Abtak Media Google News

હાલનો સમય ઇકોનોમીક વોરનો, ભારત જે રીતે મજબૂત અર્થવ્યવસ્થા સાથે વિશ્ર્વના નકશામાં ઉભરી રહ્યું છે, પાકિસ્તાને સારા દિવસો લઈ આવવા ભારત સાથે રહેવું જ પડશે

વાર્યા ન વરે, પણ હાર્યા વરે…આ કહેવત પાકિસ્તાન ઉપર અત્યારે બરાબર બંધ બેસવાની છે. કારણકે પાકિસ્તાન અત્યારે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે હવે પાકિસ્તાને ભારતને પડખે રાખવા સિવાય કોઈ છૂટકો નથી.

ભારત વસુધૈવ કુટુંબકમમાં માનનારો દેશ છે. ખાસ કરીને પાડોશીને જ્યારે કોઈ મુશ્કેલી પડે ત્યારે તેની પડખે ઉભું રહેવામાં ભારત ક્યારેય પાછીપાની કરતું નથી. પણ વાત જયારે પાકિસ્તાનની આવે તો પાકિસ્તાને અત્યાર સુધીમાં એટલી અવળચંડાઈ કરી છે કે જો કોઈ બીજો દેશ તેની સામે હોત, તો અત્યાર સુધીમાં ધીરજ ખોઈ બેસત. પરંતુ ભારતે અત્યાર સુધી વાટાઘાટો અને ધીરજથી કામ લીધું છે.

Pak 1

હાલનો સમય ઇકોનોમીક વોરનો છે. ભારત મજબૂત અર્થવ્યવસ્થા સાથે વિશ્વના નકશામાં ઉભરી રહ્યું છે. માટે હવે પાકિસ્તાને સારા દિવસો લઈ આવવા ભારત સાથે રહેવું જ પડશે. જો કે નવી સરકારના ઘણા નેતાઓ આ વાત બરાબર રીતે જાણતા હોય, તેઓએ ખુલ્લેઆમ ભારતનું સમર્થન પણ કર્યું છે.

પાકિસ્તાન  ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. પહેલેથી જ નાણાકીય મુશ્કેલીઓ અને પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.  જેના કારણે અહીં લગભગ ત્રણ કરોડની વસ્તી પ્રભાવિત થઈ છે.  છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં પૂરે બલૂચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા અને સિંધ પ્રાંતમાં વિનાશ વેર્યો છે.  ઘણા લોકો મુશ્કેલીમાં મુકાયેલી હાલતમાં મદદની રાહ જોતા જોઈ રહ્યા છે.

આ બધી સમસ્યા વચ્ચે એવી આશંકા છે કે પાકિસ્તાનની હાલત પણ શ્રીલંકા જેવી થઈ શકે છે, જ્યારે રાહત કાર્ય માટે નાણાં એકત્ર કરવાનો પડકાર પાકિસ્તાની વડાપ્રધાન સામે છે.  આર્થિક પડકારોનો સામનો કરી રહેલા પાકિસ્તાને આઈએમએફને બેલઆઉટ પેકેજ માટે અપીલ કરી હતી. આઈએમએફ પાકિસ્તાનને 4 બિલિયન ડોલર આપવા માટે તૈયાર છે.  પરંતુ સાથે જ તેણે પાકિસ્તાનને ઘણા સુધારા કરવા પણ કહ્યું છે.  આઈએમએફએ કહ્યું છે કે પાકિસ્તાન પડકારજનક આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યું છે.  પરંતુ તેણે મજબૂત શાસન, ભ્રષ્ટાચારને દૂર કરવા માટેના તમામ પગલાં અને પાવર સેક્ટરમાં ઝડપી સુધારાની માંગ કરી છે.  તે

