Abtak Media Google News

રોહિત-રાહુલની જોડીનો પાવર: કે.એલ.ની શાનદાર શતક અને રોહિતના અર્ધશતકે ભારતને મેચ પર મજબૂત પકડ અપાવી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઐતિહાસીક લોર્ડઝના મેદાન પર ટેસ્ટ મેચ શરુ છે. પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ભારતને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ટીમે ટોસ ગુમાવીને બેટીંગ માટે ઉતરતા શાનદાર શરુઆત કરી હતી. કેએલ રાહુલે શાનદાર શતક લગાવ્યુ હતુ, જ્યારે રોહિત શર્માએ અર્ધશતક ફટકારી હતી.

ભારતે પ્રથમ દિવસના અંતે ૩ વિકેટે ૨૭૬ રનનો સ્કોર કર્યો હતો. પ્રથમ દિવસે એક મોટો જુમલો ભારતીય ટીમે ખડકી દીધો છે સાથોસાથ હજુ ભારત પાસે રમવા માટે ૭ વિકેટ હાથમાં છે જેના કારણે ઈંગેલન્ડના બોલર્સ સહિત આખી ટીમ પર માનસિક દબાણ ઉભું થયું છે. ક્રિકેટ ઇઝ એ મેન્ટલ ગેમની ઉક્તિ પ્રમાણે માનસિક મનોબળ નીચું જતા ચોક્કસ ઇંગ્લેન્ડની ટીમ દબાણમાં આવી છે જેનો ફાયદો ભારતીય ટીમને થયો છે. હાલ મોટા સ્કોરને કારણે ટીમ ઇન્ડિયા બીજા ટેસ્ટ મેચમાં ડ્રાઇવિંગ સીટ પર આવી ગઈ છે.

લોર્ડઝમાં પણ વરસાદે શરુઆતમાં જ પધરામણી કરી હતી. ટોસ ઉછળવા ટાણે જ વરસાદને લઇને ટોસ મોડો ઉછાળવામાં આવ્યો હતો. જ્યારે મેચ ૩.૪૫ કલાકે ભારતીય સમયાનુસાર શરુ થઇ શકી હતી. જોકે પ્રથમ બોલ નાંખવાની શરુઆતે જ વરસાદ શરુ થતા મેચ શરુ થતા પહેલા જ રોકી દેવાઇ હતી. રમત શરુ થયા બાદ ફરી એકવાર વરસાદ વરસતા લંચ બ્રેક સમય થી વહેલા લેવામાં આવ્યો હતો.

ટોસ હારીને પ્રથમ બેટીંગની શરુઆત કરતા ભારતીય ઓપનરોએ મક્કમતાપૂર્ણ રમતની શરુઆત કરી હતી. કેએલ રાહુલે જબરદસ્ત ઇનીંગ રમી હતી. લોર્ડઝમાં ત્રીજો ભારતીય ઓપનર નોંધાયો હતો, કે જેણે શતક લગાવ્યુ હતુ. રાહુલ એ રોહિત અને વિરાટ કોહલી બંને સાથે શતકીય ભાગીદારી રમત નોંધાવી હતી.

રોહિત શર્માએ ચોગ્ગા પર ચોગ્ગા લગાવતી બેટીંગ કરી હતી. તેણે ૮૩ રનની રમત દરમ્યાન ૧૧ ચોગ્ગા લગાવ્યા હતા. જ્યારે ૧ સિક્સર લગાવી હતી. રોહિત શર્માએ શાનદાર રમત રમીને શતક નજીક પહોંચીને પેવેલિયન પરત ફર્યો હતો. કેએલ રાહુલ એ રોહિત શર્માના પેવેલિયન પરત ફરવા બાદ પોતાનુ બેટ ખોલ્યુ હતુ. તેણે સ્ટંપ્સ સુધીમાં ૧૨૭ રન કર્યા હતા.

ચેતેશ્વર પુજારા ફરી એકવાર નિષ્ફળ નિવડ્યો હતો. તેણે ૯ રનની ઇનીંગ રમી હતી. પુજારા એ ૧ ચોગ્ગો લગાવ્યો હતો. જેમ્સ એન્ડરસના બોલ પર તે સ્લીપમાં કેચ આપી બેઠો હતો. વિરાટ કોહલીએ ૧૦૩ બોલમાં ૪૩ રનની રમત રમી હતી. કોહલી સેટ થયા બાદ આઉટ થતા તે પોતાનાથી નિરાશ થયો હતો. અજીંક્ય રહાણે ૨૨ બોલ ની રમત રમી ૧ રન સાથે ક્રિઝ પર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.