Abtak Media Google News

કાશ્મીરમાં કલમ-૩૭૦ દૂર કરવાના ભારત સરકારના નિર્ણયના વિરોધમાં પકિસ્તાને ભારત સાથે વ્યવસાયિક સંબંધો બંધ કર્યા, રેલ તથા માર્ગ વ્યવહાર બંધ કર્યા, ભારતીય ફિલ્મો, નાટકો તથા સાંસ્કૄતિક કાર્યક્રમનાં પ્રસારણ બંધ કર્યા! આવું કરીને શું પાકિસ્તાન એવું સાબિત કરવા માગે છે કે તે ભારતને આર્થિક નુકસાન પહોંચાડશે અને પોતે સમૄધ્ધ થશે..? આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ તો ખાવી કઢી અને દાવો દૂધપાકનો કરવા જેવી આ વાત છે.  જે દેશ ૠઉઙ નાં મામલે ૨૧૬ દેશોની યાદીમાં ૧૭૩ માં ક્રમે હોય તે દેશ પાંચમા કે છઠ્ઠા ક્રમના દેશને આર્થિક મામલે ભિડવવાની પેરવી કરે તો એની વ્યવસાયિક કુશળતા કેવી માનવી? આ બધાં નખરાં વૈશ્વિક સમુદાયમાં પોતાનો વાંધો સ્થાપિત કરવા માટે અને દેશના નાગરિકોને સરકારે કાંઇક કર્યુ એવું દેખાડવા માટેના ડ્રામા માની શકાય. 

અમે એવું નથી કહેતા કે ભારતને આર્થિક નુકસાન નહીં થાય. કોઇપણ દેશ સાથેના વ્યવસાયિક સંબંધો ખરાબ થાય ત્યારે બન્ને દેશોને આર્થિક ભોગ આપવો પડે તે ભિંતે ચિતરેલું સત્ય છે. પણ અહીં ભારતને જે નુકસાન થશે તે ભારતની ઇકોનોમી માટે એટલું ઓછું હશે કે કદાચ કોઇના ધ્યાનમાં પણ નહી આવે. જ્યારે પાકિસ્તાન વૈશ્વક બજારમાં વેચાવા આવશે.

આમ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સાલ ૨૦૧૭નાં નાણાકિય વર્ષમાં વાર્ષિક ૨.૨૯ અબજ ડોલરના વેપાર થયા હતા.. જે ભારતનાં કુલ વિદેશ વેપારનાં માંડ ૦.૩૫ ટકા ગણી શકાય. આટલા નાના આંકડાથી ભારતને બહુ ખાસ ફરક પડતો નથી. સાલ ૨૦૦૧ થી ૨૦૦૫ નાં સમયગાળામાં બન્ને દેશો વચ્ચેના વેપાર ૨૫ કરોડ ડોલર થી વધીને ૮૭ કરોડ ડોલર થયા હતા. જે ત્રણ ગણાથી વધારેનો સુધારો દેખાડે છે. પણ ત્યાર બાદ એવા ખાસ ઘનિષ્ઠ વ્યવસાયિક સંબંધો વિકસ્યા નથી. વર્લ્ડ બેંકનો અહેવાલ કહે છે કે બન્ને પડોશી દેશો વચ્ચેના વ્યવસાયિક સંબંધો ૩૭ અબજ ડોલર સુધી પહોંચી શકે છે. પણ આવું કાંઇ થયું નથી. ઉલટાનું પુલવામા હુમલા બાદ વેપાર ૧૬.૪ કરોડ ડોલર રહી ગયો હતો. જે જુન મહિનામાં ઘટીને ૧૦.૫ કરોડ ડોલરે આવી ગયો છે. હવે આ કારોબાર ન રહે તો ભારતને શું મોટો ફરક પડે?

બીજી મહત્વની વાત એ છે કે છાશવારે બગડતા સંબંધોના કારણે ભારતના વેપારીઓ ઘણા સમયથી દુબઇ કે અફઘાનિસ્તાનનાં વેપારીઓ કે એજન્ટો મારફતે જ પાકિસ્તાનમાં માલ મોકલે છે. એમને આજે પણ તકલીફ પડવાની નથી. ઉલટાનું પાકિસ્તાનની કંપનીઓને ઉંચા ભાવે માલ લેવા પડશે.