આ બધાની વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની સામે સ્થિતિ ખૂબ જ પડકારજનક છે.  આ દિવસોમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન એક ખાસ અભિયાન ચલાવી રહ્યા છે.  એપ્રિલમાં અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગયા બાદ ઈમરાન વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.  આવી સ્થિતિમાં શાહબાઝ શરીફ સુધારા માટે કોઈ મજબૂત પગલું પણ ભરી શકતા નથી.  આ તમામ મુશ્કેલીઓ વચ્ચે પાકિસ્તાન સરકાર અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન વચ્ચે વાટાઘાટોની પ્રક્રિયા ચાલી રહી છે. ટીટીપી એ અફઘાન તાલિબાન સાથે ગુપ્ત વાટાઘાટો માટે જૂનમાં ત્રણ મહિનાના યુદ્ધવિરામની જાહેરાત કરી છે.  તે જ સમયે, પાકિસ્તાન માટે સમસ્યા એ છે કે અફઘાન તાલિબાનના દબાણ છતાં ટીટીપી તેના હુમલા બંધ કરી રહી નથી.  આના કારણે એક વર્ષ પહેલા કાબુલમાં તાલિબાન શાસનની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં ડઝનેક પાકિસ્તાની લશ્કરી જવાનોના મોત થયા છે.

ભારતમાંથી ખાદ્યચીજો આયાત કરવી જરૂરી: પાક. નાણામંત્રી

પાકિસ્તાનના નાણા મંત્રી મિફતાહ ઈસ્માઈલે સોમવારે જણાવ્યું હતું કે પાકિસ્તાન સરકાર તાજેતરના ગંભીર પૂરના કારણે નાશ પામેલા પાકને કારણે ભારતમાંથી શાકભાજી અને અન્ય ખાદ્ય ચીજોની આયાત કરવા પર વિચાર કરી રહી છે.  ત્રણ વર્ષ પહેલાં, કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાના નિર્ણય પછી પાકિસ્તાને ભારત સાથેના

તેના રાજદ્વારી સંબંધોને ડાઉનગ્રેડ કર્યા હતા. પરેશાન લોકોની સુવિધા માટે ભારતથી આયાત જરૂરી છે.  તેમણે ભારત સાથે વ્યાપારી સંબંધોની જોરદાર હિમાયત કરી અને કહ્યું કે, લોકોને મોંઘવારીથી બચાવવા જરૂરી છે, એમ તેમણે જણાવ્યું હતું.  હું અર્થતંત્રની સુધારણા માટે કામ કરી રહ્યો છું.

મોદીએ સંકટ સમયે સંવેદના વ્યક્ત કરી પાકિસ્તાનિઓના દિલ જીત્યા

પાકિસ્તાનમાં પૂરના કારણે 1100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાનમાં પૂરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી.  તેમણે ટ્વીટ કર્યું, પાકિસ્તાનમાં પૂરના કારણે થયેલી તબાહી જોઈને દુ:ખ થયું.  અમે પીડિતોના પરિવારો, ઘાયલો અને આ કુદરતી આફતથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઝડપથી સામાન્ય સ્થિતિની પુન:સ્થાપનની આશા રાખીએ છીએ. મોદીએ આ સંવેદના વ્યક્ત કરી પાકિસ્તાનિઓના દિલ જીત્યા છે.

ભારત સાથે વેપાર સંબંધો તોડી પાકિસ્તાને જાતે જ પતન નોતર્યું

હકીકતમાં, જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કર્યા પછી, પાકિસ્તાને ભારત સાથે વેપાર ઘટાડવાનો નિર્ણય લીધો હતો.  ભારતના નિર્ણય પછી, પાકિસ્તાને ઓગસ્ટ 2019માં ભારત સાથેના તેના વેપાર સંબંધોમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. જો કે ભારત સાથે વેપારી સંબંધો તોડીને પાકિસ્તાને પોતાના જ પગ ઉપર કુહાડો માર્યો હતો.

ભારત વસુધૈવ કુટુંબકમમાં માને છે : દરેક પાડોશી દેશને મદદ કરી, ઇતિહાસ સાક્ષી છે

ભારત વસુધૈવ કુટુંબકમમાં માનનારો દેશ છે. જે પાડોશીને જ્યારે જરૂર પડી છે ત્યારે ભારતે બનતી તમામ મદદ કરી છે. ભારતે અફઘાનિસ્તાન અને શ્રીલંકાને મુશ્કેલ ઘડીએ અનાજ અને દવાની સહાય કરી છે. આ ઉપરાંત ભૂતકાળમાં કુદરત પ્રકોપ વખતે પણ પાડોશી દેશોને ભારતે સહાય કરી છે. હવે પાકિસ્તાન પણ જો સીધું થઈ જાય તો ભારત તેની મદદ કરવાના ક્યારેય પાછીપાની નહિ કરે તે સ્પષ્ટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.