઓવર્ટનની બોલીંગ સામે ભારતીય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ભારતીય ટીમની પ્રથમ બેટીંગ ઈનીંગ 78 રન પર સમેટાઈ હતી. જ્યારે દિવસના અંતે ઈંગ્લેન્ડની ટીમે 120 રન એક પણ વિકેટ ગુમાવ્યા વગર કર્યા હતા.ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટીંગ ઈનીંગની શરુઆત સારી કરી હતી. બંને ઓપનરોએ મક્કમતાથી રમતને શરૂઆત કરી હતી. બંનેએ વિકેટ ગુમાવ્યા વિના જ ભારતીય ટીમના સ્કોરને પાર કરી લીધો હતો. ભારતીય ટીમ પર ઈંગ્લેન્ડની ટીમે ભારત પર લીડ મેળવી લીધી હતી.

આમ ભારતીય ટીમ માટે પ્રથમ દિવસથી મુશ્કેલ માર્ગ શરુ થયો હતો. રોરી બર્ન્સ અને હસીબ હમિદે ઈંગ્લેન્ડની બેટીંગ ઈનીંગની શરુઆત કરી હતી.બંને ઓપનરોએ દિવસના અંત સુધી રમત રમીને અર્ધશતક જમાવ્યા હતા. હસીબ હમિદે 58 રન કર્યા હતા. જ્યારે રોરી બર્ન્સ બર્ન્સે 52 રન કર્યા હતા. આમ બંનેએ ભારત પર વિશાળ લીડનો પાયો જમાવ્યો હતો.ભારતીય ટીમ માત્ર 78 રન પર જ સમેટાઈ ગઈ હતી. માત્ર 40.4 ઓવરમાં જ ભારતીય ટીમ સમેટાઈ ગઈ હતી. 78 પૈકી 16 રન તો ભારતીય ટીમના ખાતામાં એકસ્ટ્રાના રુપમાં આવ્યા હતા. દિવસના બીજા સેશનમાં જ ટીમની રમત પુરી થઈ ગઈ હતી.

કેએલ રાહુલ અને રોહિત શર્મા બેટીંગ કરવા માટે ઓપનીંગ જોડીના રુપમાં ક્રિઝ પર ઉતર્યા હતા. ભારતીય ટીમની શરુઆત ખરાબ રહી હતી. પહેલા કેએલ રાહુલના રુપમાં ઝડપથી પ્રથમ વિકેટ ગુમાવી હતી. બાદમાં ચેતેશ્વર પુજારાના રુપમાં ભારતે વિકેટ ગુમાવી હતી. આમ એક બાદ એક બંને વિકેટ ભારતે 4 રનના સ્કોર પર જ ગુમાવી દેતા મુશ્કેલ સ્થિતી સર્જાઈ હતી. પુજારા માત્ર 1 રન કરી ને જ આઉટ થયો હતો. જ્યારે રાહુલ ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો.ત્રીજી વિકેટના રુપમાં વિરાટ કોહલી આઉટ થયો હતો. તે માત્ર 7 રન કરીને જ વિકેટ ગુમાવી બેઠો હતો. અજીંક્ય રહાણે 18 રન કરીને આઉટ થયો હતો. તે 54 બોલનો સામનો કરી ક્રિઝ પર ટકવા પ્રયાસ કરી રહ્યો હતો. ઋષભ પંત 9 બોલમાં 2 રન કરી આઉટ થયો હતો. રોહિત શર્મા 105 બોલનો સામનો કરી 19 રન રમત રમી હતી. શર્માએ ટીમ વતી સૌથી વધુ રન બનાવ્યા હતા અને લાંબો સમય ક્રિઝ પર ટકી રહ્યો હતો.

67 રનના સ્કોર પર રોહિત શર્માના આઉટ થવા બાદ મોહમંદ શામી, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ આઉટ થયા હતા. આમ ચાર વિકેટ સ્કોર બોર્ડને એક પણ રનથી આગળ વધાર્યા વિના જ ગુમાવી દીધી હતી. શામી અને બુમરાહ શૂન્ય પર આઉટ થયા હતા. જાડેજાએ 4 અને સિરાજે 3 રન કર્યા હતા. ઈશાંત શર્મા એક બાઉન્ટ્રી સાથે 8 રન કરીને અણનમ રહ્યો હતો.ઈંગ્લેન્ડ તરફથી એન્ડરસને ભારતીય ટીમની મુશ્કેલીઓને શરુ કરી હતી. એન્ડરસને શરુઆતમાં જ એક બાદ એક ત્રણ ટોપ ઓર્ડરની વિકેટ ઝડપી હતી. એન્ડરસને 3 વિકેટ 6 રન આપીને ઝડપી હતી. જ્યારે ક્રેગ ઓવર્ટને 14 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. રોબિન્સન અને સેમ કરને 2-2 વિકેટ ઝડપી હતી.ઝડપી બોલર એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાં મુથૈયા મુરલીધરન અને શેન વોર્ન પછી ત્રીજા નંબરે છે. આ બંનેની સ્પર્ધાને પણ ઘણી ચર્ચામાં રહે છે.

સૌને કોહલી અને એન્ડરસન સામ-સામે આવે તેનો ઇંતઝાર રહે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં પાંચ મેચની શ્રેણી રમાઈ રહી છે. ત્રીજી મેચ હેડિંગ્લે ખાતે રમાઈ રહી છે. અત્યાર સુધી આ સિરીઝમાં એન્ડરસન કોહલી પર હાવી રહ્યો છે. જો ટેસ્ટ ક્રિકેટમાં જોવામાં આવે તો પણ એન્ડરસન અત્યાર સુધી કોહલી પર હાવી જ રહ્યો છે.બંને ટીમો વચ્ચે બુધવારથી શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં કોહલી વહેલો આઉટ થયો હતો. એન્ડરસને ફરી એક વખત તેની વિકેટ લીધી હતી. આ શ્રેણીમાં આ બીજી વખત છે, જ્યારે કોહલી ઈંગ્લેન્ડના સૌથી સફળ ઝડપી બોલર સામે ટકી શક્યો નથી. 2012થી, એન્ડરસને કુલ સાત વખત કોહલીને પોતાનો શિકાર બનાવ્યો છે. દરમ્યાન, એન્ડરસન 2016 અને 2018 માં બે વાર કોહલીની વિકેટ લઈ શક્યો ન હતો. પરંતુ 2021 માં એન્ડરસને કોહલીના નાકમાં દમ રાખી દીધો છે. 2012 માં એન્ડરસને કોહલીને 81 બોલ ફેંક્યા હતા, જેમાં તે એક વખત આઉટ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.