યસ, સંબંધો બગડવાના કારણે ભારતના બોલિવુડને નુકસાન થશે. જેમાં ખાસ કરીને ખાન સ્ટાર્સ અર્થાત શાહરૂખ ખાન, સલમાન ખાન તથા આમિરખાનની ફિલ્મો પાકિસ્તાનમાં ખાસ જોવાતી હોય છે. આ ફિલ્મો ૩૦ થી ૫૦ કરોડ રૂપિયાનો વેપાર કરતી હોય છે. આ વેપાર માંથી ભારતને મળનારો કમાણીનો હિસ્સો બંધ થશે. પણ સાથે યાદ રહે કે પાકિસ્તાની ફિલ્મોનો સક્સેસ રેશિયો ઘણો નીચો છે. દર ૨૦ પાકિસ્તાની ફિલ્મોમાંથી માંડ બે ફિલ્મ સફળ થાય છે. તેથી પાકિસ્તાની મનોરંજન ઇન્ડસ્ટ્રી ભારત ઉપર નિર્ભર છે. છેલ્લા થોડા સમયમાં ફક્ત હિન્દી ફિલ્મો પ્રસારિત કરતા થિયેટરની સંખ્યા ૯૫ થી વધી ને ૧૧૦ થઇ હોવાના અહેવાલ છે. હાલમાં ૭૦ટકા જેટલી પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોલિવુડની ફિલ્મો ઉપર નિર્ભર છે.  મતલબ કે ભારતીય ફિલ્મો બંધ થાય તો પાકિસ્તાની મલ્ટિપ્લેક્ષ ઇન્ડસ્ટ્રી ખાડે જઇ શકે છે. આવા સંજોગોમાં શું થાય? આવા સંજોગોમાં બોલિવુડની ફિલ્મોની પાઇરસી વધે. જેની સત્તાવાર આવક ભારત તથા પાકિસ્તાન બન્નેની સરકારને ગુમાવવી પડે. ભારત તો આ નુકસાનને કાશ્મીરમાં ભારતીય તથા વિદેશી ફિલ્મોના શુટિંગ શરૂ કરાવીને સરભર કરી લેશે પણ પાકિસ્તાનનું શું થશે?

વૈશ્વિક બજારમાં પાકિસ્તાનની આયાત મોટાભાગનાં દેશો સાથે નેગેટિવ ગ્રોથમાં છે. કારણકે પાકિસ્તાનની ખરીદશક્તિ જ ઓછી થઇ ગઇ છે. હાલમાં પાકિસ્તાન મોટાભાગના ઉત્પાદનો માટે રો મટિરિયલ ભારત પાસેથી ખરીદે છે. પેરા ઝાયલિન, પોલિપ્રોપીલિન, રંગ, અન્ય કેમિકલ, ચા, ટમેટા, મરચાં, દવાઓ, તલ, જીરૂ, ઇસબ્ગુલ તથા ધાણા જેવા મસાલાની આયાત કરે છે. સામા પક્ષે ભારત પાકિસ્તાનથી ફળો, ખજુર, અંજીર, જિપ્સમ તથા સિમેન્ટ આયાત કરે છે. આ ઉપરાંત હવાઇ પટ્ટી બંધ થતાં ભારતીય વિમાનોને ૧૨ મિનીટ વધારે ઉડાન ભરવી પડશે. 

હવે જો કાશ્મીરનો ત્રાસવાદ બંધ થતો હોય, ધરતી પરના સ્વર્ગ પર જો કાયમી ભારતનો તિરંગો ફરકતો હોય, આપણા સૈનિકોની શહીદી બંધ થતી હોય, દેશનાં સંરક્ષણ બજેટનો મોટો ખર્ચ બચતો હોય, વૈશ્વિક બજારમાં ભારતની તાકાત વધતી હોય, કાશ્મીરી પંડિતો ફરી તમના વતનમાં રહેવા જઇ શકતા હોય અને પ્રવાસીઓ નિર્ભય થઇને કાશ્મીરનો નજારો માણી શકતા હોય તો ખજુર, અંજીર કે પાઇનેપલ માટે થોડા વધુ નાણા ચુકવવામાં કોઇપણ ભારતીય નાગરિકને જરાપણ તકલીફ નહીં પડે! 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.